Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશનના નામે પૈસા પડાવવાનું બે લેભાગુઓનું કારસ્તાન

હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતાં શખ્સે કોઇપણ રીતે દાખલ દર્દીના સગાનો મોબાઇલ નંબર લઇ રાત્રે મેસેજ કર્યો કે-તમારા દર્દીને બે રેમડેસિવિર આપવાના છે, વ્યવસ્થા કરોઃ થોડીવાર રહી ફોન કર્યો કે તમારાથી ન થાય તો અમે વ્યવસ્થા કરી દઇએ તમે સવારે પૈસા આપી દેજોઃ આજે પૈસા લેવા માટે ફોન કર્યો ને ભાંડો ફુટ્યો : દર્દીના સગાની જાગૃકતાને કારણે મામલો ડેપ્યુટી કલેકટર સુધી પહોંચ્યા પછી પોલીસે બે શકમંદની પુછતાછ શરૂ કરીઃ પકડાયેલા શખ્સે પોતે સિકયુરીટી સુપરવાઇઝર હોવાની ઓળખ આપીઃ પણ ખોટો નીકળ્યોઃ દર્દીના સગાને સવારે કહેવાયું હતું કે-ઇન્જેકશન તમારા દર્દીને બાટલામાં આપી દેવાયા છે!

રાજકોટ તા. ૧૩: કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતાં રેમડેસિવિર ઇન્જેકશનની ખુબ અછત છે અને લોકો પોતાના દાખલ સ્વજનના જીવ બચાવવા ગમે તેમ કરીને રેમડેસિવિર ઇન્જેકશન મેળવવા પ્રયાસો કરતાં રહે છે તેવા સમયે અમુક લેભાગુઓ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી કમાણી કરવા ઉતરી આવ્યા છે. ગયા વર્ષે રાજકોટ શહેર પોલીસને રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજારનું મોટુ કોૈભાંડ ઝડપી લઇ મેડિકલ સ્ટોરના કર્મચારીઓ, એમ.આર. સહિતનાને દબોચી લઇ નોંધપાત્ર કામગીરી કરી હતી. હાલમાં ફરીથી કોરોનાએ કાળો કહેર વર્તાવવાનું ચાલુ કર્યુ છે અને હોસ્પિટલો સતત સંક્રમિત દર્દીઓથી ઉભરાઇ રહી છે ત્યારે ફરીથી રેમડેસિવિર ઇન્જેકશનની અછત ઉભી થઇ છે અને અમુકે તેના કાળાબજાર કરવાનું શરૂ કર્યુ છે. ગઇકાલે જ રાજ્યના અધિક પોલીસવડાએ આ ઇન્જેકશનના કાળા બજાર કરનારાઓ પર તૂટી પડવા આદેશ આપ્યા હતાં. ત્યાં આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં દાખલ એક દર્દીના સગાને એક લેભાગુએ મેસેજ કરી-ફોન કરી 'તમારા દર્દીને રેમડેસિવિર ઇન્જેકશન આપવા પડે તેમ છે' તેવી ખોટી વાત કરી દર્દીના સગા પાસેથી પૈસા પડાવવાનું કારસ્તાન ઘડ્યાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ચોથા માળે દાખલ એક દર્દીના સગાને સોમવારે રાતે મોબાઇલ ફોન પર મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે તમારા દર્દીને બે રેમડેસિવિર ઇન્જેકશન આપવાની જરૂરીયાત ઉભી થઇ છે અને હોસ્પિટલમાં વ્યવસ્થા નથી. તમે ઝડપથી વ્યવસ્થા કરજો.

દર્દીના સ્વજનોએ આવો મેસેજ આવતાં જ દોડધામ કરી મુકી હતી અને કોઇપણ રીતે રેમડેસિવિર ઇન્જેકશન શોધવા પ્રયાસો આદર્યા હતાં. પોતાના સ્વજન મુશ્કેલીમાં હોઇ તેમને બચાવવા માટે કંઇપણ કરવા સગા તૈયાર થઇ ગયા હતાં. પરંતુ એમને શંકા ઉપજી હતી કે સિવિલ હોસ્પિટલમાં તો રેમડેસિવિર હોય જ છે અને બહારથી કયારેય લેવાનું કહેવાતું નથી. આમ છતાં કદાચ દર્દીઓ ખુબ વધી ગયા હોય અને શોર્ટેજ ઉભી થઇ હોઇ શકે તેમ લાગ્યું હતું.

દર્દીના સગા ઇન્જેકશનની વ્યવસ્થા કરે એ પહેલા મેસેજ કરનારે ફરીથી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે જો તમારાથી રેમડેસિવિર ઇન્જેકશનની વ્યવસ્થા ન થાય તો અમે અમારી રીતે અમારા સંપર્ક દ્વારા વ્યવસ્થા કરી દઇશું. પછી જે પૈસા થાય એ સવારે આપી દેજો. આથી દર્દીના સગા સંમંત થઇ ગયા હતાં.

દરમિયાન આજે સવારે ફરીથી ફોન કરવામાં આવ્યો હતો કે 'તમારા દર્દીને બે ઇન્જેકશન તેમને ચડાવવામાં આવતાં બાટલા સાથે આપી દેવામાં આવ્યા છે, હવે પૈસાનો વહિવટ કરી નાંખજો'. આથી દર્દીના સગાની શંકા વધુ દ્રઢ બની હતી. કારણ કે ઇન્જેકશન બાટલામાં આપવાના હોતા નથી, ડાયરેકટ દર્દીને આપવાના હોય છે. આથી દર્દીના સ્વજન-સગા કોવિડ સેન્ટરમાં વ્યવસ્થા સંભાળતા ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી સુધી પહોંચ્યા હતાં. તેમને દાળમાં કંઇક કાળુ હોવાની શંકા ઉપજતાં પોલીસને જાણ કરવા દર્દીના સગાને સુચન કર્યુ હતું.

પોલીસને જાણ થતાં જ પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ખાનગી રીતે વોચ રાખી હતી. બીજી તરફ પોતાને રેમડેસિવિર ઇન્જેકશન માટે મેસેજ અને ફોન કરનારને દર્દીના સગાએ ફોન કરી પૈસા લઇ જવા માટે બોલાવતાં એ વ્યકિતએ પોતે ટ્રોમા કેર સેન્ટર પાસે આવે છે તેમ જણાવ્યું હતું. આથી પોલીસે ખાનગીમાં વોચ રાખી હતી. મેસેજ કરનાર શખ્સ અને સાથે બીજો એક શખ્સ પૈસા લેવા આવ્યા ત્યાં જ તેને સકંજામાં લઇ લેવાયા હતાં. જેમાંથી એક શખ્સે તો પોતે સિકયુરીટી સુપરવાઇઝર હોવાની ઓળખ આપી હતી.  પરંતુ સિકયુરીટી ટીમને બોલાવી તપાસ કરાવવામાં આવતાં આ શખ્સ ખોટુ બોલતો હોવાનું જણાતાં તેને સકંજામાં લેવાયો હતો.

હાલ પ્રાથમિક તબક્કે આવી વિગતો બહાર આવી છે. રેમડેસિવિર ઇન્જેકશનના નામે પૈસા પડાવવાના કાવતરામાં ખરેખર શું છે? તેની વિશેષ તપાસ થઇ રહી છે. હજુ સુધી વિધીસર પોલીસ ફરિયાદ કે કાર્યવાહી થઇ નથી. જે બે શખ્સ હાથમાં આવ્યા છે તે બંને સિંહ રાશીના નામ ધરાવે છે. જેમાંથી એકની બેઠક સિવિલ હોસ્પિટલમાં જ હોવાનું પણ જાણવા મળ્યું છે.

(3:56 pm IST)