Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

મીડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટ ફાઈનલઃ રેસ્ટ ઓફ પ્રેસ ચેમ્પિયનઃ અબતક રનર્સઅપ

મેન ઓફ ધ સિરીઝ ભાવેશ લશ્કરી (૪૫૦ રન), બેસ્ટ બેટસમેન દીપેન પારેખ (૩૧૩ રન), બેસ્ટ બોલર નવનીત લશ્કરી (૧૦ વિકેટ) : ફાઈનલમાં બન્ને ટીમના ઓપનિંગ બેટસમેનો ભાવેશ લશ્કરી અને દીપેન પારેખે ફટકારી સદીઃ વિજેતાઓને અબતક ગ્રુપનાં તંત્રી સતિષભાઈ મહેતા, કોમોડિટી વર્લ્ડના મેનેજર રાજેશ ભાવસાર તથા TLCના અમેશ દફતરીનાં હસ્તે ઈનામ અપાયા : વિજેતા ટીમોને કોમોડિટી વર્લ્ડ તરફથી ૨૫ હજાર રોકડાં તથા ટ્રોફી, રનર્સ અપને ૧૫,૦૦૦ અને ટ્રોફી, મેન ઓફ ધ સિરીઝને ૧૧,૦૦૦ અને ટ્રોફી

રાજકોટ તા.૧૩: 'ક'થી કોરોના જ સમજવા લાગેલા પત્રકારો અને મીડિયાકર્મીઓમાં 'ઘર' કરી ગયેલા તણાવને દૂર કરીને 'ક'થી ક્રિકેટ પણ થાય છે તે સમજાવવાના ઉમદા આશય સાથે રાજકોટ મીડિયા કલબ દ્વારા રેસકોર્સના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાની ૯ ટીમો વચ્ચે સિઝન બોલ ટી-૨૦ ટૂર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. સતત દોઢ મહિના સુધી સમાચારોની સાથે સાથે બોલ પાછળ મીડિયાકર્મીઓને દોડાવ્યા બાદ રવિવારે ટૂર્નામેન્ટનો અત્યંત 'હાઈવોલ્ટેજ' ફાઈનલ મુકાબલો રમાયો હતો જેમાં રેસ્ટ ઓફ પ્રેસની ટીમ ચેમ્પિયન બની હતી તો ટીમ અબતક રનર્સઅપ રહી હતી.

બે બળુકી ટીમ વચ્ચે જ્યારે ક્રિકેટ મેચમાં ટકકર થાય ત્યારે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસવો સ્વાભાવિક છે ત્યારે આ મેચમાં પણ રનોનો ઢગલો, ચોગ્ગાની આતશબાજી અને છગ્ગાનો વરસાદ વરસ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં રેસ્ટ ઓફ પ્રેસની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૯૬ રન બનાવ્યા હતા. રેસ્ટ ઓફ પ્રેસ વતી ભાવેશ લશ્કરીએ તેની આક્રમક શૈલી પ્રમાણે જ બેટિંગ કરતાં માત્ર ૬૫ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૧૧૩ રન બનાવ્યા હતા. આ ઉપરાંત શ્રવણ નથવાણીએ સાત, ભીખુભાઈએ અણનમ ૫૩ અને નવનીત લશ્કરીએ અણનમ ૬ રન બનાવ્યા હતા. બોલિંગમાં ટીમ અબતક વતી મોનિલ, સંજય, તેજસે એક-એક વિકેટ પોતાના નામે કરી હતી.

રેસ્ટ ઓફ પ્રેસે આપેલા ૧૯૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ અબતકે ૭ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધા બાદ પલટવાર કરતાં લક્ષ્યાંકનો આબેહુબ પીછો કર્યો હતો પરંતુ ૨૦ ઓવરમાં ૧૮૧ રન જ બનાવી શકતાં તેને જીત માટે માત્ર ૧૫ રનનું છેટું રહી ગયું હતું. અબતક વતી દીપેન પારેખે ૬૫ બોલમાં ૧૩ ચોગ્ગાની મદદથી અણનમ ૧૦૮ રન બનાવ્યા હતા તો તેજસે ૪૫ અને સંજયે ૧૭ રનનું યોગદાન આપ્યું હતું. એકંદરે ૪૦ ઓવરમાં ૪૨ ચોગ્ગા અને છ છગ્ગાને કારણે બન્ને ટીમોએ ૩૭૭ રન ઝૂડી કાઢીને ક્રિકેટરસિકોને મજો મજો કરાવી દીધો હતો.

સંયોગવશ બન્ને ટીમના ઓપનિંગ બેટસમેન (ભાવેશ લશ્કરી-રેસ્ટ ઓફ પ્રેસ) અને (દીપેન પારેખ-અબતક)એ સદી ફટકારી પોતાના કાંડાનું કૌવત બતાવ્યું હતું. ફાઈનલ મુકાબલામાં દરેક ચોગ્ગા, છગ્ગા, વિકેટ માટે આયોજકો દ્વારા ડી.જે.સહિતની પણ વ્યવસ્થા કરાઈ હતી તો શાનદાર કોમેન્ટરી પણ પીરસાતી રહી હતી.

ટૂર્નામેન્ટ બાદ ધ્યાનાકર્ષક ઈનામો આપવાની પરંપરા પણ 'રાજકોટ મીડિયા કલબે' જાળવી રાખતાં ચેમ્પિયન ટીમ રેસ્ટ ઓફ પ્રેસને ૨૫૦૦૦ અને રનર્સઅપ અબતકને ૧૫૦૦૦ના રોકડ પુરસ્કારથી નવાજી હતી. જ્યારે બેસ્ટ બેટસમેન તરીકે દીપેન પારેખ, બેસ્ટ બોલર તરીકે નવનીત લશ્કરી અને મેન ઓફ ધ સિરીઝ ભાવેશ લશ્કરીની પસંદગી કરી તેમને રોકડ ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું.

કોરોનાની અત્યંત વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ સાંગોપાંગ રીતે ટૂર્નામેન્ટને શાનદાર રીતે સમાપન આપવા બદલ આયોજકો કિન્નર આચાર્ય, તુષાર રાચ્છ સહિતનાની મહેનતને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી અને દર વર્ષે આ જ પ્રકારની ટૂર્નામેન્ટનું આયોજન કરતાં રહે તેવી શુભકામના પાઠવી હતી. વિજેતાઓને કોમોડિટી વર્લ્ડના મેનેજર રાજેશ ભાવસાર, અબતક ગ્રુપનાં તંત્રી સતિષભાઈ મહેતા તથા TLCના અમેશ દફતરીનાં હસ્તે ઇનામો અપાયાં હતા.

આ વર્ષે બાકી રહી ગયેલી કસર આવતાં વર્ષે પૂર્ણ કરશું: કિન્નર આચાર્ય, તુષાર રાચ્છ

ઈન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટના સમાપન પ્રસંગને સંબોધન કરતાં આયોજક કિન્નર આચાર્ય અને તુષાર રાચ્છે જણાવ્યું હતું કે દર વર્ષે ફાઈનલ મુકાબલા બાદ સૌ મીડિયામીત્રો અને વીઆઈપી, વીવીઆઈપી મહાનુભાવો એક સાથે ભોજનનો આસ્વાદ માણતાં હોય છે પરંતુ આ વર્ષે સ્થિતિને ધ્યાનમાં રાખી તે આયોજિત કરવું શક્ય બને તેમ ન હોવાથી આ વર્ષે બાકી રહી ગયેલી કસર આવતાં વર્ષે પૂર્ણ કરવાનો કોલ આપ્યો હતો.

આ તકે આયોજકોએ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમો, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ સહિતનાનો પણ ટૂર્નામેન્ટમાં સહયોગ આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

કોમોડિટી ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સનાં મયુર મહેતા દ્વારા ઇનામોનો વરસાદ

આ ટુર્નામેન્ટ આમ તો છેલ્લાં પાંચ સાત વર્ષથી નિયમિતપણે યોજાય છે. પરંતુ આ વખતની ટુર્નામેન્ટની વાત જ ન્યારી હતી. આ વખતે 'કોમોડિટી વર્લ્ડ' ન્યૂઝપેપર ગ્રુપનાં મેનેજિંગ તંત્રી મયુર મહેતાએ ખેલાડીઓ અને વિજેતાઓ પર ઈનામોનો વરસાદ વરસાવ્યો હતો. મેન ઓફ ધ ફાઇનલ, મેન ઓફ ધ સીરિઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, રનર્સ અપ અને ચેમ્પિયનની ટ્રોફી પણ તેમનાં તરફથી અપાઈ હતી. આ ઉપરાંત વિજેતા ટીમને ૨૫,૦૦૦ અને રનર્સ-અપને ૧૫,૦૦૦ સહિત કુલ ૬૩,૦૦૦નાં રોકડ ઈનામ તેમનાં તરફથી આપવામાં આવ્યા હતાં. નખશીખ ક્રિકેટપ્રેમી મયુર મહેતાની આ પહેલને ઉપસ્થિત તમામ લોકોએ તાળીભેર વધાવી લીધી હતી.

હેમરાજભાઈ પાડલીયાનો સહયોગ

ઋષિવંશી સમાજનાં અગ્રણી અને ભામાશા તરીકે વિખ્યાત- ગાંધીનગરસ્થિત હેમરાજભાઈ પાડલિયાએ પણ ટુર્નામેન્ટમાં તેમનાં સ્વર્ગસ્થ પિતાશ્રી રામજીભાઈ પાડલિયાનાં સ્મરણાર્થે ભરપૂર સહયોગ આપ્યો હતો. તેમણે ટુર્નામેન્ટમાં અંગત રસ લઈ અનેક વ્યવસ્થાઓ સંભાળી હતી.

પિન્કી તુષાર રાચ્છ બન્યા વુમન ઑફ ધ સિરીઝ !

મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટની આ ફાઇનલમાં આ વખતે પ્રથમ વખત 'મેન ઓફ ધ સીરિઝ'ની સાથેસાથે 'વુમન ઓફ ધ સીરિઝ' પણ જાહેર કરાયા હતા. આખી ટુર્નામેન્ટ દરમિયાન દરેક મેચનાં બ્રેકમાં ખેલાડી સહિત સૌ ઉપસ્થિત લોકોને ગરમાગરમ નાસ્તો પહોંચાડતા પિન્કીબેન તુષાર રાચ્છને રાજકોટ મીડિયા કલબ તરફથી ખાસ સન્માન આપી તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

ભાવેશ લશ્કરી-નવનીત લશ્કરી એટલે સ્ટીવ વો- માર્ક વોની જોડી!

રેસ્ટ ઓફ પ્રેસનાં ખેલાડી ભાવેશ લશ્કરી અને નવનીત લશ્કરીએ ટીમને ચેમ્પિયન બનાવવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. લગભગ તમામ મેચમાં આ બેમાંથી એક ભાઈ 'મેન ઓફ ધ મેચ' બન્યો હતો. 'મેન ઓફ ધ સીરિઝ'નો ખિતાબ ભાવેશ લશ્કરીને મળ્યો હતો. તેણે ટુર્નામેન્ટમાં બે સદી સાથે કુલ ૪૫૦ રન બનાવ્યા હતાં. જ્યારે નવનીત લશ્કરીને બેસ્ટ બોલરનો એવોર્ડ મળ્યો હતો. તેણે ટુર્નામેન્ટમાં ૧૦ વિકેટો લીધી હતી. ફાઇનલમાં પણ ભાવેશ લશ્કરી જ મેન ઓફ ધ મેચ થયા હતા. કહેવાય છે કે, આઈ.પી.એલ.ની જેમ આ ટુર્નામેન્ટમાં ઓકશન થતું હોત તો બેઉ ભાઈઓ વચ્ચે ત્રીસેક કરોડ ઉપજતાં હોત!

સેમીફાઈનલ- ફાઈનલમાં ''અબતક''નો દિપેન પારેખ છવાયો

'અબ-તક'નાં યુવા પ્લેયર દિપેન પારેખે પોતાની શાનદાર, સાતત્યસભર અને સ્ટ્રેટેજીપૂર્વકની બેટીંગને લીધે તમામ ખેલાડીઓનું દિલ જીતી લીધું હતું. વિખ્યાત પત્રકાર સુરેશ પારેખ (સુ.પા.)ના પુત્ર દિપેને ટુર્નામેન્ટમાં ૩૧૩ રન બનાવી બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ મેળવ્યો હતો.

સેમી ફાઇનલમાં કાઠિયાવાડ પોસ્ટે ૧૭૨ રનનો સ્કોર ખડક્યો ત્યારે લાગતું હતું કે અબ-તકનું જીતવું મુશ્કેલ છે. એવા સમયે દિપેન પારેખે શરૂઆતમાં સિંગલ-ડબલ અને બાદમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને ટીમને આસાન વિજય અપાવ્યો હતો. ફાઈનલમાં પણ રેસ્ટ ઓફ પ્રેસ દ્વારા ૧૯૬ રન બનાવાયા ત્યારે આ ટાર્ગેટ કપરા ચઢાણ જેવો હતો. પરંતુ દિપેન પારેખે શાનદાર સદી બનાવીને ટીમને વિજયની સાવ નજીક લાવી દીધી હતી. કમનસીબે તેનો ભગીરથ પુરૂષાર્થ એળે ગયો હતો. એ ટીમને મેચ ન જીતાડી શક્યો પણ બધાનાં દિલ જીતી લીધાં હતાં.

અમ્પાયર તરીકે પ્રદીપસિંહ તથા મનોજ દવેની સેવા

મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા આમ તો ઘણાં લોકોનો પુરૂષાર્થ છે. પરંતુ આયોજન કમિટીનાં કિન્નર આચાર્ય, તુષાર રાચ્છ, ભાવેશ લશ્કરી, કુલદીપ રાઠોડ, જતીન પરમાર, કમલેશ ગુપ્તા, હુસૈન ભારમલ, અનિરૂદ્ધ નકુમ, કિરણભાઈ રાચ્છ, તેજસ પારેખ, હરેશ ધામી અને શરદ માખેચાએ ટુર્નામેન્ટને યાદગાર બનાવવા ભરપૂર પ્રયાસો કર્યા હતાં. અમ્પાયર પ્રદીપસિંહ જાડેજા તથા તેમની ટીમ અને ગ્રાઉન્ડ કો-ઓર્ડિનેટર મનોજ દવેની કામગીરી પણ ઉત્કૃષ્ટ રહી હતી.

મહાનગરપાલિકાનો સહયોગ

કોવિડને કારણે પૂર્ણાહુતિ સમારંભ સાદાઈપૂર્વક

કોરોનાને કારણે કથળેલી પરિસ્થિતિને લીધે ટુર્નામેન્ટની બાકીની મેચો ફટાફટ રમાડી નાંખવી પડે તેમ હતું. શરૂઆતથી જ આ ટુર્નામેન્ટમાં સહકાર આપતી મહાનગરપાલિકાએ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે માગ્યા મુજબ તારીખો ફાળવી આપી હતી. કોવિડની સ્થિતિને લીધે પૂર્ણાહુતિ સમારોહ, ઈનામ વિતરણ સમારોહ સાદાઈથી કરવાનો નિર્ણય લેવાયો હતો અને ભોજન સમારંભ રદ કરાયો હતો.

(3:52 pm IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : પહેલીવાર મૃત્યુઆંક 1 હજારથી વધુ : એક્ટિવ કેસમાં ધરખમ વધારો : રોજ નવા રેકોર્ડ સર્જતાં કેસથી ભારે ફફડાટ : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,85,104 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,38,71,321 થઇ :એક્ટિવ કેસ 13,60,867 થયા : વધુ 82,231 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,23,32,688 સાજા થયા :વધુ 1026 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,72,115 થયો : દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 17,963 કેસ, છત્તીસગઢમાં 15,121 કેસ, દિલ્હીમાં 13,468 કેસ અને કર્ણાટકમાં 8778 કેસ નોંધાયા access_time 12:45 am IST

  • ડો. પ્રવિણ તોગડીયાને કોરોના : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા ડો. પ્રવિણ તોગડીયા પણ કોરોના સંક્રમિત થયા છે. હાલ તેઓ હોમ આઈસોલેશન હેઠળ છે. access_time 11:21 am IST

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ' સેલ્ફ આઇસોલેટ ' થયા : તેમની ઓફિસના અનેક અધિકારીઓ કોરોના સંક્રમિત થવાથી નિર્ણય લીધો access_time 8:03 pm IST