Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સાધુ વાસવાણી રોડ નંદ વિલેજ એપાર્ટમેન્ટમાં રહેતો કારખાનેદાર

૨૧ વર્ષનો હાર્દિક આલ્ફા પ્લસ બિલ્ડીંગના અગિયારમા માળેથી પટકાતા ગંભીર ઇજા

દાંત-મોઢા પર ઇજા હોઇ બોલી ન શકતો હોવાથી નિવેદન લેવાનું બાકીઃ કાર લઇને આવ્યો, બે માળ દાદરા ચડ્યો, પછી લિફટમાં ગયો...સીસીટીવી ફૂટેજ વહેતા થયા થોડા દિવસ બાદ લગ્ન છેઃ ફીટીંગમાં આપેલા કપડા લેવા જાય છે તેમ નાના ભાઇને કહીને ઘરેથી નીકળ્યા બાદ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસેના કોમ્પલેક્ષમાં ઘટના બની

રાજકોટઃ શહેરના ૧૫૦ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે આવેલા આલ્ફા પ્લસ બિલ્ડીંગના આઠમા માળેથી એક યુવાન સાંજે પટકાતાં બાજુના મેદાનમાં પુઠાના બોકસ સહિતનો ભંગાર પડ્યો હોઇ તેના પર પડતાં મોઢા-દાંતમાં ગંભીર ઇજા થઇ હતી અને શરીરે મુંઢ ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુનિવર્સિટી પોલીસની તપાસમાં આ યુવાન સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક નંદ વિલેજ એપાર્ટમેન્ટમાં રહેતોઅને ધ્રોલ પાસે કારખાનુ ધરાવતો હાર્દિક મનસુખભાઇ કાસુન્દ્રા (ઉ.વ.૨૧) હોવાનું ખુલ્યું હતું.

ખાનગી હોસ્પિટલમાંથી એન્ટ્રી નોંધાવાતાં યુનિવર્સિટીના હેડકોન્સ. સાજીદભાઇ ખેરાણી નિવેદન નોંધવા પહોંચ્યા હતાં. પરંતુ મોઢા પર ગંભીર ઇજા હોઇ હાર્દિક બોલી શકે તેમ ન હોઇ નિવેદન બાકી રખાયું છે. પોલીસને અટલી માહિતી મળી હતી કે હાર્દિક તેના પિતા સાથે કારખાનુ સંભાળ છે. ગઇકાલે માતા-પિતા પડધરીના મોટા રામપરા ગામે ગયા હતાં. ઘરે હાર્દિક, તેનો નાનો ભાઇ એકલા હતાં. બંનેએ સાથે ફિલ્મ જોઇ હતી. થોડા દિવસ પછી હાર્દિકના લગ્ન છે. તે ભાઇને પોતે ફીટીંગ માટે આપેલા કપડા લેવા જાય છે તેમ કહી કાર લઇને નીકળ્યો હતો અને બાદમાં આલ્ફા પ્લસ બિલ્ડીંગના અગિયારમા માળેથી પટકાયો હતો.

લોકો ભેગા થઇ જતાં અને એ વખતે જ હાર્દિકના ફોનમાં એક ફોન આવતાં રિસીવ થતાં હાર્દિક પડી ગયાનું જણાવાયા બાદ તેને હોસ્પિટલે ખસેડવા સામેથી વાત કરનારે કહેતાં તેને લોકોએ દવાખાને ખસેડ્યો હતો. પરિવારજનોએ પોલીસને કહ્યું હતું કે હાર્દિકને કોઇપણ જાતની તકલીફ નથી. તે નાનપણથી એ.સી.માં રહેવાની આદત ધરાવે છે. તેને વધુ ગરમીમાં ચક્કર આવી જાય છે. હાર્દિક કાર લઇને આવે છે, પાર્ક કરે છે પછી કોમ્પલેક્ષમાં ત્રણ માળ દાદરા ચડે છે અને બાદમાં લિફટમાં બેસીને જાય છે અને અગિયારમા માળની બારીમાંથી પટકાય છે, તેવા સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયામાં વહેતા થયા હતાં. ઘટના અંગે પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(12:44 pm IST)