Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વ્‍યવસાયિક વપરાશ ઘટતા રાજકોટ ડેરીમાં રોજ ૩૦ હજાર લીટર દૂધની આવક વધી : ઉત્‍પાદકોને ફરી ભાવ વધારાનો લાભ

આઇસક્રીમના ધંધા ભાંગી ગયા, પ્રસંગોને બ્રેક : રાત્રિ કર્ફયુથી હોટલોમાં દૂધની જરૂર ઓછી થઇ : મંડળીઓને કિલો ફેટે રૂા. ૬૬૦ અને ઉત્‍પાદકોને રૂા. ૬૫૫ મળશે : ગોરધનભાઇ

રાજકોટ તા. ૧૩ : રાજ્‍યમાં કોરોનાએ ફરી માથું ઉંચકતા તેની અસર વિવિધ ક્ષેત્રો પર પડી છે. સ્‍વયંભૂ લોકડાઉન, રાત્રિ કર્ફયુ જેવા પગલાઓના કારણે વ્‍યવસાયિક હેતુ માટેના દૂધની માંગ ઘટી છે. સામાન્‍ય રીતે ઉનાળામાં દૂધનું ઉત્‍પાદન ઘટે છે તેથી રાજકોટ જિલ્લા દૂધ ઉત્‍પાદક સંઘમાં દૂધની આવક ઘટતી હોય છે પણ આ વખતે કોરોનાના કારણે સંજોગો પલટાતા ડેરીમાં દૂધની આવક વધી છે. ડેરીએ દૂધ ઉત્‍પાદકો માટે ભાવ વધારો જાહેર કર્યો છે.

હાલ આઇસક્રીમના ધંધા ભાંગી ગયા છે. રાજકોટ જેવા શહેરોમાં રાત્રિ કર્ફયુથી ચાની અને ખાણીપીણીની હોટલોમાં દૂધના વપરાશમાં ધરખમ ઘટાડો થયો છે. પ્રસંગોને બ્રેક લાગી ગઇ છે. દૂધની મીઠાઇઓનું વેચાણ ઘટયું છે. આ બધા કારણોથી ડેરીમાં સરેરાશ રોજની ૩૦ હજાર લીટર દૂધની આવક વધી છે. ગઇ તા. ૧ એપ્રિલે ડેરીમાં ૫.૪૫ લાખ લીટર દૂધની આવક હતી. ક્રમશઃ વધારા સાથે ગઇકાલે આવક ૫.૭૫ લાખ લીટરે પહોંચી છે. રાજકોટ ડેરી રોજ ૩.૧૫ લાખ લીટર દૂધ વેચે છે. ૧૨ હજાર કિલો દહીં બનાવે છે. ૯૦ હજાર લીટર છાશ બનાવે છે. પોતાના વપરાશ ઉપરાંતનું દૂધ ગાંધીનગર મહાસંઘમાં મોકલે છે.  ડેરીના અધ્‍યક્ષ ગોરધનભાઇ ધામેલિયાના જણાવ્‍યા મુજબ ગઇ તા. ૧ એપ્રિલે દૂધ ઉત્‍પાદકો માટે ભાવ વધારેલ. કપાસિયા ખોળનો ભાવ વધતા દૂધ ઉત્‍પાદકોના આર્થિક હિત માટે ફરી તા. ૧૧ એપ્રિલથી અમલમાં આવે તે રીતે કિલો ફેટે રૂા. ૧૦ વધારો કરાયો છે. દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે રૂા. ૬૬૦ ચૂકવાશે. મંડળીઓ તેના દૂધ ઉત્‍પાદકોને પ્રતિ કિલો ફેટના રૂા. ૬૫૫ લેખે ચૂકવશે. છેલ્લા ૩ વર્ષથી દૂધ ઉત્‍પાદકોને ઉતરોતર સરેરાશ ભાવ વધારાનો લાભ મળ્‍યો છે. મંત્રી શ્રી જયેશ રાદડિયાની રાહબરીમાં રાજકોટ ડેરી પ્રગતિના પંથે છે.

(11:28 am IST)