Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કુવાડવા પોલીસે સોખડામાંથી ૬.૯૬ લાખનો દારૂ ભરેલી ગાડી પકડીઃ ઇંટો પાછળ જથ્થો છુપાવાયો'તો

૧૪૪૦ બોટલ દારૂનો જથ્થો તથા ટાટા ૯૦૯ ગાડી નં. જીજે૦૧સીયુ-૨૫૩૦ મળી ૧૦,૯૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જેઃ ચાલક ભાગી ગયો : હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, કોન્સ. વિરદેવસિંહ જાડેજા અને દેવેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ એન. એન. ચુડાસમા, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા અને ટીમને સફળતા

રાજકોટ તા. ૧૩: કુવાડવા રોડ પોલીસે ચોક્કસ બાતમીને આધારે સોખડા ગામમાં રામાપીરના મંદિર પાસે આંબા વાડી તરફ જવાના રસ્તા પર વોચ રાખી રૂ. ૬,૯૬,૦૦૦નો ૧૧૪૦ બોટલ દારૂ ભરેલી ટાટા ૯૦૯ ગાડી ઝડપી લીધી છે. જો કે ચાલક ભાગી ગયો હતો. ઇંટોની પાછળ દારૂનો જથ્થો છુપાવાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સોખડામાં જીજે૦૧સીયુ-૨૫૩૦ નંબરની ટાટા ૯૦૯ મોડેલની ગાડી દારૂ ભરીને આવી રહી હોવાની ચોક્કસ બાતમી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ડી. સ્ટાફના હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, કોન્સ. વિરદેવસિંહ જાડેજા અને દેવેન્દ્રસિંહ જાડેજાને મળતાં તેના આધારે વોચ રાખવામાં આવતાં બાતમી મુજબની ગાડી આવતાં અટકાવતાં ચાલક પોલીસને જોઇ ગાડી રેઢી મુકી ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતાં ઠાઠામાં ઇંટો ભરેલી જોવા મળી હતી. પરંતુ ઇંટો દૂર હટાવીને પાછળ જોતાં અંદરથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની રૂ. ૬,૯૬,૦૦૦ની ૧૪૪૦ બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂ અને ૧૦ લાખની ગાડી કબ્જે કરી ગાડીના નંબરને આધારે તેના માલિક, ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એસ. આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ એન. એન. ચુડાસમા, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. અરવિંદભાઇ ડી. મકવાણા, કિશોરભાઇ પરમાર, જયંતિભાઇ એસ. ગોહિલ કોન્સ. વિરદેવસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ, જીઆરડી સંદિપ ડાવેરા, મનવીર ડાંગર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી.

બુટલેગરે પોલીસને છેતરવા ગાડીના ઠાઠામાં બહારની સાઇડ ઇંટો ગોઠવી દીધી હતી અને પાછળના ભાગે દારૂની બોટલોના બોકસ છુપાવી દીધા હતાં. પરંતુ પોલીસને પાક્કી બાતમી હોઇ બુટલેગરનો આ કિમીયો નિષ્ફળ નીવડ્યો હતો. દારૂ કોને મોકલ્યો, કોને આપવાનો હતો? એ સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

(11:27 am IST)