Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ર૪મીથી રાજકોટમાં રાષ્ટ્રીયકક્ષાનું લઘુઉદ્યોગકારોનું પ્રદર્શન

લઘુ ઉદ્યોગ મેળામાં તમામ કેટેગરી આવરી લેવાઇ છેઃ હંસરાજભાઇ ગજેરાઃ દેશભરનાં ૫૦૦થી વધારે લઘુઉદ્યોગકારો ભાગ લેશેઃ રપ,૦૦૦ ચોરસ મીટરના એસી ડોમમાં મેગા આયોજનઃ વિદેશી મૂડી રોકાણની નહિ, વિદેશી ગ્રાહકોની જરૂર છેઃ હિતેન્દ્ર જોશી

લઘુઉદ્યોગ ભારતીની પત્રકાર પરિષદમાં અગ્રણીઓ હિતેન્દ્રભાઇ જોશી, હંસરાજભાઇ ગજેરા, ગણેશભાઇ ઠુમ્મર, જય માવાણી વગેેરે નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૩: ઉદ્યોગ ક્ષેત્રે વિદેશી મુડી રોકાણની નહિ, વિદેશી ગ્રાહકોની જરૂર છે. વિદેશી ગ્રાહકો ખરીદ કરે એ લક્ષ્મીજીનું આગમન ગણાય. આ માટે લઘુ ઉદ્યોગ પ્રદર્શનનું વિશાળ આયોજન કર્યું છે.

આ શબ્દો જિતેન્દ્રભાઇ જોશીના છે. લઘુઉદ્યોગ ભારતી દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન થયું હતું, જેમાં સંસ્થાના અગ્રણીઓએ સંબોધન કરેલું.

લઘુ અને મધ્યમી ઉદ્યોગ ક્ષેત્રે દેશભરમાં ખ્યાતનામ રાજકોટના ઉદ્યોગ જગતને માર્કેટની વિશાળ પાંખો આપવા માટે લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આગામી નવેમ્બર માસમાં ૨૪થી ૨૭ તારીખ સુધી રાજકોટના આંગણે રાષ્ટ્રીય કક્ષાનો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર-૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતાં લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્રના પ્રમુખ હંસરાજભાઇ ગજેરા તથા રાજકોટના પ્રમુખ ગણેશભાઇ ઠુંમરે જણાવ્યું હતું કે ટેકનોલોજીકલ રાષ્ટ્રીયતાના થીમ સાથે અમે રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગ મેળાનું આયોજન કર્યું છે જેનું આજ રોજ લોન્ચીંગ કરીએ છીએ. રપ,૦૦૦ ચોરસ મીટરની વિશાળ જગ્યામાં એસી ડોમ સાથે વિશાળ એકિઝબિશનનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી અંદાજે પ૦૦થી વધુ ઉદ્યોગકારો ભાગ લેશે.

આ રાષ્ટ્રીય ઇન્ડસ્ટ્રિયલ ફેર વિષે વિગતો આપતાં શ્રી હંસરાજભાઇ ગજેરા અને ગણેશભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યું હતું કે, આ ઓૈદ્યોગિક મેળા દ્વારા અમારો મુખ્યઉદેશ માઇક્રો, સ્મોલ, મિડિયમ સાહસોને એક જ સ્થળે આકર્ષવાનો છે. ભારત એમ.એસ.એમ. ઇનું હબ છે. આ એકિઝબિશન વિશ્વની એમ.એન.સી., જાહેર સાહસો, ઓટો જાયન્ટ વગેરે સમક્ષ તેમની પ્રોડકટ શો-કેસ કરવાનું એક મોટુ પ્લેટફોર્મ બની રહેશે. આ ઉદ્યોગ મેળાની મહત્વની બાબત એ છે કે ઉત્પાદકોની પ્રોડકટનું સુવ્યવસ્થિત ઢબથી પ્રેઝન્ટેશન થાય, તેમની પ્રોડકટ ડિસ્પ્લે થાય, પસંદગીના ઉત્પાદનો નિશ્ચિત સમય મર્યાદામાં મોટી સંખ્યામાં ગ્રાહકો તમારા સુધી નિહાળવા આવે. આ ઉદ્યોગમેળામાં અમો પસંદગીની લગભગ તમામ કેટેગરીને આવરી લઇ તેને પ્રમોટ કરવાનો પ્રયાસ કર્યો છે. સરકાર જેના વિકાસ માટે પ્રયાસો અને પ્રોત્સાહન યોજના કરે છે એવા ક્ષેત્રો ઉપર પણ ધ્યાન અપાયું છે.

રાજકોટના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે રપ,૦૦૦ ચોરસ મીટરના વિશાળ એ.સી. ડોમમાં અંદાજે પ૦૦થી વધુ કંપનીઓ માટે એકઝિબિશન સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં બી ટુ બી, બી ટુ સી અને બી ટુ જી ઇન્કવાયરી જનરેટ થવાની જબ્બર શકયતા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મેક ઇન ઇન્ડિયાની તર્જ ઉપર ઇન્ડસ્ટ્રિયલ જાયન્ટ અને એમ.એસ.એમ.ઇ. એક જ મંચ ઉપર એકઠા થાય એક મેકની પ્રોડકટ અને નિપુણતાથી પરિચીત થાય. તેમની આંતરિક જરૂરીયાતો, ગુણવતા, ટેકનોલોજી વગેરેને સમજી કોસ્ટ એફિસિયન્ટ માર્કેટનું સર્જન કરે તે બન્ને પક્ષે લાભકારક બનશે. બજારમાં જરૂરી ટેકનોલોજીકલ અને માર્કેટ ઇનોવેશન કરવા માટે આ મેળો એક પ્રેરક મંચ બની રહેશે.

ગત એપ્રિલ ૨૦૧૭માં લઘુઉદ્યોગ ભારતી દ્વારા ઉદ્યોગમેળો યોજવામાં આવ્યો હતો. જેને સંગીન સફળતા મળી હતી. આ મેળામાં ઉદ્યોગકારોને સ્ટોલ માટે સરકાર તરફથી પ્રતિ સ્કવેર મીટર રૂપિયા ૩૦૦૦ની સબસીડી અપાવી હતી. ઉદ્યોગકારોના આગ્રહથી લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ફરી એક વખત રાજકોટના આંગણે રાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

લઘુ ઉદ્યોગ ભારતી માઇક્રો, સ્મોલ ઇન્ડસ્ટ્રી માટેનું રાષ્ટ્રીય સંગઠન છે. ૧૯૯૪ની સાલમાં અસ્તિત્વમાં આવ્યું છે. આજે દેશભરના ૪૦૦થી વધુ જિલ્લાઓમાં આ સંગઠન ફેલાયું છે. દેશભરમાં લઘુ ઉદ્યોગ ભારતીની ૨૫૦ વધુ શાખા છે. લઘુ ઉદ્યોગ ક્ષેત્રને સુગઠિત કરવાના સંનિષ્ઠ પ્રયાસો અવિરતપણે લઘુ ઉદ્યોગ ભારતી કરી રહ્યું છે.

(3:54 pm IST)