Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

લફરાબાજ ધવલ ત્રિવેદીને હવે CBI શોધશે

ગુજરાત હાઇકોર્ટે કેસની તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપીઃ છેલ્લે ચોટીલાથી એક સ્ટુડન્ટને લઇને ભાગી ગયો'તોઃ નેપાળમાં હોવાની શંકા

નવીદિલ્હી, તા.૧૩:  શિક્ષકના વેશમાં રહેલા હવસખોર અને પોતાની જ સ્ટૂડન્ટ્સ સાથે ભાગી જઈ તેમના પર રેપ કરવા માટે કુખ્યાત રાજકોટના લવગુરુ ધવલ ત્રિવેદીને પકડવાનું કામ હવે સીબીઆઈને સોંપવામાં આવ્યું છે. બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આ લફંગો લવગુરુ ધવલ ત્રિવેદી જેલમાંથી પેરોલ પર છૂટ્યો હતો, અને થોડા જ દિવસોમાં સુરેન્દ્રનગરથી એક છોકરીને લઈને નાસી ગયો હતો.

પેરોલ પર છૂટ્યા બાદ ધવલ ત્રિવેદીએ પોતાની ઓળખ ધર્મેન્દ્ર દવે તરીકે આપીને ચોટીલામાં ઈંગ્લિશ કલાસીસ શરુ કર્યા હતા. જોકે, તેના થોડા જ દિવસોમાં ઓગસ્ટ ૨૦૧૮માં આ લંપટ તેની જ એક સ્ટૂડન્ટને લઈને ભાગી ગયો હતો. તે ૨૦૧૦દ્મક અત્યાર સુધી આઠ છોકરીઓ સાથે આ રીતે ભાગી ચૂકયો છે. છેલ્લે પોલીસ તેને પંજાબથી પકડી લાવી હતી. કોર્ટે માર્ચ ૨૦૧૮માં તેને આજીવન કેદની સજા ફટકારી હતી. તે બે વાર પ્રેમલગ્ન પણ કરી ચૂકયો છે, જે છૂટાછેડામાં પરિણમ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટે આ હવસખોર શિક્ષકને ગમે તે કિંમતે પકડી લાવી તેના કબજામાં રહેલી છોકરીને બચાવવાનું કામ હવે સીબીઆઈને સોંપ્યું છે. સીબીઆઈને આ કેસની તપાસ સોંપતા જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ એસી રાવની બેંચે જણાવ્યું હતું કે, સીબીઆઈ માટે આ કેસની તપાસ ખૂબ જ પડકારજનક છે, પરંતુ આવા પડકારજનક કામો કરવા માટે જ જાણીતી છે, અને કોર્ટ અપેક્ષા રાખે છે કે સીબીઆઈ આ શિક્ષકને પકડી લેશે.

ધવલ ત્રિવેદીને પકડવા માટે અત્યાર સુધી ગુજરાત પોલીસ કાર્યરત હતી. જોકે, તે સુરેન્દ્રનગરની જે છોકરી સાથે ભાગી ગયો છે તેના વાલીઓ દ્વારા કરાયેલી હેબિયર્સ કોપર્સની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ છોકરીને હજુ સુધી શોધી શકી નથી. ધવલ આ છોકરીને લઈ નેપાળ ભાગી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું, પરંતુ પોલીસને નેપાળ મોકલવાના કોઈ પ્રયાસ નથી થયા તેવું પણ કોર્ટે અવલોકન કર્યું હતું.આ કેસ પ્રાથમિક દ્રષ્ટિએ જ માનવ તસ્કરીનો છે તેમ કોર્ટે જણાવ્યું હતું. તેની તપાસ સીબીઆઈ દ્વારા ખૂબ જ ગંભીરતાથી થવી જોઈએ તેમ પણ કોર્ટે કહ્યું હતું. ધવલ ત્રિવેદીના કબજામાં રહેલી છોકરી અત્યારે કેવી હાલતમાં જીવતી હશે તે કોઈ નથી જાણતું. તે જીવતી હશે કે નહીં તેની પણ કોઈને ખબર નથી. શકય છે કે તેને દેહવેપારના ધંધામાં પણ ધકેલી દેવામાં આવી હોય.

ધવલ ત્રિવેદીએ અન્ય છોકરીઓને પણ પોતાની નિશાન બનાવી હોવાનો ડર કોર્ટે વ્યકત કર્યો હતો. તેના કબજામાં બીજી કોઈ છોકરીઓ પણ છે કે કેમ તે અંગેની તપાસ કરવા પણ કોર્ટે સીબીઆઈને જણાવ્યું હતું. કેસની તાત્કાલિક તપાસ શરુ કરી ચાર સપ્તામાં તેનો રિપોર્ટ સોંપવા પણ કોર્ટે સીબીઆને જણાવ્યું છે. જરુર જણાય તો આ મુદ્દે ઈન્ટરપોલને જાણ કરવા પણ સીબીઆઈને કહેવામાં આવ્યું છે.

(3:39 pm IST)