Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સ્પાના ઓઠા હેઠળ વધુ એકવાર કૂટણખાનુ ઝડપાયું

રાજકોટના કાલાવડ રોડ વોકહાર્ટ હોસ્પિટલ પાછળ સેલિબ્રિટી એચટુઓ સ્પામાં રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ આરાધનામાં રહેતો પવનસિંગ ચોૈહાણ નાગાલેન્ડ-મુંબઇની ચાર યુવતિઓ રાખી લોહીનો વેપલો કરાવતો'તોઃ તેની અને એક ગ્રાહકની ધરપકડઃ ડીસીબીના કોન્સ. મહેશ મંઢ અને નિશાંત પરમારની બાતમી પરથી ગાંધીગ્રામ પોલીસનો દરોડોઃ મોજમજા માટે આવતાં લોકો પાસેથી ૪૦૦૦ વસુલાતાં અને મસાજના નામે ૧૦૦૦ની પહોંચ અપાતી

રાજકોટ તા. ૧૩: શહેરમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સ્પામાં ગોરખધંધા  ચાલતા હોવાની ફરિયાદોને પગલે અગાઉ પોલીસે ઠેકઠેકાણે દરોડા પાડ્યા હતાં. જેમાં અમુકમાં સ્પાને બદલે બીજી જ પ્રવૃતિઓ થતી હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદેસર રીતે આવા સ્પામાં રખાયેલી થાઇલેન્ડ સહિતના બીજા દેશની યુવતિઓ પણ મળી આવતાં તેની સામે પણ કાર્યવાહી કરી તેને વતન મોકલી દેવામાં આવી હતી. પોલીસની કડક કાર્યવાહીઓની વચ્ચે પણ અમુક શખ્સો સ્પાના ઓઠા હેઠળ ન કરવાના ધંધા કરતાં રહે છે. ગાંધીગ્રામ પોલીસે કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ પાછળ આવેલા સેલિબ્રિટી એચટુઓ નામના સ્પામાં દરોડો પાડી કૂટણખાનુ ચલાવતાં મેનેજર અને એક ગ્રાહકને પકડ્યા છે. અહિથી નાગાલેન્ડની ચાર યુવતિઓ પણ મળી હતી.

પોલીસે આ મામલે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે આરાધના સોસાયટી-૩માં રહેતાં અને સેલિબ્રિટી એચટુઓ સ્પામાં મેનેજર તરીકે સંચાલન સંભાળતા પવનસિંગ લક્ષમણસિંગ ચોૈહાણ (રજપૂત) (ઉ.૨૬) તથા ગ્રાહકની સામે ધી ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૮૫૬ની કલમ ૩, ૪, ૫, ૬ મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. પવનસિંગ પોતાના હસ્તકના સ્પામાં આર્થિક લાભ માટે વેશ્યાવૃતિ કરાવતો હોવાનું અને ગ્રાહક તરીકે આવેલો શખ્સ યુવતિ સાથે કઢંગી હાલતમાં મળ્યો હોવાનું તેમજ સ્પાના કાઉન્ટરમાંથી ૧૨ કોન્ડોમ પણ મળ્યાનું પોલીસે જણાવ્યું હતું. આ ઉપરાંત ૧૨ હજાર રોકડા પણ કબ્જે લેવાયા છે.

પીએસઆઇ જે. એમ. ભટ્ટે ફરિયાદી બની જે ગુનો દાખલ કરાવ્યો છે તેમાં જણાવ્યું છે કે હું તથા ડીસીબીના કોન્સ. મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. વનરાજ લાવડીયા, એએસઆઇ પુષ્પાબેન પરમાર સહિતનો સ્ટાફ સાંજે પાંચ વાગ્યે ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે કોન્સ. મહેશભાઇ મંઢ અને નિશાંતભાઇ પરમારને બાતમી મળી હતી કે સેલિબ્રિટી એચટુઓ સ્પામાં સ્પાના ઓઠા હેઠળ કૂટણખાનુ ચલાવે છે. આથી અમે ખરાઇ કરવા ડમી ગ્રાહક ઉભો કર્યો હતો અને તેને સમજ આપી સ્પામાં રવાના કર્યો હતો. અમે સ્ટાફ પણ સ્પા નજીક ગોઠવાઇ ગયા હતાં. ડમી ગ્રાહકે આવીને વાત સાચી હોવાનું કહેતાં પંચને સાથે રાખી રેઇડ કરી પોલીસ તરીકેની ઓળખ આપી હતી.

સ્પામાં હાજર શખ્સે પુછતાછમાં પોતાનું નામ પવનસિંગ ચોૈહાણ જણાવેલ અને પોતે મેનેજર હોવાનું તેમજ માલિકનું નામ પોતાને યાદ નહિ હોવાનું તેણે કહ્યું હતું. સ્પામાં કુલ ૬ રૂમ હતાં. જે પૈકી પહેલા રૂમમાં જોતાં એક શખ્સ અને એક યુવતિ કઢંગી હાલતમાં મળ્યા હતાં. યુવાનને બહાર બોલાવી પુછતાં પોતાનું નામ જણાવ્યું હતું અને પોતાને સ્પાના મેનેજરે મસાજ માટેની રૂ. ૧૦૦૦ની પહોંચ આપી હોઇ તે બતાવી હતી. તેમજ વધારાના ૩૦૦૦ લીધાની વાત કબુલી હતી.

ત્યારબાદ યુવતિને પુછતાં તેણે પોતે ૨૬ વર્ષની હોવાનું અને હાલ રાજકોટમાં જ રહેતી મુળ નાગાલેન્ડની હોવાનું કહ્યું હતું. તેની પાસેથી એક કોન્ડોમ મળ્યો હતો. તેણીએ કબુલ્યું હતું કે ગ્રાહક પાસેથી મસાજના નામે કુલ ૪ હજાર રૂપિયા લઇ ૧૦૦૦ની પહોંચ આપતા હતાં. બાકીના રૂ. ૩૦૦૦ પોતે તથા મેનેજર રાખતા હતાં. અન્ય રૂમો તપાસતા રૂમ નં. ૫માંથી  એક મહિલા પુરૂષ સાથે પુરતા વસ્ત્રોમાં મળી હતી. તેણે પોતાની ઉમર ૨૬ વર્ષની અને મુળ નાગાલેન્ડની હોવાનું કહ્યું હતું.     જ્યારે તેની સાથેના ગ્રાહક તરીકે આવેલા શખ્સે સ્પાના મેનેજરને મસાજ માટે ચુકવેલા રૂ. ૧૦૦૦ની પહોંચ બતાવી હતી. તે માત્ર નેચરલ મસાજ કરાવવા જ આવ્યાનું કહ્યું હતું.

બીજા રૂમમાં બીજી બે મહિલા હતી. તે ૨૭ અને ૩૯ વર્ષની હતી. જેમાં એક નાગાલેન્ડની અને બીજી મુંબઇ ગોરેગાંવની હોવાનું જણાવાયું હતું. મેનેજરે આ ચારેયને દેહવ્યાપાર કરાવવા માટે રોકી રાખ્યાનું ખુલ્યું હતું. મહિલાઓને તેના વાલીઓને સોંપવા કાર્યવાહી કરાઇ હતી. મેનેજરના કાઉન્ટરમાંથી બાર નંગ કોન્ડોમ અને રૂ. ૧૨ રોકડા જે તેણે દેહવિક્રય કરાવીને મેળવ્યા હતાં તે મળતાં કબ્જે લેવાયા હતાં.

પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, રાહુલભાઇ, કિશોરભાઇ સહિતની ટીમ વધુ તપાસ કરે છે. સ્પાના માલિક કોણ છે? તે અંગે અને કેટલા સમયથી આ ગોરખધંધા ચાલતાં હતાં? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. યુનિવર્સિટી રોડ પર આવેલા અન્ય એક સ્પામાં પણ શંકાને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ સ્પામાં મસાજ સિવાય કોઇ અનૈતિક પ્રવૃતિ થતી હોવાનું બહાર આવ્યું નહોતું. (૧૪.૮)

(3:36 pm IST)