Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

મવડી ગામ શેરી નં. ૨૧માં ખુબ ઉંચા સ્પીડબ્રેકરને લીધે દરબાર અને મુસ્લિમ પરિવાર વચ્ચે બઘડાટી

મજીદ કુરેશી બાઇક લઇને લખધીરસિંહના ઘર પાસેથી નીકળતાં સ્પીડ બ્રેકરમાં બાઇક અડી જતાં બોલાચાલી થઇઃ તેના પિતા સહિત ત્રણ ઘવાયાઃ એ પછી લખધીરસિંહ સહિતનાએ તેના ઘરે જઇ હુમલો કરી બારીમાં તોડફોડ કરીઃ સમાધાન માટે ગામના આગેવાનોને લઇ મજીદના ઘરે જતાં આંખમાં મરચાની ભુકી છાંટી છરીથી હુમલો કરાયાની રવિરાજસિંહ જાડેજાની વળતી રાવ

તસ્વીરમાં મુસ્લિમ પરિવારના ઘરની બારીમાં થયેલી તોડફોડ અને ઘાયલ થયેલા અલારખાભાઇ કુરેશી જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૩: મવડી ગામમાં બનાવાયેલા ખુબ ઉંચા સ્પીડ બ્રેકરને કારણે દરબાર અને મુસ્લિમ પરિવારો વચ્ચે ધમાલ મચી જતાં પાંચને ઇજા થઇ હતી. દરબાર લોકોએ મુસ્લિમ વૃધ્ધ પર કુહાડી-ધોકાથી હુમલો કરી હાથ ભાંગી નાંખી તેના ઘરમાં પણ તોડફોડ કરી હતી તો સામા પક્ષે મુસ્લિમ પરિવારે પણ સમાધાન માટે આવેલા દરબાર પરિવારના લોકો અને ગામના આગેવાનો પર મરચાની ભુકી છાંટી છરીથી હુમલો કરતાં ત્રણને ઇજા થઇ હતી. તાલુકા પોલીસે સામ-સામે ગુના દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસે મવડી ગામ શેરી નં. ૨૧માં રહેતાં અલારખાભાઇ દલુભાઇ  કુરેશી (ઉ.૬૨) નામના વૃધ્ધની ફરિયાદ પરથી મવડીમાં જ રહેતાં લખધીરસિંહ ઉર્ફ મુન્નાભાઇ, ભુપેન્દ્રસિંહ ઉર્ફ ટીનાભાઇ, લખધીરસિંહના કાકા, લખધીરસિંહના ભત્રીજા સામે આઇપીસી ૩૨૫, ૩૨૪, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે. અલારખાભાઇના કહેવા મુજબ તે નિવૃત જીવન જીવે છે. બે દિકરા મજીદ અને કરીમ સાથે રહે છે. મજીદને ગામમાં કરિયાણાની દૂકાન છે. ગઇકાલે બપોરે મજીદ પોતાનું બાઇક લઇને ઘરે જતો હતો ત્યારે ગામના રસ્તા પર ખુબ ઉંચા બનાવાયેલા સ્પીડ બ્રેકરમાં તેનું બાઇક નીચેથી અડી જતાં સ્પીડ બ્રેકર પાસે જ રહેણાંક ધરાવતં લખધીરસિંહ અને ભુપેન્દ્રસિંહને સ્પીડબ્રેકરની ઉંચાઇ થોડી ઘટાડી નાંખવા બાબતે વાત કરતાં બંને સાથે ચડભડ થઇ હતી.

એ પછી મજીદ ઘરે આવી ગયો હતો. ત્યારબાદ લખધીરસિંહ, ભુપેન્દ્રસિંહ, લખધીરસિંહના કાકા અને ભત્રીજો ઘરે આવ્યા હતાં અને લખધીરસિંહે છરીથી હુમલો કરી હાથમાં ઇજા કરી હતી. તેમજ તેના ભત્રીજાએ કુહાડીથી જમણા ગોઠણ નીચે ઘા કર્યો હતો. આ ઉપરાંત લાકડીથી માર મારી ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર કરી નાંખ્યું હતું. તેમજ ચારેયે મળી ઢીકા-પાટુનો માર માર્યો હતો અને મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ઘરની બારીના કાચ ફોડી નાંખ્યા હતાં. અલારખાભાઇએ વધુમાં જણાવ્યું હતું કે પોતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર મજીદ અને તેની પત્નિ રૂબીનાને પણ મારકુટ કરવામાં આવી હતી.

સામા પક્ષે વાવડી અને મવડી રહેતાં રવિરાજસિંહ માધુભા જાડેજા (ઉ.૪૦) તથા પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.૧૯) પણ પોત પોતાના પર મજીદ, કરિમ, મજીનાબેન અને અલારખાભાઇએ છરી-લોખંડના સળીયાથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતાં. આ અંગે પોલીસે રવિરાજસિંહ જાડેજા (રહે. વાવડી) ફરિયાદ પરથી મજીદ, અલારખાભાઇ, મજીદના ભાઇની પત્નિ સામે આઇપીસી ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

રવિરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે તે તથા તેના કાકાના દિકરા એમ પાંચેક જણા ઘર મવડી ગામ શેરી નં. ૨૧માં કાકાના દિકરાના ઘર પાસે ઉભા હતાં ત્યારે મજીદ બાઇક લઇને નીકળતાં સ્પીડ બ્રેકરમાં તેનું બાઇક અડી જતાં તેણે પોતાની અને કાકાના દિકરા લખધીરસિંહ સાથે ઝઘડો કર્યો હતો. એ પછી પોતે, કાકાના દિકરા,  ભુપેન્દ્રસિંહ ઉર્ફ ટીનાભાઇ, પૃથ્વીરાજસિંહ અને ગામના ચાર-પાંચ આગેવાનો સમાધાન કરવા માટે મજીદના ઘરે જતાં મજીદ સહિતે છરીથી હુમલો કરતાં પોતાને હાથની આંગળીમાં અને પાર્થરાજસિંહને પણ હાથમાં ઇજા થઇ હતી. તેમજ મજીદના ભાઇની પત્નિએ લાલ મરચાની ભુંકી ઉડાડતાં પોતાના સહિતની આંખોમાં બળતરા ઉપડી ગઇ હતી. તેમજ મજીદ સહિતનાએ મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

બનાવને પગલે ટોળા ભેગા થઇ જતાં તાલુકા પી.આઇ. વી. એસ. વણઝારા, પીએસઆઇ એસ.આર. સોલંકી સહિતે પહોંચી ટોળા વિખેર્યા હતાં. બંને પક્ષની ફરિયાદ પરથી તપાસ શરૂ થઇ છે.

(3:30 pm IST)