Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

'' લોકાભિરામં રણરંગ ધીરમં રાજીવ નેત્રમ રઘુવંશ નાથમ્ કારૂણ્ય રૂપમ્ કરૂણા કરનમ્ શ્રીરામ ચંદ્રમ્ શરણમ્ પ્રપદ્યૈ ''

કાલે રામનવમી : રામ રંગે રંગાશે રાજકોટ

બપોરે રામજી મંદિરોમાં વિશેષ મહાઆરતી : રામલલ્લાની જાજરમાન શોભાયાત્રા : ભજન સત્સંગ સહીતના આયોજનો

રાજકોટ તા. ૧૩ : 'રામ નામ કી ઔષધી કટે કોટી અપરાધ' જેમના નામ સ્મરણ માત્રથી કોટી કોટી અપરાધ માફ થઇ જતા હોય તેવા ભગવાન શ્રી રામનો કાલે અવરતણ દિવસ છે. કાલે ચૈત્ર સુદ નોમના 'રામનવમી' તરીકે ઉજવણી થશે. રામલલ્લાના જન્મની ઘડીના ઓવારણા લઇ પારણે ઝુલાવાશે.

સમગ્ર રાજકોટ રામ રંગે રંગાવા અધીરૂ બન્યુ છે. રામ મંદિરોને અનેરા ફુલો અને રોશનીના શણગાર કરી વહેલી સવારથી દર્શન ખુલ્લા મુકાશે. કાલે રામનવમી નિમિતે રામજી મંદિરોમાં બપોરે વિશેષ આરતીના આયોજનો થયા છે. રામલલ્લાની જાજરમાન શોભાયાત્રાથી માર્ગો શ્રીરામ નામથી ગુંજી ઉઠશે. ઠેરઠેર ધૂન, ભજન, કિર્તન, સત્સંગ, યજ્ઞ, દીપમાળાના આયોજનો થયા છે.

શહેરભરમાં રામવમી નિમિતે આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

વિહિપ દ્વારા શોભાયાત્રા

રામનવમીના ૫ાવન ૫ર્વ નિમિતે ભગવાન શ્રી૨ામના પ્રાગટયને વધાવવા વિશ્વ હિન્દુ ૫િ૨ષદ દ્વા૨ા દર્શનીય શોભાયાત્રાનું આયોજન થયુ છે. શ્રી૨ામની ૫ાલખી યાત્રા કાલે રવિવારે સવા૨ે ૧૦ કલાકે ૫ંચનાથ મહાદેવ મંદિ૨ ખાતેથી વિવિધ સુશોભિત ફલોટ સાથે પ્રસ્થાન ક૨શે અને સુખનાથ મહાદેવ (૨ામનાથ૫૨ા) ખાતે ૫ૂર્ણ થશે.

બજરંગદળ દ્વારા પદયાત્રા

રાષ્ટ્રીય બજરંગદળ રાજકોટ મહાનગર દ્વારા કાલે શ્રી રામનવમી નિમિતે યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.  ભગવાન શ્રીરામનો મુખ્ય ફલોટ સાથે ઓજસ્વીનીનાં બહેનો દ્વારા શ્રીરામ દરબારનાં જીવંત ફલોટ સાથે પદયાત્રા સવારે ૯ કલાકે શ્રી રામજી મંદિર ૩ જુના ગણેશનગર કોઠારીયા રોડ ખાતેથી પ્રસ્થાન થશે. જે વોર્ડનં.૧૮ના વિવિધ વિસ્તારોમાં ફરી શ્રી રણુજા મંદિર કોઠારીયા રોડ ખાતે બપોરે ૧૨ કલાકે પૂર્ણ થશે.

હરિનામ સંકીર્તન મંડળ

પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી હરિનામ સંકીર્તન મંડળ દ્વારા કાલે તા. ૧૪ ના રવિવારે રામનવમીના રામ જન્મોત્સવ ઉજવાશે. સવારે ૫.૩૦ વાગ્યે સંકીર્તન મંદિરેથી પ્રભાત ફેરી શરૂ થશે. બપોરે ૧૨ વાગ્યે શ્રી રામ જન્મોત્સવની વિશેષ આરતી થશે. ભાવિક ભકતોએ દર્શનનો લાભ લેવા પ્રેમ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ

શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમે સદ્ગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા કાલે રામનવમી મહોત્સવ ઉજવાશે. રામચરિત માનસજીનાં પાઠનું પુજન સવારે ૭ થી ૮, રામરાજયાભિષેક પ્રસંગનું પૂજન તથા આરતી, બપોરે ૧ર કલાકે નિજ મંદિર હોલમાં વિશેષ આરતી પૂજન થશે. સાધુ-સંત ભગવાન, બ્રહ્મદેવ, તથા ગુરૂભાઇ - બહેનો દ્વારા શ્રીરામનામનાં ૯,૦૦,૦૦૦ (નવ લાખ) મંત્રનું ભવ્ય આયોજન શ્રી નીજ મંદિર હોલમાં બપોરે ૩ થી ૭.૩૦ વાગ્યા સુધી કરાયુ છે. ભાવિકો માટે ફરાળી મહાપ્રસાદની વ્યવસ્થા રણછોડદાસજીબાપુ, ચેરીટેબલ હોસ્પિટલ ગ્રાઉન્ડ નં. ર, શ્રી સિધ્ધી વિનાયક પાર્ક, નાગબાઇ પાનવાળી શેરી (ભાગવત સપ્તાહ વાળુ ગ્રાઉન્ડ) ખાતે બપોરે ૧ર થી ર.૩૦ કરાઇછે. લઘુરામ યજ્ઞ સવારે ૮ કલાકથી પ્રારંભ થશે. જેનું બીડુ બપોરે ૧ર.૩૦ કલાકે હોમાશે. સાથે વિનામુલ્યે સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ પણ રાખેલ છે.

રાધેશ્યામ ગૌશાળા

રાધેશ્યામ ગૌશાળા રૈયાધાર, પાણીના ટાંકા પાસે, ગાંધીગ્રામ, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે કાલે રામનવમીના સવારના ૮.૩૦ કલાકે મહાપ્રસાદ (ફરાળ)નું આયોજન કરેલ છે. મહાપ્રસાદ બાદ શોભયાત્રાનું પ્રસ્થાન કરાશે. જે રામપીર ચોકડી, નાણાવટી ચોકડી, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, ફુલછાબ ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, કરણસિંહજી, બાલાજી મંદિરે વિરામ પામશે. તેમજ કરણસિંહજી બાલાજી મંદિરે મહાઆરતીનું આયોજન કરેલ છે.

ચિત્રકુટધામ રામજી મંદિર

ભકિતનગર સોસાયટી શેરી નં. ૧૨, ધર્મજીવન સોસાયટી શેરી નં. ૪ ખાતે આવેલ શ્રી ચિત્રકુટધામ રામજી મંદિરે કાલે રામ જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે. સવારે મંગળા આરતી દર્શન બાદ ગોપી સત્સંગ મંડળના ધૂન ભજન સવારે ૮ થી ૧૦.૩૦ સુધી થશે. શ્રી રામ ચરિત માનસના નવાહ્ન પારાયણ પાઠની પુર્તાહુતી નિમિતે દશાંશ હવનનું અનુષ્ઠાન શ્રી જયશ્રીબેન દિનેશભાઇ પંડયા પરિવાર તરફથી સવારે ૧૦.૩૦ વાગ્યે બીડુ હોમાશે. બપોરે ૧૨ કલાકે ૧૦૮ દિપદાન સાથે મહાઆરતી થશે. ભાવિકોને પંજરીના પ્રસાદનું વિતરણ થશે. તેમ શ્રી ગોકર્ણદાસજી મહારાજની યાદીમાં જણાવાયુ છે.

કોઠારીયા કોલોની

કોઠારીયા કોલોની પરિવાર દ્વારા શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરે કાલે રામ જન્મોત્સવની ઉજવણી કરાશે. સવારથી પૂજન અર્ચન, બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી  બાદ પંજરીના પ્રસાદનું વિતરણ કરાશે.

પરમ તત્વને પામવાનું સરળ સાધન એટલે શ્રી રામનું રટણ

સીધુ, સાદુ, સરળ નામ કામ કરે તમામ

'શ્રી' શ્રી એટલે સીતા, શાંતિ, શકિત,

'રા' રકાર, અગ્નિ સ્વરૂપ છે. જે દુષ્યવૃતિ, દુષ્કર્મોનું દમન અને અનિષ્ટોના આવરણને અળગા કરે છે.

'મા' મકાર, જલ સ્વરૂપ છે. સુખ, શાંતિ અને વિજય ભવનું વરદાન અર્પનાર છે.

જલ અને જયંતિ (અગ્નિ - સૂર્ય) પ્રત્યક્ષ દૃશ્યમાન દેવતા છે.

આ તમને અજવાળાનું,

જન્મો જન્મના પાપને બાળવાનું.

પરમ તત્વને પામવાનું સીધુ, સાદુ, સરળ સાધન એટલે શ્રી રામ નામનું રટણ.

યોગશાસ્ત્રના કથન અનુસાર 'રા' વર્ણ ઉર્જાનો ઘોતક છે. ઉર્જાનો અખુટ ભંડાર છે. જે પીગલા (સૂર્ય) નાડી સાથે સીધો સંબંધ સ્થાપે છે. જે શરીરમાં સૂર્ય શકિતનો સંચાર કરી એને સુવ્યવસ્થિત રાખે છે.

'મ' વર્ણ ચંદ્ર ઉર્જા (ઈડા નાડી) સાથે સંબંધ ધરાવે છે.

શ્રી રામ નામના અવિરત રટણથી, બંને મહત્વપૂર્ણ નાડીઓમાં, સમાંતર રૂપમાં ઉર્જા (શકિત) પ્રવાહિત થાય છે. જે સુષુમણા નાડીને પણ સિંધી રાખે છે અને ઈચ્છિત પરિણામ અર્પે છે. પરિણામે યોગીઓ માટે પણ કષ્ટદાયક એવી કુંડલીનીનું જાગરણ સહજ બને છે.

આ માટે કોઈ કઠીન સાધના - આરાધના કરવી પડતી નથી. કેવળ શ્રી રામનું અવિરત રટણ કરો અને આ સોનેરી સિદ્ધિઓને સહજતાથી વરો.

'રા'ના ઉચ્ચારણથી અંદરની અશુદ્ધિઓ ઉલેચાઈ બહાર આવે છે અને 'મ'ના ઉચ્ચારની સાથે મુખ બંધ થઈ જતાં કોઈ અનિષ્ટ ફરીને અંદર પ્રવેશી શકતુ નથી. પરિણામે મલીન મન ચંદન વનમા ફેરવાય છે અને એની ફોરમ બંધ બ્રહ્મરઘના દ્વાર ખોલે છે. અખિલેશ્વરનું આગમન થાય છે. યાને પરમબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય છે.(૩૭.૧૦)

ઘનશ્યામ ઠક્કર ગાયત્રી ઉપાસક - મો.૯૮૭૯૧ ૨૫૭૨૫

''કર્મોની નૈયામાં શ્રી રામનો સાથ પછી શું કરવો વિચાર''

રામનવમીના પવિત્ર પર્વમાં શ્રી પ્રભુ શ્રી રામને કોટી કોટી પ્રણામ, શુભ દિવસની સૌને શુભેચ્છા, સૌ સાથે મળી શ્રી રામના જીવનની પવિત્રતા, સહજત્તા, સરળતા અને પરમાર્થત્તા સર્વે ગુણોને આપણાં જીવનમાં સંપન્ન કરી જીવનમાં જ્ઞાન દિપક પ્રગટાવી સહયોગી જીવન બનાવી કુટુંબને અને સમાજના સત્તકાર્યમાં સહભાગી બની સત્કર્મોનું ભાથુ ભરીએ

કર્મોનું બંધન દેહધારી શ્રી રામ, શ્રી કૃષ્ણ કે મહાન સંતો, સાધુઓ બધાને ભોગવવું પડે છે. પરંતુ શ્રી રામ જેવી સ૨ળતા અને શ્રી કૃષ્ણ જેવી કર્તવ્યનિષ્ઠા હોય તો જીવનના જન્મો જન્મના નકારાત્મક કર્મો નાશ પામે છે. પરમ  પદાધીકાર પ્રાપ્ત કરે છે. કહેવાય છે કે આ પૃથ્વી ઉપર મનુષ્ય કર્મના બંધન સાથે જ જન્મ લ્યે છે કહેવત છે કે 'જેવી કરણી તેવી ભરણી' પૂર્વજન્મના કર્મો પ્રમાણે સુખ, દુઃખની પ્રાપ્તિ થાય છે.

 મનુષ્ય પાંચ ઈન્દ્રિયો દ્વારા જાણ્યે-અજાણ્યે કેટલાંયે કર્મો કરતો હોય છે. કેટલાંક કર્મો સ્થુલ હોય છે,  અને કેટલાક કર્મો સુક્ષ્મ હોય છે. પાંચ ઈન્દ્રિયો દ્વારા કરેલા કર્મોના ભોગવટામાં સફળતા- અસફળતા મેળવી શકે છે. સુક્ષ્મ કર્મ જાણે-અજાણે થાય છે અને ઝડપથી નાશ પણ થાય છે, જયારે સ્થલ કર્મ દેહને સુખ અને દુઃખ એમ બને ભોગવવું પડે છે. કારણ કે વ્યકિત પોતે કર્તાપણામાં હોય છે. કર્તાની હાજરીમાં જે પણ કર્મ થાય તેનો ભોગવટો આવે છે. પછી તે આગલા જન્મનું કર્મ હોય કે ચાલુ જન્મનું હોય, મૃત્યુ સાથે દેહ નાશ થાય પરંતુ કર્મનો નાશ થતો નથી. સ્થુલ કર્મમમાં સત્તકર્મ અને દુષ્કર્મ એમ બન્ને હોય છે. પાંચ ઈન્દ્રિયો વડે કરેલ કર્મોની અતિશયોકિતથી કરેલ કર્મો સુખ- દુઃખના બંધનમાં બાંધે છે, અને શરીરને સુખ અને દુઃખ બન્નેનો ભોગવટો આવે છે.

 'શ્રી રામ'  પૂર્ણ પુરૂષોત્તમ હોવા છતાં તેના જીવનમાં આવેલ કોઈપણ પાત્રોને પોતાના કર્મબંધનમાંથી કોઈ મુકત નથી. રામાયણ અને મહાભારતમાં દરેક પાત્રમાં કર્મનો ભોગવટો પ્રત્યક્ષ થાય છે, જેમ કે, શ્રી રામના જીવનમાં વનવાસ, સીતાજીનો ત્યાગ, રાવણ ની કુબુધ્ધિ તેમજ 'શ્રી કૃષ્ણ' ને જેલમાં જન્મ, મામા કંસનું પાત્ર, કૃષ્ણનું વારંવારનું સ્થળાંતર વિગેરે ભગવાન પણ કર્મના ભોગવટામાંથી મુકત રહ્યા નથી. પણ મહાપુરૂષોના જીવનમાં પાંચ ઈન્દ્રિયો દ્વારા આધ્યાત્મિકતાના ઉચા શિખરો સર કરેલા હોવાથી કર્મબંધન હોવા છતાં, કર્મ ઉપર વિજય પ્રાપ્ત કરી અને મોક્ષને પામે છે,

પાંચ ઈન્દ્રિયો દ્વારા શરીર સાચવી સત્ત્।કાર્યમાં સમર્પત કરી ઈન્દ્રિયોને વશમાં રાખી 'શ્રી રામ' જેવા સરળ, સહજ અને કર્તવ્યનિષ્ઠ બની અને જન્મો જન્મના ફેરામાંથી મુકિત મેળવીએ, મોક્ષને કિનારે પહોંચવા શરીરને માધ્યમ બનાવી માયારૂપી દરિયામાં શરીરને હોડી બનાવી 'શ્રી રામ'ને નાવિક બનાવી સમર્પિત બની કર્મ બંધનમાંથી મુકિત મેળવીએ.

શ્રી રામ જન્મના પાવન પવિત્ર દિવસે આપણે સૌ પ્રાર્થના કરીએ અને ગૌરવ અનુભવીએ કે ભારતની પવિત્ર ભૂમિ ઉપર 'શ્રી રામ' અને 'શ્રી કૃષ્ણ' જેવા અવતારો થયા છે. આ પવિત્ર ભૂમિમાં ફરી રામ રાજય સ્થપાય અને ઘી-દૂધની નદીઓ વહે, મનુષ્યોમાં 'શ્રી રામ' અને 'શ્રી કૃષ્ણ'જેવા ગુણો પ્રગટ થાય, પૃથ્વી સ્વર્ગ બને, કર્મબંધનોના નાશ થાય, દરેક સ્ત્રી સીતાજી જેવી સહિષ્ણુતાવાન અને શબરી જેવી એક નિષ્ઠાવાન બને અને દરેક પુરૂષોમાં શ્રી રામ જેવા કુંટુંબપ્રેમ, પ્રજાપ્રેમ, ભાતૃભાવ, હનુમાનજી જેવી પ્રમાણીકતા, લક્ષ્મણજી જેવો ત્યાગ પ્રગટે અને આધ્યાત્મિક શકિત  પાસે આસુરી શકિત દુરાચારી રાવણ જેવા બેરહમી દૈત્યોનો વિનાશ અવશ્ય થાય, અને રામ રાજયની સ્થાપના થાય.

મુદુલાબેન ઠકકર,

સ્ટુડીયો સ્ટર્લીંગ,રાજકોટ, ફોન.૦૨૮૧ -૨૨૨૪૮૨૮

(3:29 pm IST)