Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સમસ્ત કડીયા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે આવતા શનિવારે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર

ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ વિદ્યાર્થી મંડળ દ્વારા સૌપ્રથમ વખત આયોજનઃ વિવિધ ફેકલ્ટીના વકતાઓના વકતવ્ય : નરેન્દ્રભાઈ સોલંકી નેજા હેઠળ કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૩ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમસ્ત રાજકોટ દ્વારા શહેરમાં પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકીના નેજા હેઠળ વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. આ ઉપક્રમે સમસ્ત કડીયા જ્ઞાતિના વિદ્યાર્થીઓના સુખદ ભવિષ્ય માટે તેમની કારકિર્દીને યોગ્ય દિશા આપવા સમસ્ત જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સૌપ્રથમ વખત કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.

ધો.૧૦-૧૨ પછી ડિગ્રી કે ડિપ્લોમા શું કરવું? ગ્રેજ્યુએટ, માસ્ટર્સ માટેના નવા કોર્ષો, ભારત બહાર અભ્યાસ અર્થે જવા માટે કયા કયા પ્રકારના કોર્ષ કરવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કયારથી અને કેવી રીતે કરવી તથા તેમાં સફળતા કેમ પ્રાપ્ત કરવી, બેકીંગ સર્વિસીઝ, સિવિલ સર્વિસીઝ, રેલ્વે ભરતી વગેરે ભરતી પરીક્ષાઓનું માર્ગદર્શન આપવા તેમજ સરકારમાંથી ઓબીસી સમાજને મળતા લાભો, એજ્યુકેશન લોન વિશેની સંપૂર્ણ માહિતી આ સેમીનારમાં આપવામાં આવશે. તદ્દઉપરાંત બહેનો માટે સહકારની વિવિધ યોજનાઓ દ્વારા મળતા આર્થિક લાભ વિશે માર્ગદર્શન પણ ઉપસ્થિત તજજ્ઞો દ્વારા આપવામાં આવશે.

ધો.૮ થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓ - બહેનો માટે આ સેમીનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તમામ શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવી નિષ્ણાંતો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. કારકિર્દી માર્ગદર્શન સેમીનાર તથા વિમેન એમ્પાવરમેન્ટ સેમીનાર ખાસ વિદ્યાર્થીઓ અને બહેનો માટે તા.૨૦ના શનિવારે સાંજે ૬:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે યોજાશે.

દરેક વિદ્યાર્થી સાથે તેમના માતા-પિતાને પણ માહિતી આપવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓ સાથે વાલીઓ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ઓબીસી નિગમના ચેરમેન અને કડીયા જ્ઞાતિના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. આ અંગે વધુ માહિતી માટે હસુભાઈ ચોટલીયા - મો.૯૪૨૮૨ ૫૮૫૩૪ અને હસુભાઈ ગોહેલ - ૯૯૨૫૨ ૮૯૭૦૮ નો સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

 

(3:29 pm IST)