Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

'નાલે અલખજે બેડો પાર મુંહિજો નિધન આયા નિમાણે આધાર તુહજો'

ભજનના માર્ગે ધર્મનું ભાથુ બાંધી દુનિયાના કલ્યાણાર્થે જીવન સમર્પિત કરનાર સાક્ષાતકારી સંત કંવરરામ

પ્રાણી માત્રની સેવા ઇશ્વર સેવા સમજી સર્વસ્વ સમાજ અને દુનિયાના કલ્યાણ અર્થે સમર્પિત કરનાર સાક્ષાતકારી સંત એટલે સંત કંવરરામ !

પાકિસ્તાનના સિંધ પ્રાંતના સખ્ખર જીલ્લાના જરવાડ ગામે તારાચંદભાઇ કે જે કરિયાણાની નાની દુકાન ચલાવતા હતા. આ મધ્યમવર્ગી કુટુંબ ધાર્મિક સંસ્કાર, ઇશ્વર શ્રધ્ધા, સાદગી અને શુધ્ધ ચરિત્ર ધરાવતુ હતું. તેમને ત્યાં તા.૧૩-૪-૧૯૮૫ ના રોજ માતા તિરથબાઇના કૂખે સંત કંવરરામનો જન્મ થયો હતો.

જન્મ સમયે તેમના મૂખ ઉપર એટલુ બધુ તેજ હતું કે જે કોઇ બાળકને જોતા તે તેમનું દૈદિપ્યમાનરૂપ જોતા રહી જતા. બાળ કંવરરામ સુતા હોય તો જાણે કોઇ યોગી સમાધિમાં લીન હોય એવું લાગતું. તે આંખ ખોલી ઉંચે જોતા હોય તો એવું લાગતુ કે દેવતાઓ સાથે વિચાર વિમર્શ કરતા હોય. જો તે રડતા તો પણ ભકિતરસ ઝરતો હોય તેવું લાગતું. તેઓ બાળપણથી જ ઇશ્વરમય જીવન જીવતા હતા.

સંત કંવરરામ થોડા મોટા થયા કે તેમના ગુણો દેખાવા માંડયા. તેમને જયારે મીઠાઇ કે અન્ય સારી ખાવાની વસ્તુ મળતી ત્યારે હંમેશા બધુ વહેંચીને ખાતા. વળી કોઇ દિવસ તેમને મુખ પર રંજ, ખીજ, ગુસ્સો, તિરસ્કાર, નફરત વિગેરેના ભાવ જોવા ન મળતા. ઘણી વખત તો પોતાની કરિયાણાની દુકાને બેઠા હોય ને કોઇ ગરીબ વ્યકિત આવે તો મફત પાકુ સિધુ આપી દેતા.

આગળ જતા પોતે ઇશ્વરીય પ્રેરણાથી સૂફી ભજનો ગાવા લાગ્યા. ભજનમાં તેઓ એવા તો તનમય થઇ ગયા હતા કે ગામે ગામથી લોકો ભજન રસ માણવા આવતા હતા. ભજનો ગાતા ગાતા જ પરમેશ્વરની કૃપા થઇ અને શ્રી કંવરરામને આધ્યાત્મિક વંદનીય અને સંત શિરોમણી એવા અન્ય સંત સાંઇ સતરામદાસનો મેળાપ થયો. આ સાથે જ સોનામાં સુગંધ ભળી અને સંત કંવરરામ સવાયા થયા બાદમાં સાંઇ સતરામદાસને ગુરૂ ધારણ કર્યા.

એક વખત સંત કંવરરામ ભજનમાં મગ્ન હતા ત્યારે તેમના ભજન સાંભળવા આવેલ એક ગરીબ સ્ત્રીનો એકનો એક દિકરો મૃત્યુ પામેલ. હિતેચ્છુ લોકો મરેલા દિકરાને લઇ સંત કંવરરામના ભજન સ્થળે આવ્યા અને મૃત્યુ પામેલ બાળક સંત કંવરરામના ખોળામાં મૂકયું ત્યારે ભોળા શાંત પ્રકૃતિના સંતે તુરંત જ કરૂણામય લયથી ભગવાનને પ્રાર્થના કરી છોકરાને સજીવન કર્યો.

બીજા એક બનાવમાં એક વખત એક ફકીર આવ્યા અને કંવરરામને વિનંતી કરે છે કે કંઇ પાકો સિધો સામાનની વ્યવસ્થા કરી આપો. સંતે આખી રાત ભજન ગાયા ખૂબ જ કષ્ટ વેઠી ભજનની જે આવક થઇ તે ફકીરને સિધુ સામાન આપ્યા. પોતે સતત ઉજાગરાથી થાકી ગયા હતા, ત્યાં જ બીજો ફકીર આવ્યો અને તે પણ પરિવાર માટે ખાવાનું માંગતો હતો. સંતની કરૂણાની આ કસોટી હતી. સાથે રહેલા લોકોએ ફકીરને મારી ભગાડયો પણ આ તો સૂફી આત્મા હતા. તેમણે તુરંત જ ફકીર માટે ભજન ગાય અને ફકીરની મદદ કરી. આવા તો અનેક દાખલાઓ છે.

દેશ અને ગરીબો માટે જીવન જીવતા હિન્દુ મુસ્લિમનો બહોળો ચાહક વર્ગ ધરાવતા સંત કંવરરામની પ્રવૃત્તિઓથી કેટલાક કટરવાદી મુસ્લિમોના પેટમાં તેલ રેડાયુ હોય ઇ.સ. ૧૯૩૯ ની ૧ નવેમ્બરના રોજ ગુરૂવારના રોજ રાત્રે સિંધ પ્રાંતના રૂ કરેલ્વે સ્ટેશન પર ગોળી મારી તેમની હત્યા કરવામાં આવી. ત્યારે તેઓ ઢળી પડતા તેમના મુખમાંથી રામ શબ્દ સરી પડયો હતો. સંત કંવરરામની ઉંમર ત્યારે ૫૪ વર્ષની હતી. જોગાનું જોગ મહાત્મા ગાંધીને પણ ગોળી મારવામાં આવેલ ત્યારે તેમના મુખમાંથી પણ રામ શબ્દ નીકળેલ.

સમગ્ર સિંધ સમાજ સંત કંવરરામના અનેક શિષ્યો, અનુયાયીઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. સંત કંવરરામના નામે ભારતભરમાં સિંધી સમાજ દ્વારા તેમના નામથી ટ્રસ્ટો, મંડળો, સોસાયટી, ચોક, હોલ, મંદિરો આવેલા છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા સંતશ્રી કંવરરામની સેવા ત્યાગ બલિદાનને સન્માનવા ટપાલ ટીકટ બહાર પાડવામાં આવી હતી. જોગાનું જોગ તે દિવસે સંત કંવરરામનો ૧૨૫ મો જન્મ દિવસ હતો. સમગ્ર સિંધી સમાજના સંત કંવરરામને કોટી કોટી વંદન. (૧૬.૧)

- પરસોતમ પમનાણી, રાજકોટ, મો.૯૩૨૮૨ ૩૧૨૪૭

૧૩૪ માં જન્મોત્સવ નિમિતે કાલે રાજકોટના ગાંધીગ્રામાં જાહેર ભંડારો-મ્યુઝિકલ પાર્ટી

સંત કંવરરામના ૧૩૪ માં જન્મોત્સવ નિમિતે રાજકોટના મોચીનગર કોમ્યુનીટી હોલ, ગુરૂનાનક હોલ, ગાંધીગ્રામ ખાતે કાલે તા. ૧૪ ના રવિવારે જાહેર ભંડારો અને મ્યુઝીકલ પાર્ટીનો કાર્યક્રમ આયોજીત થયો છે. સંતો, મહંતો અને સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. તેમ સંત કંવરરામ સેવા સમિતિની યાદીમાં જણાવાયુ છે.

(11:38 am IST)