Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

મોરેશિયસ લઇ જવાના બહાને રાજકોટના ડાન્સ કલાસના છાત્રો-વાલીઓ સાથે વડોદરાના કનુ પટેલની રૂ.૧૪.૬૭ લાખની ઠગાઇ

છાત્રોને ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ્સ અને મોટા ઇનામો મળશે તેવા આંબા-આંબલી દેખાડી લપેટમાં લીધા : પરસાણાનગરમાં રહેતાં તાંડવ નર્તન ઇન્સ્ટીટ્યુટના સંચાલક નૃત્ય શિક્ષક જીજ્ઞેશ સુરાણીને કનુ પટેલે પોતે ડાન્સર-પ્રોડ્યુસર હોવાનું કહી પ્રભાવ જમાવ્યોઃ એપ્રિલ-૨૦૧૮થી આજ સુધી મોરેશિયસ લઇ ન ગયા અને પૈસા પણ પાછા ન આપ્યાની પ્ર.નગરમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૩: શહેરના ડાન્સ કલાસીસના ૧૭  છાત્રો અને ૭ વાલીઓને મોરેશિયસ ખાતે ૨૦૧૮માં યોગા ડેના દિવસે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા લઇ જવાના બહાને વડોદરાના પટેલ શખ્સે રૂ. ૧૪,૬૭,૦૦૦ ઉઘરાવી લીધા બાદ મોરેશિયસ ન લઇ જઇ પૈસા પણ પાછા ન આપી ઠગાઇ કરતાં આ મામલે પરસાણાનગરમાં રહેતાં નૃત્ય શિક્ષક પ્રજાપતિ યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે જામનગર રોડ પર પરસાણાનગરમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં ચોથા માળે ફલેટ નં. ૪૦૨માં રહેતાં અને અને રહેણાંક સ્થળે જ તાંડવ નર્તન ઇન્સ્ટીટ્યુટ ઓફ કલાસીકલ ડાન્સ નામે સતરેક વર્ષથી કલાસ ચલાવતાં નૃત્ય શિક્ષક જીજ્ઞેશ રમેશભાઇ સુરાણી (પ્રજાપતિ) (ઉ.૩૫)ની ફરિયાદ પરથી વડોદરાના કનુ બાલુભાઇ પટેલ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે.

જીજ્ઞેશ સુરાણીએ પોલીસ સમક્ષ વિગતો વર્ણવી જણાવ્યું છે કે હું સતર વર્ષથી ડાન્સ કલાસ ચલાવું છું અને નૃત્યના કલાસ લેવા અલગ-અલગ સ્કૂલ તથા સંસ્થાઓમાં અને પ્રાઇવેટ કંપનીઓમાં પણ જાવ છું. તેમજ ઘણી વખત અમે નૃત્ય માટે છાત્રોને બહારગામ પણ લઇ જઇએ છીએ. તાંડવ નર્તનમાં હું પ્રમુખ તરીકે કામ કરુ છું. તાંડવ નૃત્ય એજ્યુકેશન રજીસ્ટર્ડ થયેલું છે. અમારા પ્રોગ્રામની અમે મિડીયા, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય માધ્યમો દ્વારા લોકોને જોવા માટે મોકલીએ છીએ. એપ્રિલ-૨૦૧૮માં મને પોરબંદરના નિલેષભાઇ ઇજનેરની પુત્રીને હું નૃત્ય શિખડાવવા જતો હોઇ જેથી તેના પત્નિએ વડોદરાના કનુ પટેલને મારા મોબાઇલ નંબર આપ્યા હતાં. એ પછી કનુ પટેલે મને ફોન કરીને જણાવ્યું હતું કે યોગા ડેના દિવસે મોરેશિયસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અલગ-અલગ સંસ્થાના નૃત્ય અને યોગ કરતાં છાત્રોને ભારતીય સંસ્કૃતિને દર્શાવવા  માટે લઇજવાના છે અને ત્યાંં જઇને બધા છાત્રોને ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ તથા ઇનામો આપવાના છે. જેથી મેં તેને કહેલ કે મારે આ કાર્યક્રમ કરવો નથી. તો સામે તેણે કહેલુ કે તમે જે ફી આપો છો તે અમે ડિપોઝીટ તરીકે લઇએ છીએ અને કાર્યક્રમ પુરો થયે છાત્રોને ફી પરત આપી દઇએ છીએ. વાલીઓની ફી ખર્ચા પેટે અમે રાખશું. જેથી હું સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે રાજી થયો હતો.

મેં કનુ પટેલને કહેલ કે હું છાત્રોના માતા-પિતા સાથે વાત કરીને તમજે જણાવીશ. એ પછી મેં છાત્રો અને તેમના વાલીઓની મિટીંગ રાખી મોરેશિયસના કાર્યક્રમ બાબતે ચર્ચા કરી હતી. બધા રાજી થતાં મેં કનુ પટેલને પ્રોગ્રામ માટે જવા હા કહી હતી. જેથી તેણે મને મોરેશિયસનું આમંત્રણકાર્ડ મોકલ્યું હતું. આ જોઇને છાત્રો અને વાલીઓને પણ વિશ્વાસ બેઠો હતો. એ પછી કનુ પટેલ એગ્રીમેન્ટ લેટર લઇને રાજકોટ આવ્યા હતાં અને એક વિદ્યાર્થી દઠી રૂ. ૩૬ ૦૦૦ તથા વાલી દીઠ રૂ. ૪૫ ૦૦૦ ફી નક્કી કરી હતી. જો કાર્યક્રમ કેન્સલ થાય તો આ રૂપિયા છ થી સાત અઠવાડીયામાં પરત આપશે તેવું કનુ પટેલના એગ્રીમેન્ટમાં હતું.

કનુ પટેલે પોતે ડાન્સર અને પ્રોડ્યુસર છે તેવો આધાર મને બતાવ્યો હતો. એ પછી ૨૦૧૮ના મે મહિનાના છેલ્લા વીકમાં કનુ પટેલ અમારી પ્રેકટીસ જોવા આવ્યા હતાં. રાજકોટ યુનિવર્સિટી રોડ પર મેન્ટલ રિટાયર્ડ સંસ્થાના હોલમાં અમે ડાન્સ પ્રેકટીસ કરતાં હતાં ત્યાં તે આવેલ અને અમારા વખાણ કર્યા હતાં. એ પછી ૨૧ જુલાઇના રોજ કનુ પટેલફરી રાજકોટ આવેલ અને ફૂલ ડ્રેસમાં પ્રેકટીસ જોવી છે તેમ કહેતાં એ રીતની પ્રેકટીસ કરી હતી. કનુ પટેલ વિડીયો શુટીંગ કર્યુ હતું. તેને ૩૨ વિદ્યાર્થીના એક છાત્ર દીઠ રૂ. ૩૬૦૦૦ અને ૭ વાલીઓના એક વાલી દીઠ રૂ. ૪૫૦૦૦ના ચેકો મળી કુલ રૂ. ૧૪,૬૭,૦૦૦ બેંક મારફત જમા કરાવીને આપ્યા હતાં. એ પછી કનુ પટેલે  એક પછી એક ચેક ઉપડાવાનું શરૂ કર્યુ હતું. આથી મેં વાલીઓ અને છાત્રોને બોલાવી આ કાર્યક્રમમાં જવાનું કેન્સલ કરવાનું નક્કી કર્યુ હતું. અમે ભરેલા રૂપિયા પાછા માંગતા કનુ પટેલે બધાને પૈસા મળી જશે. પણ તમારી મોરેશિયસની ટિકીટો બૂક થઇ ગઇ છે તેમ તેણે કહ્યું હતું.

છાત્રો અને વાલીઓ જવાની ના પાડતાં  હોઇ અમે પૈસા પાછા માંગતા કનુ પટેલે ગોળ-ગોળ વાતો શરૂ કરી હતી. પરંતુ પૈસા પાછા આપ્યા નહોતાં. એપ્રિલ-૨૦૧૮માં મોરેશિયસ લઇ જવાનું કહ્યા બાદ આજ સુધી ત્યાં ન લઇ જઇ કુલ રૂ. ૧૪,૬૭,૦૦૦ની ઠગાઇ કરી હતી. પ્ર.નગર પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ આર. એન. હાથલીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)