Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

માધવવન પાર્ટી પ્લોટની અગાસીએ યુવાનની હત્યા

માધાપર-બેડી ચોકડી વચ્ચે આવેલા પાર્ટી પ્લોટનું સંચાલન સંભાળતા દિનેશ મંડપ સર્વિસવાળા અને અન્યોએ ભેગા મળી ફટકાર્યાની દિશામાં તપાસ : મુળ ચોટીલા આણંદપુરના મહેશ રમેશભાઇ ઓળકીયા (કોળી) (ઉ.૨૫)ની પિલોર સાથે બાંધેલી હાલતમાં લાશ મળીઃ પૈસાના પ્રશ્ને બાંધીને બેફામ ધોકાવતાં મોત થયાનું પ્રાથમિક તારણઃ ગાંધીગ્રામના પી.આઇ. વી.વી. ઓડેદરા અને ટૂકડી ઘટના સ્થળે

ક્રુર હત્યાઃ જ્યાં હત્યાનો બનાવ બન્યો તે માધવવન પાર્ટી પ્લોટ, તેની અગાસી પર પિલોર સાથે બાંધેલો કોળી યુવાન મહેશ ઓળકીયાનો મૃતદેહ અને ઘટના સ્થળે પહોંચેલા પી.આઇ. વી. વી. ઓડેદરા, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ, એફએસએલ અધિકારી, રાહુલભાઇ વ્યાસ તથા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ સોનારા, હેડકોન્સ. અનિલભાઇ સહિતની ટીમ તથા લોખંડનો પાઇપ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩: શહેરની માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે હાઇવે પર રોણકી નજીક આવેલા માધવવન પાર્ટી પ્લોટમાં મુળ ચોટીલા પંથકના વતની અને રાજકોટમાં મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતાં મહેશ રમેશભાઇ ઓળકીયા (ઉ.૨૫) નામના કોળી યુવાનની હત્યા થયેલી લાશ પાર્ટી પ્લોટની અગાસીએ પિલોર સાથે બાંધેલી હાલતમાં મળી આવતાં સનસનાટી મચી ગઇ છે. ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરા સહિતની  ટૂકડી ઘટના સ્થળે પહોંચી છે. પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતીના મામલે પાર્ટી પ્લોટનું સંચાલન સંભાળતા દિનેશભાઇ મંડપ સર્વિસવાળા અને તેની સાથેના મળતીયાઓએ ભેગા થઇ મહેશને બાંધીને મુંઢ માર મારતાં હત્યા થયાનું બહાર આવી રહ્યું છે.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ આજે બપોરે માધવવન પાર્ટી પ્લોટની અગાસી ઉપર ગયેલા ભુરા નામના યુવાનને મહેશની લાશ નજરે પડતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ પાર્ટી પ્લોટની માલિકી ડાંગર અટક ધરાવતાં કોઇ શખ્સની છે. તેમણે આ પાર્ટી પ્લોટ દિનેશભાઇ મંડપ સર્વિસવાળાને ભાડેથી આપ્યો છે.

હત્યાનો ભોગ બનનાર મહેશ ઓળકીયા છેલ્લા દોઢેક મહિનાથી દિનેશભાઇના મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતો હતો. પોલીસે તેના પરિવારજનોને બોલાવ્યા છે. પોલીસને એવી પ્રાથમિક માહિતી પણ મળી છે કે રાત્રીના બાર વાગ્યા પછી કોઇપણ સમયે આ ઘટના બની છે. રાત્રે મંડપ સંચાલક દિનેશભાઇ સહિતના અન્ય મજૂરો અને કર્મચારીઓ હાજર હતાં.  એ પછી ગમે ત્યારે મહેશને અગાસીએ લઇ જઇ મંડપ સર્વિસમાં વપરાતાં સિલ્કના કાપડના પટ્ટાથી પિલોર સાથે બાંધી બેફામ ફટકારવામાં આવતાં તે મોતને ભેટ્યો હશે. ત્યારબાદ બનાવની ગંભીરતા ખ્યાલ આવતાં જે તે હાલતમાં જ મૃતદેહ છોડી માર મારનારા બધા ભાગી ગયા હોવાનું અનુમાન થઇ રહ્યું છે.

પોલીસે મંડપ સર્વિસવાળા દિનેશભાઇ તથા અન્ય મજૂરોની શોધખોળ શરૂ કરી છે. હત્યાની ઘટનાને પગલે અન્ય મજૂરોમાં ચકચાર મચી ગઇ છે.

માધવ વન પાર્ટી પ્લોટમાં હત્યામાં ચાર નામ ખુલ્યા

રાજકોટ તા. ૧૩: માધાપ ચોકડીથી બેડી રોડ પર આવેલા માધવવન પાર્ટી પ્લોટની અગાસીએ મુળચોટીલાના દેવપરાના કોળી યુવાન મહેશ રમેશભાઇ ઓલકીયા (ઉ.૨૨)ને પિલોર સાથે બાંધીને ઢોર માર મારી હત્યા નિપજાવવાના બનાવમાં ચાર નામ સામે આવ્યા છે. જેમાં રાજસ્થાનના દિનેશ, સુરો, લક્ષમણ, કાળીયો સહિતનો સમાવેશ થાય છે. મહેશ સાથે આ ચારેયને પૈસા બાબતે માથાકુટ હોવાથી હત્યા થયાનું હાલ બહાર આવી રહ્યું છે.

(4:19 pm IST)