Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

શહેરમાં પબજી રમતા ૭ને પોલીસે પકડ્યા

હજુ પણ ચેતી જજો...આગામી દિવસોમાં પોલીસ વધુને વધુ કેસ કરવા માટે સજ્જઃ ચાર ગુનામાં સાતની ધરપકડ : કાલાવડ રોડ નેપ્ચ્યુન ટાવર પાસે, આત્મીય કોલેજ પાસે, બિગ બાઝાર પાછળ ગાંધીગ્રામ, તાલુકા પોલીસના દરોડાઃ પકડાયેલાઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ : આ ગેમને કારણે બાળકો અને યુવાનોમાં હિંસકવૃતિનું પ્રમાણ વધે છે અને અભ્યાસ ઉપર પણ વિપરીત અસરઃ વાણી-વર્તન-વ્યવહાર અને વિકાસ ઉપર પણ ખરાબ અસર પડતી હોવાથી કડક કાર્યવાહી

રાજકોટ તા. ૧૩: ડ્રગ્સના નશા કરતાં પણ જેનું એડિકશન ખરાબ ગણાવાઇ રહ્યું છે તેવી પબજી ગેમ રમવા પર અને મોબાઇલમાં રાખવા પર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડ્યા બાદ આ જાહેરનામાનો કડક અમલ કરાવવાનું શરૂ થઇ ગયું છે. ગાંધીગ્રામ અને તાલુકા પોલીસે કાલાવડ રોડ, બિગ બાઝાર પાછળ સહિતના સ્થળોએ ચાર દરોડા પાડી ૭ જણાને પબજી રમતાં ઝડપી લઇ તેની સામે જીપીએકટ ૩૭ (૧), ૧૩૫ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી  કાયદેસરની કાર્યવાહી કરતાં પબજી રમનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

પોલીસે જે કાર્યવાહી કરી છે તેમાં ગાંધીગ્રામ પોલીસ મથકના હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસે કાલાવડ રોડ નેપ્ચ્યુન ટાવર પાસેથી કેતન પ્રભુદાસભાઇ મુલીયા (કુંભાર) (ઉ.૨૫-ધંધો પ્રાઇવેટ નોકરી, રહે. ભીડભંજન શેરી-૮ સટ્ટા બજાર)ને પબજી મોમો ચેલેન્જ રમતો હોઇ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ ગેમને કાણે બાળકો અને યુવાનોમાં હિંસકવૃતિનું પ્રમાણ વધી રહ્યું હોઇ અને અભ્યાસ ઉપર પણ વિપરીત અસર પડી રહી હોઇ તેમજ બાળકો અને યુવાનોના વાણી-વર્તન-વ્યવહાર અને વિકાસ ઉપર પણ ખરાબ અસર પડે તેમ હોવાથી આ ગેમ પર પ્રતિબંધ ફરમાવાયો છે.

જ્યારે તાલુકા પોલીસે કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે દરોડો પાડી માધવ કિરણભાઇ વ્યાસ (ઉ.૧૯-રહે. રામદેવપીર ચોક, સ્વપ્નલોક સોસાયટી-૧૩૯, ગાંધીગ્રામ)ને પબજી રમતાં પકડી લઇ રૂ. ૨૦૦૦નો ફોન કબ્જે કર્યો છે. તેમજ બીગ બાઝાર પાછળ ગુલાબવિહારમાં લોકનાથ નામના મકાનમાં રહેતાં યશ ચિતરંજનભાઇ જોષી (ઉ.૨૨)ને પકડી લઇ રૂ. ૨૦૦૦નો ફોન કબ્જે કરાયો હતો.

આ ઉપરાંત તાલુકા પોલીસે જ આત્મીય કોલેજ પાસેથી ચાર યુવાનો નિલ કિરીટભાઇ અઘેરા (ઉ.૧૯-રહે. જુનાગઢ-૨૦૩, સિધ્ધી વિનાયક ઝાંઝરડા રોડ), હર્નિષ શૈલેષભાઇ પંચાલ (ઉ.૨૦-સાધુ વાસવાણી, રોડ વિશ્વકર્મા-૪, મુળ દેવભુમિ દ્વારકા), કલ્પેશ કિશોરભાઇ રાઠોડ (ઉ.૧૯-રહે. ડો. ભીમરાવ આંબેડકરનગર, નાના મવા રોડ) તથા હરકિશન દેવશીભાઇ બાંગરોટીયા (ઉ.૧૯-રહે. મુળ સાતોદળ તા. જામજોધપુર)ને પબજી ગેમ રમતાં પકડી લઇ ચારેયના રૂ. ૭૫૦૦ના ફોન કબ્જે લીધા હતાં.

ગાંધીગ્રામ પી.આઇ. વી.વી. ઓડેદરા, પીએસઆઇ ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કિશોરભાઇ ઘૂઘલ, હિતેન્દ્રસિંહ ઝાલા, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ સહિતે અને તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. નગીનભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઇ સોલંકી, કોૈશિકભાઇ, અરજણભાઇ સહિતે આ કામગીરીઓ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને બંને ઝોનના એસીપીશ્રીઓની રાહબરી અને સુચના હેઠળ આગામી સમયમાં પણ પબજી રમનારાઓ સામેની ઝુંબેશ આકરી બનાવવામાં આવશે. સોૈ ચેતી જાય તે જરૂરી છે.

(3:35 pm IST)