Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

રાજકોટમાં સવારે વાદળો - છાંટા પડ્યા - બપોરે તડકો

વાતાવરણમાં પલ્ટો : આજનો દિવસ કોઈ-કોઈ વિસ્તારોમાં માવઠાની આગાહી : આવતીકાલથી પવનનું જોર વધશે : આગામી દિવસોમાં ઉનાળાના આગમનની છડી પોકારશે :૧૫૦ ફૂટ રીંગ રોડ, અમીન માર્ગ સહિતના વિસ્તારોમાં રોડ ભીના થઈ જાય તેવો વરસાદ પડ્યો : સવારે ૧૦:૩૦ વાગ્યે ધૂપછાંવ જેવો માહોલ

રાજકોટ, તા. ૧૩ : રાજયમાં ઉપલા લેવલની અસ્થિરતાના પગલે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સૌરાષ્ટ્ર - ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે તો આજે રાજકોટ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા.

હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રીના ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેથી તાવ, શરદી, ઉધરસના કેસોમાં પણ વધારો થયો છે.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. વાદળો છવાયા છે. અમુક વિસ્તારોમાં છાંટા પડ્યાનું જાણવા મળે છે. સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. હવામાનના સૂત્રો કહે છે કે આજનો દિવસ આવુ વાતાવરણ રહેશે.

દરમિયાન હવામાનના સૂત્રો કહે છે કે હાલ ગુલાબી ઠંડી ચાલુ છે તે આવતીકાલ સુધી જળવાશે. તા.૧૫માં ઠંડીમાં ઘટાડો થશે. અને બપોરનું તાપમાન પણ વધારા તરફ જશે. તા. ૧૬ થી ૧૯ દરમિયાન રાજયના વિસ્તારોમાં તાપમાન ઉંચુ જ રહેશે. જે વિસ્તાર પ્રમાણે ૩૪ ડીગ્રીથી ૩૭ ડીગ્રી વચ્ચે રહેશે.  સૌરાષ્ટ્ર કરતા ગુજરાતના ભાગોમાં તાપમાન વધુ રહેે તેવી શકયતા છે. ઠંડી ગાયબ થશે. અને ઉનાળો આગમનની છડી પોકારશે.

તા.૧૪થી હાલ કરતા પવનનું જોર વધશે. પછીના દિવસોમાં પવન માઝા મુકશે. તા.૧૫થી મુખ્યત્વે પવનો ઉતર બાજુના રેહેશે.

(4:08 pm IST)