Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ગરમી યથાવત રહેશે : દક્ષિણ ભારતમાં વરસાદ પડશે

બંગાળની ખાડીમાં સિસ્ટમ્સ બની : લોપ્રેસરમાંથી વેલમાર્ક લોપ્રેસરમાં પરીવર્તીત : આગામી બે દિવસમાં મજબૂત બનશે : તામિલનાડુ, કેરળ, દક્ષિણ કર્ણાટક, આંધ્ર, તેલંગાણા, મહારાષ્ટ્ર, છતિસગઢ, ઓરીસ્સામાં વરસાદ પડશે : આ સિસ્ટમ્સની અસરથી ગુજરાતમાં શનિ-રવિ-સોમ વાદળો છવાશે : આવતા ત્રણ-ચાર દિવસમાં હજુ બે દિવસ ઝાકળની શકયતા : હાલ ગરમીનો પારો ૩૫ થી ૩૮ ડીગ્રી આસપાસ રહેશે : અશોકભાઇ પટેલ : રાજકોટમાં ૩૩.૨ ડિગ્રી : ગરમી યથાવત : પવનની ગતિ ૧૨ કિ.મી.

રાજકોટ, તા. ૧૩ : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઓવરઓલ મહત્તમ તાપમાન ૩૫ થી ૩૮ ડીગ્રી આસપાસ જોવા મળે છે. હાલ ગરમી યથાવત રહેશે. જયારે આ સિઝનમાં સૌપ્રથમ એક લોપ્રેસર ઉદ્દભવ્યું છે. જેની અસરથી દક્ષિણ ભારતમાં વરસાદ પડશે. જયારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હાલ ગરમીનો પારો યથાવત રહેશે. સિસ્ટમ્સની અસરથી આ સપ્તાહના અંતમાં વાદળો જોવા મળશે. જયારે  આવતા ત્રણ-ચાર દિવસમાં બેએક દિવસ ઝાળકની સંભાવના રહેલી છે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલએ જણાવ્યું છે.

ગત સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં મહતમ તાપમાન ૩૫ થી ૩૮ ડીગ્રી વચ્ચે જોવા મળેલ. ગઇકાલે રાજકોટ શહેરમાં મહતમ તાપમાન ૩૭.૩ (નોર્મલથી બે ડીગ્રી ઉંચુ), અમદાવાદ ૩૭ (નોમંલથી ૧ ડીગ્રી ઉંચુ), અમરેલી ૩૮.૮ (નોર્મલથી ૩ ડીગ્રી ઉચુ), ભુજ ૩૭.૬ (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ), સુરત - ૩૭.૮ (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ) ઓવરઓલ મહત્તમ તાપમાન નોર્મલથી ૧ થી ૨ ડિગ્રીનો વધારો થયો છે.

બંગાળની ખાડીમાં બે દિવસ પહેલા એક સાયકલોનીક સરકયુલેશન શ્રીલંકાથી દક્ષિણે છવાયેલ જે આજે લો પ્રેશર તરીકે અરબી સમુદ્ર તરફ સરકેલ છે. જેનું લોકેશન ૬ ડિગ્રી નોર્થ, ૭૫.૮ ડિગ્રી ઈસ્ટ જે કન્યાકુમારીથી દક્ષિણ પશ્ચિમે ૨૨૫ કિ.મી. દૂર તેમજ શ્રીલંકાથી ૪૫૦ કિ.મી. પશ્ચિમે છે. હાલમાં આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત છે. જે હજુ મજબૂત થવાની આવતા બે દિવસમાં શકયતા છે. આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે છે અને બે દિવસ પછી ઉત્તર તરફ ગતિ કરશે ત્યારબાદ ફરી થોડી ઉત્તર પૂર્વ તરફ એટલે કે મહારાષ્ટ્રના દરિયાકિનારા તરફ આગળ વધે તેવી શકયતા છે.

જેથી તા.૧૩ થી ૨૦ (મંગળથી મંગળ) દરમિયાન દક્ષિણ ભારતમાં ૨ થી ૫ સે.મી. (૧ થી ૨ ઈંચ) વરસાદ પડશે. છૂટાછવાયા વિસ્તારોમાં ૮ સે.મી. (૩ ઈંચ) જેમાં ખાસ કરીને તામિલનાડુ, કેરળ, દક્ષિણ કર્ણાટક, બાકીનું કર્ણાટક, આંધ્ર, તેલંગાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરીસ્સામાં હળવા વરસાદી ઝાપટા પડશે.

અશોકભાઈ જણાવે છે કે આ સિસ્ટમની અસરથી હાલના અંદાજ મુજબ ગુજરાતમાં તા.૧૭-૧૮-૧૯ દરમિયાન વાદળો દેખાશે. સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં સવારે ઝાકળ જોવા મળે છે. જે આવતા ત્રણ - ચાર દિવસમાં હજુ બેએક દિ' ઝાકળ રહેશે. જેમાં ૧૫મીએ વધુ શકયતા છે. જયારે ગરમીનો પારો ૩૫ થી ૩૮ ડિગ્રી એટલે કે નોર્મલ નજીક રહેશે.

(4:40 pm IST)