Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

રાજકોટ રખડુ ઢોરમુકત થયુ?: પશુ ગણતરી થશે

રખડુ ઢોર-માલિકીનાં ઢોરનો સર્વે થશેઃ તમામ વિગતોનો ડેટા ઓન લાઇન મુકાશેઃ અગાઉ શહેરમાં ૪૦ હજાર પશુની ગણતરી થયેલઃ આ વખતે માત્ર ૧પ૦૦૦ પશુઓ જ હોવાનો અંદાજ

રાજકોટ તા. ૧૩ :.. શહેરને રખડુ ઢોરની સમસ્યામાંથી મુકત કરવા મ્યુ. કોર્પોરેશન તંત્ર અને માલધારી આગેવાનોએ અનેક પ્રયાસો કર્યા છે. જેમાં કેટલી સફળતા મળી છે તેનો સાચો અંદાજ આગામી પશુ ગણતરી બાદ આવી જશે અને રાજકોટ ખરેખર રખડુ ઢોરની સમસ્યામાંથી મુકત થયું છે. કે નહી? તેનો જવાબ પણ મળી જશે.

આ અંગે સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ આગામી ટૂંક સમયમાં જ મ્યુ. કોર્પોરેશન દ્વારા સરકારનાં આદેશથી શહેરમાં પશુઓની ગણતરી શરૂ થશે.

આ પશુ ગણતરી દરમિયાન શહેરમાં તમામ વોર્ડમાં માલિકીનાં ઢોર હોય તેવાં મકાનમાં કેટલા ઢોર છે? ઢોરને કેવી રીતે સાચવવામાં આવે છે ? ઢોરનું રજીસ્ટ્રેશન છે કે નહીં ? વગેરે બાબતોનાં સર્વે થશે.

આ ઉપરાંત શહેરનાં દરેક વોર્ડનાં જાહેર રસ્તાઓ પર કેટલા ઢોર છે. આ ઢોર રખડુ છે કે માલિકીનાં ? વગેરે બાબતોનો પણ સર્વે કરી રખડુ ઢોર ત્થા માલિકીનાં ઢોર બન્નેની ગણતરીઓ થશે. ઉપરાંત કોર્પોરેશનનાં ઢોર ડબ્બામાં રહેલા પશુઓની ગણતરીઓની પણ ગણતરી થશે.

આ પશુ ગણતરીમાં ગાય, ભેંસ, ઉંટ, બકરા, ઘેટા, ગધેડા, વગેરે પશુઓની ગણતરી થશે.

નોંધનીય છે કે અગાઉ જયારે પશુ ગણતરી થઇ હતી ત્યારે શહેરમાં પશુઓની સંખ્યા ૪૦ હજાર જેટલી નોંધાવેલ. પરંતુ ત્યારબાદ રાજકોટને સ્માર્ટ સીટી બનાવવાનાં મુદામાં ઢોર મુકત રાજકોટની ઝૂંબેશાત્મક કાર્યવાહી તત્કાલીન મ્યુ. કમિશ્નર વિજય નેહરાએ હાથ ધરી અને માલીકીનાં પશુઓનું ફરજીયાત રજીસ્ટ્રેશન, માલીકીનું ઢોર રખડતું પકડાય તો માલીક સામે ફોજદારી કાર્યવાહી સહિતનાં કડક પગલાઓ લીધા હતાં.

સાથો સાથ માલધારી આગેવાનો સાથે બેઠકો યોજી ચર્ચા-વિચારણા કરી માલધારીઓને પશુઓ રાખવા માટે બે સ્થળોએ 'એનિમલ હોસ્ટેલ' બનાવડાવી હતી. અને વર્તમાન મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની દ્વારા 'માલધારી વસાહત' માટે પ્રયાસો થઇ રહ્યા છે.

આમ તંત્ર અને માલધારીઓ દ્વારા ઢોર મુકત રાજકોટ માટે થયેલા પ્રયત્ન કેટલા અંશે સફળ થયા છે. તેની સાચી હકિકત પશુ ગણતરી બાદ સામે આવી જશે.

જો કે હળમાં રાજમાર્ગો ઉપર ઢોરનું પ્રમાણ ઘટયુ છે. ઢોર ડબ્બામાં ૭૦૦ જેટલા પશુઓ છે. આમ હાલમાં શહેરમાં ૧પ૦૦૦ જેટલા પશુઓ હોવાનો અંદાજ તંત્ર વાહકો લગાવી રહ્યા છે.

(4:37 pm IST)