Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

પરીવારમાં સફળતા મેળવવી એ માઉન્ટ એવરેસ્ટના શિખર સુધી પહોંચવા કરતા પણ વધુ કઠીન

'પાથ ઓફ પ્રોગ્રેસ' વિશે ઉદ્યોગપતિઓને પૂ. અપૂર્વમુનિ સ્વામીનું ઉદ્દબોધન

રાજકોટ : પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ રાજકોટ ખાતે દિવ્યતાપૂર્વક ઉજવાશે. જે અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન શહેરમાં વિવિધ સામાજીક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત રાજકોટ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર તથા લોધીકા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા ડેકોરા ભવન, મેટોડા ખાતે રાજકોટ લીડર્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કોન્ફરન્સમાં વિડીયો શો રજૂ કરવામાં આવેલ. યુવકો દ્વારા પ્રાર્થના રજૂ કરાઈ હતી. રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્વામી તથા લોધીકા જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ શ્રી બીપીનભાઈ હદવાણી અને સેક્રેટરી શ્રી રમેશભાઈ વોરાએ દીપ પ્રાગટ્ય કરી કોન્ફરન્સનો પ્રારંભ કરાવેલ.

પૂ. અપૂર્વમુનિ સ્વામીએ 'પાથ ઓફ પ્રોગ્રેસ' વિષય પર ઉદ્યોગપતિઓને ફીઝીકલ પ્રોગ્રેસ, ઈકોનોમીકલ પ્રોગ્રેસ, સોશિયલ પ્રોગ્રેસ, મેન્ટલ પ્રોગ્રેસ તથા સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ આ પાંચ મુદ્દા પર વિવિધ પ્રેઝન્ટેશન વિડીયો દ્વારા ઉદ્દબોધનનો લાભ આપ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યુ કે કદાચ કંપનીને સફળતાના શિખરો પર પહોંચાડી શકીએ પરંતુ પરીવારની અંદર સફળતા પ્રાપ્ત કરવી એ માઉન્ટ એવરેસ્ટના શિખર સુધી પહોંચવા કરતા પણ વધુ કઠીન છે અને એટલે જ આજના આધુનિક માનવીને શારીરીક, આર્થિક, સામાજીક અને માનસિક પ્રોગ્રેસની સાથે સાથે જરૂર છે. આધ્યાત્મિક પ્રોગ્રેસની. વૈજ્ઞાનિકો પણ હવે ઈન્ટેલીજન્ટ કવોશન્ટ, ઈમોશનલ કવોશન્ટની સાથે સ્પીરીચ્યુઅલ કવોશન્ટનો સ્વીકાર કરતા થયા છે. પ્રમુખસ્વામી મહારાજની આધ્યાત્મિક પ્રગતિથી અભિભૂત થઈ વિશ્વના શ્રેષ્ઠ વૈેજ્ઞાનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડો. અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તક લખ્યુ છે. જેમાં તેઓ પ્રમુખસ્વામી મહારાજને એમના અલ્ટીમેટ ટીચર ગણાવી જણાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજે મને ભગવાનની ભ્રમણ કક્ષામાં મૂકી દીધો છે. જે પ્રભાવ સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસનો છે. જીવનમાં બધા જ પ્રોગ્રેસ હોવા છતાં પણ જો સ્પીરીચ્યુઅલ પ્રોગ્રેસ ન  હોય તો અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી. એ વાત પ્રમુખસ્વામી મહારાજે આપણને સૌ કોઈને શીખવી છે.

કોન્ફરન્સમાં લોધીકા જીઆઈડીસી, ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન અંતર્ગત આવતી ૭૦૦ જેટલી ઈન્ડસ્ટ્રીઝના માલિકો, પાર્ટનર્સ, ડિરેકટર્સ, મેનેજર્સ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:15 pm IST)