Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

આજી નદીની ગાંડી વેલનાં મચ્છરોથી જંગલેશ્વર ત્રાહીમામ : દવા છંટકાવ જરૂરી

રાજકોટ, તા. ૧૩ :  શહેરનાં વોર્ડ નં. ૧૬માં આજી નદી કાંઠે આવેલ  જંગલેશ્વર વિસ્તારમાં નદીની ગાંડીવેલનાં મચ્છરોના ઉપદ્રવથી ત્રાહીમામ પોકારી ઉઠતા વિસ્તારવાસીઓએ આ વિસ્તારમાં ગાંડીવેલ દૂર કરી દવા છંટકાવાની માંગ ઉઠાવી છે.

આ અંગે કોંગ્રેસ લઘુમતિ ડીપાર્ટમેન્ટના અગ્રણીઓ સહીત લતાવાસીઓએ મ્યુ.કમિશ્નર બંછાનિધી પાનીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે જેમાં જણાવાયુ છે કે જંગલેશ્વર પાસે આજીનદીમાં પુષ્કળ પ્રમાણમાં ગાંડીવેલ પથ્થરાઇ ગયેલ છે વેલના કારણે મચ્છરનો ઉદભવ થયેલ છે જેથી નદી કાંઠે રહેતા લોકોને મચ્છર અને ગંદકીથી ત્રાહીમામ છે અનેક ગરીબ લોકો બિમારીથી સબડે છે આ ગરીબ, મધ્યમ પરિવારોએ અનેક વખત આરોગ્ય તંત્રના પદઅધિકારીને મચ્છરના ત્રાસની લેખિત મૌખિક ફરીયાદ કરવામાં આવેલ હતી છતા આજદિન સુધી મચ્છર તેમજ ગાંડી વેલનો ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયેલ છે.

મચ્છર અને ગંદકીના કારણે ઘણા લોકો મેલરીયા, તાવ,ડેન્ગ્યુ જેવા રોગોથી પિડાય છે. આ વિસ્તારમાં બિમારી પણ વધુ જોવા મળે છે. રાત પડે લાખોના પ્રમાણમાં મચ્છર આખા વિસ્તારમાં ફેલાય જાય છે અને કહેર વર્તાવે છે. લોકો પરેશાની હાલત જીવી રહ્યા છે આ અંગે શહેર કોંગ્રેસ લઘુમતિ ઇબ્રાહીમ સોરા, રવજીભાઇ ચાંડપા, ઇમ્તીયાજભાઇ જસાણી, મનોજ ગઢવી, અનવર ઓડીયા, રાજેશભાઇ આમરોણીયા, દિપુલભાઇ સાવલીયા, યાસીનભાઇ ડોઢીયા, ઇકબાલભાઇ સમા વગેરેએ માંગ ઉઠાવેલ છે કે આજી નદીમાં રહેલ ગાંધીવેલ તાત્કાલીક ધોરણે દૂર કરવામાં આવે અને જંગલેશ્વર, દેવપરા નાળોદા, વિવેકા, નિલકંઠ પાર્ક, ગોકુલનગર, ગાંધી સોસાયટી, પટેલ સોસાયટી બધા વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે.

(4:11 pm IST)