Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

અડધા ભાવે ટ્રેકટરના નામે ઠગાઇમાં છએય જેલહવાલેઃ સંદિપ અને વિવેકે ૨૦૧૫માં મુંબઇમાં કંપની શરૂ કરી'તી

રાજ્યભરમાં ૪૧૪ ખેડૂતો પાસેથી નાણા ઉઘરાવ્યા'તાઃ અમદાવાદની આંગડિયા પેઢીમાંથી ૮,૫૦,૦૦૦ કબ્જેઃ ૧૫૯ ટ્રેકટર માટે એજન્સીમાં જમા થયેલા રોકડ, ચેક, આરટીજીએસના વ્યવહારો અંગે તપાસ

રાજકોટ તા. ૧૨: અડધા ભાવે ટ્રેકટર આપવાના બહાને ખેડૂતો સાથે ઠગાઇ કરવાના ગુનામાં છ દિવસના રિમાન્ડ પર રહેલી બે મહિલા સહિત છએય આરોપીઓના રિમાન્ડ આજે પુરા થતાં વિશેષ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતાં. પણ છએયને જેલહવાલે કરવા હુકમ થયો છે.   આરોપીઓને સાથે લઇ એસઓજીની ટૂકડી મહેસાણા, અમદાવાદ અને મુંબઇ તરફ તપાસમાં રવાના થઇ હતી. તપાસ દરમિયાન એવી વિગતો સામે આવી હતી કે કુલ ૪૧૪ ખેડૂતો પાસેથી આ ટોળકીએ સભ્ય બનાવી લાખોના ઉઘરાણા કર્યા હતાં. પોતાની કંપની સેવાભાવી સંસ્થા છે તેવી ઓળખ ઉભી કરવા આ ટોળકી ઉદ્યોગકારો અને દાતાઓ પાસેથી ફંડ ઉઘરાવવાની તૈયારીમાં પણ હતી. પરંતુ એ પહેલા જ પાપ છાપરે ચડીને પોકાર્યુ હતું અને બધા ઝડપાઇ ગયા હતાં.

 આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ(ગ્લોબલ હ્યુમન રાઇટ્સ કાઉન્સીલ)ના નામે સાધુ વાસવાણી રોડ પર ઓફિસ ખોલી ૪૬ જેટલા ખેડૂતો પાસેથી અઢી-અઢી લાખ મેળવી તેમાંથી ૧૨ લોકોને ટ્રેકટર આપી બીજાને નહિ આપી ઠગાઇ કરવામાં આવી હતી. આ ગુનામાં યુનિવર્સિટી પોલીસે છ આરોપીઓ વડોદરાના હરણી રોડ પર સુરમ્ય બંગલો નં. ૫૯માં રહેતાં વિવેક અરવિંદભાઇ દવે (ઉ.૪૨), મુંબઇ વિરાર વેસ્ટ તિરૂપતીનગર ફેઝ-૨ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતાં મુળ રાજસ્થાનના સંદિપ બેનીપ્રસાદ શર્મા (ઉ.૩૪), પાટણના ધીણોજ ગામના મુકુંદ મોહનભાઇ પરમાર (ઉ.૫૧), અમદાવાદ સરદારનગર સિંધી કોલોનીમાં રહેતાં મહેશ રમેશલાલ ભાટીયા (ઉ.૪૮), ગાંધીનગર સેકટર-૨૦ મકાન  નં. ૬૯/૪માં રહેતાં મુળ અનવરપુર (પાટણ)ની અરૂણા કાંતિભાઇ નાઇ (ઉ.૨૩) અને રાજકોટ કાલાવડ રોડ નિલ દા ઢાબા પાસે સદ્દગુરૂ કોલોનીમાં રહેતી મહેશ્વરી ઉર્ફ પ્રવિણા ગિરીશભાઇ અગ્નિહોત્રી (ઉ.૩૪)ને પકડી લીધા હતાં. આ છએય હાલ રિમાન્ડ પર હોઇ રાજકોટની યુવતિ સિવાયના પાંચને સાથે રાખી એસઓજીની ટીમ તપાસાર્થે મહેસાણા, મુંબઇ, અમદાવાદ, આણંદ તરફ તપાસમાં ગઇ હતી.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ડો. વાઘેલા, ડીસીપી મીના, એડી. ડીસીપી હર્ષદ મહેતા અને એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા પી.આઇ. એસ.એન. ગડુની રાહબરીમાં પી.એસ.આઇ. હિતુભા મહાવીરસિંહ રાણા, યુનિવર્સિટીના પી.એસ.આઇ. બી. જે. કડછા તથા સ્ટાફના બ્રિજરાજસિંહ ઝાલા સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે.

તપાસમાં ખુલ્યું છે કે સંદિપ શર્માએ ૨૦૧૫માં વિવેક જૈન સાથે મળીની મુંબઇ ખાતે પોતાની કંપની આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર સુરક્ષા પરિષદની નોંધણી કરાવી હતી. એ પછી ખેડુતો પાસેથી ૨-૨ હજારની સભ્ય ફી ઉઘરાવી અડધા ભાવે ટ્રેકટરની સ્કીમ રજૂ કરી ઠગાઇ શરૂ કરી હતી. રાજકોટ, મહેસાણા, મુંબઇ, અમદાવાદ ખાતે તપાસ કરતાં ૪૧૪ ખેડૂતો પાસેથી રકમ ઉઘરાવી હોવાનું ખુલ્યું છે. અમદાવાદની ઓફિસમાં તપાસ કરાયા બાદ ત્યાંની આંગડિયા પેઢીમાંથી રૂ. ૮,૫૦,૦૦૦ રોકડા કબ્જે કરાયા છે. ટ્રેકટર એજન્સીએ ડિલીવર કરેલા ૧૫૯ ટ્રેકટર માટે જમા થયેલ અલગ-અલગ ચેક, આરટીજીએસની માહિતી બેંક પાસેથી મેળવવાની કાર્યવાહી હજુ થઇ રહી છે.

(4:08 pm IST)
  • ગુજરાતના પૂર્વ પોલીસ ઓફિસર ડી.જી. વણઝારાએ ઈસરત જહાં એન્કાઉન્ટર કેસમાં ડીસ્ચાર્જની માંગણી કરીઃ આરોપો ઉભા કરાયેલા છેઃ મોદીની પણ સીબીઆઈ એ પૂછપરછ કરી હતી : ઈસરત જહાં કેસમાં ડીસ્ચાર્જ માગતા વણઝારાઃ પીએમનો ઉલ્લેખ access_time 11:21 am IST

  • રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 4:26 pm IST

  • PNBના 12000 કરોડ રૂપિયાથી વધુના ગોટાળા કેસના મુખ્ય આરોપી નીરવ મોદી હોંગકોંગમાંથી પોતાનો વ્યવસાય સમેટવાની ફિરાકમાં છે. તપાસ એજન્સીઓ હોંગકોંગ પહોંચે તે પહેલા નીરવ મોદી હોંગકોંગમાં પોતાનો વ્યવસાય બંધ કરવામાં લાગ્યા છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લમિટેડની હોંગકોંગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે access_time 10:03 am IST