Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

કૃષ્ણનગર રોડના સ્વામિનારાયણ ચોકના ટ્રાફિક સર્કલનું રિનોવેશન કયારે પૂર્ણ થશે?

વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર તથા હરિભાઇ ડાંગરે કામગીરી અત્યંત ધીમી ચાલતી હોવાની કમિશ્નરને ફરિયાદી કરી

રાજકોટ તા. ૧૩ : શહેરના વોર્ડ નં.૧૩નાં કૃષ્ણનગર મેઈન રોડ પરના સ્વામિનારાયણ ચોક પરનાં ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલ લાવવા માટે વોર્ડ નં.૧૩નાં કોર્પોરેટર જયાબેન ડાંગર તથા હરિભાઈ ડાંગર દ્વારા આજથી ૧ વર્ષ પહેલા રજૂઆત કરવામાં આવેલ, આ રજૂઆત માન્ય રાખી રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. ત્યારથી આજ સુધીમાં ધીમી ગતિએ કામગીરી ચાલુ રહેતા આ બાબતે તેઓએ કમિશ્નરને પત્ર પાઠવી ફરિયાદ કરી છે. જેમાં જણાવાયું છે કે, હાલમાં ફૂવારા બંધ છે, અંદરના ભાગમાં  બેસવા માટેના બાકળા મુકવામાં આવેલ તે પણ દુર કરી નાખવામાં આવેલ છે. સર્કલના અંદરના ભાગમાં છેલ્લા ૬ માસથી ખોદવામાં આવેલ હાલ સુધી કોઇપણ જાતની કામગીરી કરવામાં આવેલ નથી, સર્કલ ફરતે રૂપ રંગ કરી કલરની કામગીરી પણ કરવામાં આવેલ નથી, ફુવારાની નોઝલ પણ બદલાવવામાં આવી નથી, સર્કલની ફરતી બાજુ બેસવા માટેની જગ્યા પણ રાખવામાં આવેલ નથી.

૧૯૯૫ની સાલમાં કોર્પોરેટર તરીકે પ્રથમ વખત ચુંટાઈને આવેલા હરિવાલા ડાંગરના કાર્યકાળ દરમિયાન સ્વામિનારાયણ ચોક અને સર્કલને પ્રથમ વાર બનાવવામાં આવેલ હતું. સબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતા કોન્ટ્રકટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ નથી. વિસ્તારવાસીઓ દ્વારા અવાર નવાર ફરિયાદના કારણે જે પી.પી.પી.નાં ધોરણે સર્કલ ડેવલોપ કરવા માટે જે સંસ્થાને આપવામાં આવેલ છે તે તાત્કાલિકનાં ધોરણે રાત દિવસ કામગીરી પૂર્ણ કરી સર્કલને તૈયાર કરી પબ્લિક વચ્ચે મુકવા રજૂઆત કરાઇ છે.

(3:55 pm IST)