Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સોપારીના લાખોના માલ અંગે ઠગાઇ કરવા અંગે આરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા.૧૩: મેંગ્લોરથી સાઉથ ઇન્ડીયા ટ્રાન્સપોર્ટનો સોપારીનો મુદામાલ રકમ રૂ.૪૬,૧૫,૪૯૧/- નીયત સ્થળ પહોંચાડવાના બદલે મદામાલ લઇ જઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરવાના ગુન્હામાં આરોપીઓને રેગ્યુલર જામીન પર મુકત કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, આ કામના ફરીયાદીના સાઉથ ઇન્ડીયા ટ્રાન્સપોર્ટનો માલ જેમા સોપારી કુલ બોરી નંગ ૩૦૮ તથા મરી કુલ બોરી નંગ-૧૦ જેનો કુલ વજન-૨૧ ટન હોય જેની કુલ કિ.રૂ.૪૬,૧૫,૪૯૧/-ની ડીલીવરી શ્રી વિજયાલક્ષ્મી રોડલાઇન્સ (એજન્ટ) મારફત મેંગ્લોર થી ગુજરાત માટે જી.જે.૦૮ ડબલ્યુ. ૧૮૬૬ નંબરની ગાડીમાં મોકલેલ જે માલ ભરેલ ગાડી આરોપી નં.૧ તથા ૨ તા.૨૭/૦૧/૧૮ના રોજ મેંગ્લોર થી રવાના થયેલ જે માલ સુરત તથા રાજકોટ પહોંચાડવા સોંપેલ હોય જે માલ નહી પહોંચાડી આરોપી નં-૧ તથા ૨ તથા તપાસમાં નીકળે તે તમામે સાથે મળી કુલ કિ.રૂ.૪૬,૧૫,૪૯૧/-નો મુદામાલ લઇ જઇ ફરીયાદી સાથે ગુન્હાહીત વિશ્વાસઘાત કરી એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ.

ત્યારબાદ આ કામમાં ડી.સી.બી. પોલીસ દ્વારા ચાર આરોપીઓની અટક કરવામાં આવેલ હતી જેમાં નં(૧) માધુભાઇ મહાદેવલાલ જોષી રહેઃ- રાધનપુર (૨)જગદીશભાઇ ભારાભાઇ રાઠોડ રહે. રાજકોટ (૩)મહમદ ઉર્ફે મજીદ ઇસ્માઇલભાઇ સુમરા રહેઃ ભુજ તથા (૪) મુસાભાઇ ફુલમામદ સમા રહેઃ મું.જુણા તા.જી. ભુજ વાળાઓની ફરીયાદીમાં દર્શાવેલ મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવેલ હતી. ત્યારબાદ ડી.સી.બી. પોલીસ દ્વારા ઉપરોકત આરોપીઓનીના કોર્ટમાં દિવસ-૭ની રીમાંડ અરજી સાથે રજુ કરવામાં આવેલ હતા.

પોલીસની રીમાન્ડ અરજી કોર્ટે નામંજુર કરેલ હતી.ત્યારબાદ આરોપીઓને જયુડીસીયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ હતા.આરોપીઓ દ્વારા ચીફ કોર્ટમાં જામીન અરજી કરતા તેઓની જામીન અરજી ચીફ જયુ.મેજી. ઇ.એમ.શેખ શ્રીએ આરોપીઓ તરફે થયેલ દલીલો   ધ્યાને લઇ આરોપીઓને શરતોને આધીન રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપીઓવતી રાજકોટના યુવા એડવોકેટ બાલાભાઇ એન.સેફાતરા તથા જીતેન્દ્રસિંહ પરમાર, કિશન બી.વાલ્વા રોકાયેલ હતા.

(3:49 pm IST)