Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

રાશનકાર્ડમાં નવો સોફટવેર સરખો કરો નહીં તો ૩૦૦ વેપારી ઇચ્છામૃત્યુ માંગશે

રાજકોટના સસ્તા અનાજના દુકાનદારો કંટાળ્યા : કલેકટર-ડીએસઓ સમક્ષ ઇચ્છામૃત્યુની અરજીથી સનસનાટી... : રપ ટકા લોકોના કાર્ડમાં આધારકાર્ડ મેચીંગ દેખાડતુ નથી : આધારકાર્ડ છે છતાં આ સ્થિતિ : કાર્ડ હોલ્ડરો અને દુકાનદારો વચ્ચે રોજેરોજ ફાઇટ... :ઝોન-૧ અને ર ના ઓફીસરો દુકાનદારોને ભારે હેરાન કરે છેઃ પ્રમુખ નરેન્દ્ર ડવના આક્ષેપથી ખળભળાટ

રાજકોટ, તા. ૧૩ : સસ્તા અનાજનના દુકાનદારોને ૧લી માર્ચથી આધારકાર્ડ મેચીંગ થાય તેને જ રાશન પુરવઠો આપવો એવો નવો સોફટવેર અમલમાં આવ્યા બાદ તેનાથી મોટી મુશ્કેલી ઉભી થયાનું અને આ સોફટવેર જરાપણ કામ કરતો ન હોવાની અને ૧પમીએ માંડ એક બીલીંગ થતું હોવાની ઉગ્ર રજૂઆત આજે સસ્તા અનાજના દુકાનદાર એસો.ના પ્રમુખ શ્રી નરેન્દ્ર ડવ-માવજી રાખશીયા તથા અન્યોએ કલેકટર અને ડીએસઓને આપેલ આવેદનમાં કરતા હલચલ મચી ગઇ છે.

એટલુ જ નહીં કલેકટર-ડીએસઓને આપેલ આવેદન અને અરજીમાં એક મહીનામાં એટલે કે ૩૧ માર્ચ સુધીમાં જો સોફટવેર સરખો નહીં કરાય તો, અમને ઇચ્છામૃત્યુ આપો એવું જણાવતા અને પોતે નરેન્દ્ર ડવ સહિત ૩૦૦ દુકાનદારો રાજકોટના ઇચ્છામૃત્યુ માંગી રહ્યા છે, એવું પણ જણાવતા સનસનાટી મચી જવા પામી છે.

શ્રી નરેન્દ્ર ડવે જણાવ્યું હતું કે નવા સોફટવેરમાં રપ ટકા કાર્ડ આધારકાર્ડ સાથે મેચીંગ થતા નથી. ચૂંટણીકાર્ડના આધારે પુરવઠો અપાય તો ઝોનલ-૧ અને ઝોનલ-રના ઓફીસરો દુકાનદારોને એસએમએસ કરી કલેકટરના નામે તતડાવે છે,  હેરાન કરે છે, અને કંટાળી ગયા છીએ,કેટલાયના બીપી વધી ગયા છે, અથવા તો લો થઇ ગયા છે, રોજેરોજ કાર્ડ હોલ્ડરો અને દુકાનદારો વચ્ચે ફાઇટ સર્જાય છે.

નરેન્દ્ર ડવે જણાવેલ કે ઝોનલ-૩ અને ૪ના અધિકારીઓ દ્વારા હેરાન નથી કરાતા, પરંતુ ૧ અને ર દ્વારા જ હેરાન કરાતા હોવાના ગંભીર આક્ષેપો કલેકટર-ડીએસઓ સમક્ષ કર્યા હતાં.

નવા સોફટવેરમાં આધારકાર્ડ મેચીંગ સીધો  ઉપગ્રહમાંથી લીન્ક થતો હોય  માંડ માંડ એક કાર્ડ હોલ્ડરનો ૧પ મીનીટે વારો આવે છે, અમે ખોટા બીલ બનાવતા નથી, ભલે અધિકારીઓ દુકાનો ઉપર બેસે બાકી હવે આ નવા સોફટવેરના ત્રાસમાંથી છોડાવો-સર્વર કામ કરતું જ નથી, ભારે દેકારો મચી ગયો છે.

આવેદનમાં આગેવાનોએ ઉમેર્યું હતું કે, જથ્થો મળવવા આવનાર ગ્રાહકનો અંગુઠા લેવામાં નવો સોફટવેરનો અમલ કરવામાં આવેલ છે. આ સોફટવેરમાં એક ગ્રાહકના આધાર બેઇઝ અંગુઠા લેવામાં ૧પ થી ર૦ મીનીટ લાગે છે અને બપોર પછી ૪:૩૦ થી ૭ની વચ્ચે તો અંગુઠો લેવામાં કે સોફટવેર ચાલતો જ નથી અને એક ગ્રાહકનો અંગુઠો લેવામાં બપોર પછીના સમયે ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે.

આખો દિવસ દુકાને બેસીને અંગુઠા લેવા છતાં રોજના ૧૦થી ૧પ ગ્રાહકના અંગુઠા જ આવે છે તેમજ રપ% કાર્ડ સાવ ખુલતા જ નથી અને પ૦% કાર્ડ ધારકોના આધાર કાર્ડ ઉધરાવીને ઝોનલ-ઓફીસમાં જમા કરાવ્યા છે છતાં તેના અંગુઠા અને આધારકાર્ડ વેરીફાઇડ થયા નથી અને ગ્રાહકોના થમ્બ આવતા જ નથી. ત્રણ-ત્રણ વર્ષથી જયારથી કમ્પ્યુટર દ્વારા વિતરણ વ્યવસ્થા કરવામાં આવી ત્યારથી અમો સસ્તા અનાજના વેપારીઓ બી.પી. અને ડાયા બીટીસ તેમજ માનસિક બિમારીઓમાં સપડાઇ ગયા છીએ. આ બધી બાબતોથી કંટાળીને અમો આપને જણાવી રહ્યા છીએ કાં તો આ કમ્પ્યુટર સોફટવેરમાં સુધારો કરો અથવા અમોને ઇચ્છામૃત્યુની મંજુરી આપો.

છેલ્લા ૧૦ વર્ષથી ભુતિયા કાર્ડની રપ વખત નાબુદી ઝુંબેશ કરવામાં આવી છે. બીજા ડીપાર્ટમેન્ટના સરકારી કર્મચારીઓને બેસાડી કાર્ડને ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ, બેન્ક એકાઉન્ટ સાથે જોડેલા છે છતાં હજુ તંત્ર અમારી સાથે ચોર જેવું વર્તન રાખે છે એવું પણ આવેદનમાં ઉમેરાયું છે.

અમો સસ્તા અનાજના દુકાનદારો હવે સરકારની છેલ્લા સાતેક વર્ષની નીતિથી કંટાળી ગયા છીએ. આથી જણાવવામાં આવે છે કે, તા.૩૧-૩-ર૦૧૮ સુધીમાં સોફટવેરની ખામી દૂર કરો, ઝોનલ-૧ તથા ઝોનલ-ર ના અધિકારીઓ વેપારીઓને માનસિક ત્રાસ આપે છે તે ત્રાસ બંધ કરાવો અને જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો પ્રમાણિત સસ્તા અનાજના પ્રમુખ તરીકે અમો ડવ નરેન્દ્રભાઇને ઇચ્છામૃત્યુની પરવાનગી આપો આ રસ્તા સિવાય કોઇ છુટકો નથી.

(2:54 pm IST)