Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

વીજ ઇજનેરોની હડતાલ ગેરકાયદેસરઃ આવશ્યક સેવા જાહેર

સમાધાન માટેની પ્રક્રિયા ચાલુ જ છેઃ એકપણ ઇજનેરની રજા નામંજૂર કરવા આદેશઃ ફિકસ પગાર વાળાઓને ચેતવણી...: ફોજદારી-અટકાયત-ગંભીર પગલા-પગાર કપાત-ખાતાકીય પગલા તથા નોકરીમાં બરતરફની ચેતવણીથી ખળભળાટ

રાજકોટ તા. ૧૩ :.. વીજ ઇજનેરોના આંદોલન-હડતાલની નોટીસ સામે, બોર્ડ આકરા પાણીએ આવી ગયું છે., ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી. દ્વારા તા. ર૧-ર-ર૦૧૮ ના પત્રથી મુદ્વાર પ્રત્યુતર પાઠવવામાં આવેલ છે. જીયુવીએનએલ દ્વારા પગાર સુધારણા અંગે જીએસઓ-પ બહાર પાડવામાં આવેલ છે, જેનો જીઇબી એન્જીનીયર્સ એસોસીએશનના સભ્યોએ સ્વેચ્છાએ લાભ લીધેલ નથી જયારે ભથ્થાઓ અંગે રાજય સરકારે એમના કર્મચારીઓ માટે કોઇ નિર્ણય કરેલ ન હોવાથી આ તબકકે ભથ્થાઓની માગણીને લઇને આંદોલનાત્મક કાર્યક્રમો આપવા ઉચિત નથી.

 

આથી, જીઇબી એન્જીનીયર્સ એસોસીએશનના તમામ સભ્યો અને તમામ કર્મચારીઓને જોગ પરીપત્ર જાહેર કરાયો છે. કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. અને તેની સંલગ્ન કંપનીઓને રાજય સરકારશ્રીના તા. પ-ર-ર૦૧૮ ના જાહેરનામાથી આવશ્યક સેવા જાળવણી અધિનિયમ ૧૯૭ર હેઠળ આવશ્યક સેવાઓ જાહેર કરેલ છે અને આવશ્યક સેવાઓમાં હડતાલ પર પ્રતિબંધ ફરમાવેલ છે. હડતાલને ગેરકાયદેસર જાહેર કરાઇ છે.

 

સદર ગેરકાયદેસર હડતાલમાં ભાગ લેવા એ આવશ્યક સેવા જાળવણી અધિનીયમ ૧૯૭ર હેઠળ ફોજદારી પગલાને પાત્ર ઠરે છે. જેમાં કર્મચારીની અટકાયત તથા અન્ય ગંભીર કાર્યવાહી થઇ શકે છે. આ ઉપરાંત સદર ગેરકાયદેસર હડતાલમાં ભાગ લેવાને કારણે જે તે કર્મચારીનો તે દિવસનો પગાર કપાત થવાને પાત્ર બને છે અને તેની સામે ખાતાકીય પગલા લઇને અનુરૂપ સજા કે જે નોકરીમાંથી બરતરફ કરવા પાત્ર સુધી થઇ શકે છે.

ઉપરી અધિકારી દ્વારા જો કોઇ અધિકારી આંદોલનાત્મક કાર્યક્રમ અથવા ગેરકાયદેસર હડતાલમાં ભાગ લેવા માટે રજા મૂકે તો તે અચુક નામંજૂર કરવાની રહેશે અને તેમ ન કરવામાં આવે તો સદર ઉપર અધિકારી પણ ગેરકાયદેસર હડતાલને ટેકો આપવા માટે તથા જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીના ઉપરી અધિકારીની સુચનાના ઉલ્લંઘન માટે જવાબદાર રહેશે.

જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં વિદ્યુત સહાયક જૂનીયર ઇજનેર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ અને તમામ વિદ્યુત સહાયકોને આથી તાકીદ કરવાની કે, તેઓને કરાર આધારિત અને ચોકકસ સમય માટે નિમણુક આપવામાં આવેલ છે અને તેઓ દ્વારા આવી કોઇ પ્રવૃતિમાં ભાગ લેવો તે કાયદાની જોગવાઇઓનાં ઉલ્લંઘન તથા ઉપરી અધિકારીની સુચનાના ઉલ્લંઘનમાં પરિણમે છે અને તેને કારણે તેઓને કાયમી જગ્યામાં સમાવેશ કરતી વખતે વિપરીત અસર થઇ શકે છે. (પ-૯)

(3:52 pm IST)