Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

મોદી સરકારના રાજમાં

CBI, ઈડી, ચૂંટણીપંચ સહિતની બંધારણીય સંસ્થાઓનો દૂરૂપયોગ

શું લોકોના ખાતામાં ૧૫ લાખ આવ્યા? શું ૨ કરોડ યુવાનોને નોકરી મળી? શું ભ્રષ્ટાચાર દૂર થયો? શું ખેડૂતોની સમસ્યા હલ થઈ? શું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરી? લોકોના મુળભૂત મુદ્દાઓ ભુલાવી સરકાર ભાવનાત્મક મુદ્દાઓ તરફ લોકોનું મન ભટકાવી રહી છે: આ તે કેવી વ્યવસ્થા... મોદી - મોદી બોલો તો દેશભકિત અને વિરોધમાં બોલો તો દેશદ્રોહી : અમારી લડતથી ૫૬ ઈંચની છાતીવાળા લોકો ગભરાઈ ગયા છેઃ અમારા ઉપર દેશદ્રોહના આરોપો જૂઠ્ઠા : કનૈયા - હાર્દિક પટેલની પત્રકાર પરિષદમાં મોદી સરકાર વિરૂદ્ધ સટ્ટાસટ્ટી : જીજ્ઞેશ મેવાણી પણ ઉપસ્થિત

રાજકોટ : આજે રાજકોટમાં ''સંવિધાન બચાવો, દેશ બચાવો'' રેલી યોજાયેલ છે ત્યારે આ અંતર્ગત સવારે નીલસીટી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં સર્વશ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, હાર્દિક પટેલ, કનૈયા કુમાર, જીજ્ઞેશ મેવાણી, વશરામભાઈ સાગઠીયા, અભિષેક તાળા, હેમાંગ પટેલ, સુનિલ જાદવ ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૫)

રાજકોટ : તા, ૧૩ હાલના દિવસોમાં 'સંવિધાન બચાવો - દેશ બચાવો' અભિયાન દેશના અમુક યુવા નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહયુ છે. જે સંદર્ભે આજે બપોર બાદ શાસ્ત્રી મેદાનમાં પણ આ અભિયાન હેઠળ એક રેલી યોજવામાં આવી છે અને તેમાં ભાગ લેવા માટે જવાહરલાલ નહેરુ, યુનીવર્સીટીના વિદ્યાર્થી નેતા કનૈયાકુમાર, પાટીદાર નેતા હાર્દિક પટેલ અને દલીત નેતા જીગ્નેશ મેવાણી  પણ રાજકોટ આવ્યા છે. રાજકોટની મુલાકાત દરમ્યાન આજે સવારે આ ત્રણેય યુવા ત્રિપુટીએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી અને તેમાં કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર ઉપર તીખા તમતમતા પ્રહારો કર્યા હતા. આ ત્રણેય યુવા નેતાઓએ આરોપ મુકયો હતો કે મોદી સરકારના રાજમાં ઈડી, સીબીઆઈ, ચુંટણીપંચ, સુપ્રિમકોર્ટ જેવી બંધારણીય સંસ્થાઓનો બેફામ દુરૂપયોગ થઈ રહયો છે અને બંધારણનો ભંગ થઈ રહયો છે. જે સામે લોકોને જાગૃત કરવા માટે અમે સંવિધાન બચાવો રેલીનું આયોજન કર્યુ છે.

જેએનયુના નેતા અને જેમના પર દેશદ્રોહનો આરોપ મુકવામાં આવ્યો છે એવા કનૈયાકુમારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે આ પ્રકારનું અભિયાન દેશના વિવિધ ભાગોમાં ચલાવી રહયા છીએ. 'જય જવાન-જય કિશાન' સાથે અમે 'જય સંવિધાન'નો પણ નારો આપ્યો છે. દેશમાં આજે લોકોના મૌલિક અધિકારો ઉપર તરાપ મારવામાં આવી રહી છે. એટલું જ નહી સીબીઆઈ, ઈડી વગેરેનો દુરૂપયોગ કરવામાં આવી રહયો છે જેનું તાજુ ઉદાહરણ રોબોટ વાડરા છે. તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે નથી પૈસા, નથી બાહુબળ કે નથી સતા છતાં સરકાર અમારાથી ડરે છે અને અમારા ઉપર દેશદ્રોહના ખોટા આરોપો મુકે છે. અમારો પરિવાર ફૌજી પરિવાર છે છતાં આવા આરોપો મુકવામાં આવ્યા છે. તેમણે કહયુ હતુ કે દિલ્હી સરકારની મંજુરી વગર કેન્દ્રની સરકારે મારી વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું છે. ૫૬ ઇંચની છાતીવાળા લોકો અમારાથી ડરવા લાગ્યા છે. કારણ કે અમે હવે લોકોની વચ્ચે ગયા છીએ. અમને જેલમાં કેમ નથી નાખતાં, અમને બંધારણ ઉપર અને વ્યવસ્થા, ઉપર વિશ્વાસ છે.

કનૈયાકુમારે કહયું હતું કે આ દેશમાં જે લોકો મોદી-મોદી કરે તે દેશભકત કહેવાય છે અને તેમની વિરૂદ્ધ બોલો તો દેશદ્રોહીનો આરોપ મુકી દેવાય છે. અમને ડરાવવા માંગે છે પરંતુ અમે ડરવાના નથી. તેમણે કહયું હતું કે મેં કદી દેશવિરોધી નારા લગાવ્યા નથી. ખોટી બાબતોને ઉપસાવવામાં આવી છે.

તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આ સરકારે શું બે કરોડ લોકોને નોકરી આપી ? શું લોકોના ખાતામાં પંદર લાખ આવ્યા ? શું ગરીબી દુર થઈ ? શું ખેડુતોની સમસ્યા દુર થઈ ? આ સરકાર મૂળભુત પ્રશ્નોને દરકિનાર કરી ભાવનાત્મક મુદાઓ જેમ કે રામમંદીર તરફ લોકોનું ધ્યાન ભટકાવી રહી છે. અમારી લડત શિક્ષણ, બંધારણને બચાવવાની, બેકારી દુર કરવાની, મહિલાઓની સુરક્ષા કરવાની છે. આ સરકાર બંધારણ મુજબ નથી ચાલતી એટલે અમારે લડત શર કરવી પડી છે.

એક સવાલના જવાબમાં તેમણે કહયું હતું કે હું ચૂંટણી લડીશ કે નહીં એ અંગે હજ કોઈ નિર્ણય લીધો નથી. એક અન્ય સવાલના જવાબમાં તેમણે કહયું હતું કે અમે કોઈ પક્ષને સમર્થન કરતા નથી, અમારી લડાઈ બિનરાજકીય છે.

આ પત્રકાર પરિષદમાં આ અભિયાનના પ્રણેતા ઈન્દ્રનીલ રાજયગુરૂ, હાર્દિક પટેલ, કનૈયાકુમાર, જીજ્ઞેશ મેવાણી, વશરામભાઈ સાગઠીયા, અભિષેક તાળા, હેમાંગ પટેલ, સુનિલ જાદવ વિ. ઉપસ્થિત હતા.

હું ભાજપની સામે ચૂંટણી લડીશ : હાર્દિક

રાજકોટ : 'પાસ'ના કન્વીનર હાર્દિક પટેલે કહ્યંુ કે, હું ચૂંટણી લડીશ અને ભાજપ સામે જ લડીશ પણ કયારે અને કંઈ જગ્યાએ અને કયાં પક્ષમાંથી ચૂટણી લડીશ તે નક્કી નથી, પણ એ વાત નક્કી છે કે જયારે પણ ચૂંટણી લડીશ ત્યારે ભાજપ સામે જ લડીશ. જો કે આ પ્રશ્નના જવાબમાં કનૈયાકુમારે ગોળગોળ જવાબો આપ્યા હતા.(૩૭.૧૫)

(3:49 pm IST)