Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રાજકોટમાં લેન્ડલોર્ડ વધ્યા : પ૬૦૮ ખુલ્લા પ્લોટ ખાનગી માલિકીના

સરકારી ખુલ્લા પ્લોટોમાં મહાપાલિકા હાથ કે પગ નાંખતી ન હોવાથી બન્યા ન્યુસન્સ પોઈન્ટ : બજેટમાં જમીનદારોના ખુલ્લા પ્લોટના વેરામાં વધારાની દરખાસ્ત જ નિકળી ગઈ : જમીનોમાં દેશ–વિદેશથી અબજો રૂપિયાનું રોકાણ : અનેક રાજકીય આગેવાનો અને કોર્પોરેટરો જમીનદાર, બિલ્ડર

રાજકોટ તા. ૧૩ : રાજકોટમાં જમીનદારો દિવસેને દિવસે વધી રહયા છે. શહેરમાં મહાપાલિકામાં નોંધાયેલા કુલ પ૬૦૮ ખુલ્લા પ્લોટ છે અને તે તમામ ખાનગી માલિકીના છે. સરકારી ખુલ્લા પ્લોટની હાલત ગમે તેવી હોય મહાપાલિકા તેમાં પોતાનો હાથ કે પગ નાંખતી નથી. સરકારી ખુલ્લા પ્લોટની સંખ્યા કેટલી છે તે પણ ટી.પી.શાખાને ખબર નથી. ખુલ્લા પ્લોટોમાં બેફામ ગંદકી જોવા મળે છે. જે લોકોના ઘરની આસપાસ ખુલ્લો પ્લોટ હોય તેમાં અનેક પ્રકારના ન્યુસન્સથી રહેવાસીઓ પરેશાન છે.

રાજકોટમાં જમીનો રોકાણનું માઘ્યમ બની છે. દેશ–વિદેશમાં રહેતા લોકોએ જમીનોમાં અબજો રૂપિયાનું રોકાણ કર્યુ છે. મહાપાલિકાએ ઝોન વાઈઝ કરેલા ખાનગી ખુલ્લા પ્લોટોના રજિસ્ટ્રેશન અનુસાર ત્રણેય ઝોન મળી પ૬૦૮ ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટ નોંધાયેલા છે. સરકારી ખુલ્લા પ્લોટોની કોઈ વિગત મહાપાલિકા નિભાવતી નથી. અનેક રાજકીય આગેવાનો અને કાર્પોરેટરો જમીનદારો, બિલ્ડરો છે. મ્યુ.બજેટમાં ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટો પર વેરો વધારવામાં આવશે તેવી શકયતા હતી પરંતુ તેવું થયું નથી. વેરા વધારા ની કોઈ દરખાસ્ત જ બજેટમાં રજૂ કરવામાં આવી નથી.

મહાપાલિકામાં વર્ષ ર૦૧૬માં થયેલા ઠરાવ અનુસાર ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટોમાં પ૦૦ ચો.મી.સુધીના ખુલ્લા પ્લોટ માટે વાર્ષિક રૂ.૧૪ પ્રતિ ચો.મી., પ૦૦ ચો.મી.થી વધુ ક્ષેત્રફળના ખુલ્લા પ્લોટ માટે વાર્ષિક રૂ.ર૧ પ્રતિ ચો.મી. તથા વાણિજયક હેતુ માટે વાર્ષિક રૂ.ર૮ પ્રતિ ચો.મી. લેખે ખુલ્લા પ્લોટનો ચાર્જ વસૂલવામાં આવે છે. શહેરમાં ઠેર ઠેર આવેલા ખુલ્લા પ્લોટોનો વેરો વસૂલવા મહાપાલિકા જાતે કાર્યવાહી કરતી નથી. ચાર્જની વસૂલાત જયારે જયારે ટી.પી.શાખામાં બાંધકામ પરવાનગી માટે અરજી કરવામાં આવે અથવા અરજદાર પોતે પોતાના ખુલ્લા પ્લોટનો વેરો વસૂલ લેવા માટે અરજી કરે ત્યારે વસૂલ કરવામાં આવે છે. સરકારી ખુલ્લા પ્લોટની કોઈ પણ પ્રકારની વેરા વસૂલાત મહાપાલિકા દવારા કરવામાં આવતી ન હોવાનું ટી.પી.શાખા જણાવે છે.

મહાપાલિકા પાસે ૩૪૮ રીર્ઝવેશન હેઠળ આવરી લેવાયેલા પ્લોટ છે જેની કિંમત ર૭પપ કરોડ જેટલી છે. હજારો ખાનગી ખુલ્લા પ્લોટો આસપાસના રહેવાસીઓ માટે પરેશાની રૂપ બન્યા છે અને જમીન માલિકો તેની જાળવણીમાં કોઈ ખાસ ઘ્યાન આપતાં નથી તેમ છતાં તેના પર વધુ વેરા બોજો નાંખવાનું ટાળવામાં આવે છે.

શહેરમાં ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટો કેટલા છે તેની માહિતી મેળવવા અને વેરો વસૂલવા મ્યુ.કમિશનરે ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટોનું રજિસ્ટ્રેશન કરાવી લેવા જાહેરનામું બહાર પાડતાં પ્લોટ ધારકો રજિસ્ટ્રેશન કરાવવા દોડયા હતા. વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટ હોવાનું સામે આવ્યું હતુ. જાહેરનામું બહાર પડયાના માત્ર એક માસમાં જ પ૦૦૦ થી વધુ ખાનગી પ્લોટ મહાપાલિકામાં રજિસ્ટર થઈ ગયા હતા.

જમીનદારો પર મહાપાલિકાના શાસકોને વ્હાલ ઉભરાતું હોય તેમ વધુ વેરા બોજો નાંખવાનું વધુ એકવાર ટાળી દેવામાં આવ્યું છે.  ખાનગી માલિકીના કરોડોની કિંમતના ખુલ્લા પ્લોટોમાં વેરા બોજો વધે તો તેનાથી પ્લોટ માલિકને વધુ કોઈ ફેર પડતો નથી. પરંતુ અનેક રાજકીય નેતાઓ ખુદ જમીનદાર, બિલ્ડર હોવાથી વેરા બોજો વધારવામાં આવતો નથી.

(3:31 pm IST)