Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રાજકોટના વડાળીના ગાયત્રીબાનો ભાવનગરમાં પતિ-સાસુ અને નણંદના અસહ્ય ત્રાસથી આપઘાત

પતિ બલભદ્રસિંહ, સાસુ ઇન્દ્રાબા અને નણંદ ભાવનાબા પૈસાની માંગણી કરી હેરાન કરતાં હોઇ ગાયત્રીબાએ ૧૧મીએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધીઃ ૭ વર્ષનો પુત્ર મા વિહોણોઃ વડાળી રહેતાં ગાયત્રીબાના ભાઇ રાજદિપસિંહ જાડેજાની ફરિયાદ પરથી ભાવનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૩: રાજકોટના ત્રંબા નજીકના વડાળી ગામે માવતર ધરાવતાં ગાયત્રીબા બળભદ્રસિંહ ગોહિલ નામના પરિણીતાએ ભાવનગર પતિ-સાસુના ઘરે ૧૧મીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટનાં પતિ, સાસુ અને નણંદનો દહેજ બાબતે અસહ્ય ત્રાસ હોવાનું ખુલતાં આ અંગે ભાવનગર પોલીસે ગાયત્રીબાના વડાળી રહેતાં ભાઇ રાજદિપસિંહ નિરૂભા જાડેજા (ઉ.૩૦)ની ફરિયાદ પરથી ત્રણેય સામે આપઘાત માટે મજબુર કરવા સબબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાવનગર પોલીસે રાજદિપસિંહ જાડેજાની ફરિયાદ પરથી આપઘાત કરનાર ગાયત્રીબાના પતિ બલભદ્રસિંહ વિક્રમસિંહ ગોહિલ, સાસુ ઇન્દ્રાબા અને નણંદ ભાવનાબા સામે ગુનો નોંધ્યો છે. રાજદિપસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા બહેન ગાયત્રીબાના લગ્ન વર્ષ ૨૦૧૦ના ડિસેમ્બરમાં બલભદ્રસિંહ ગોહિલ સાથે થયા હતાં. મારા પિતાજી ખેતી કરે છે અને માતુશ્રીનું નામ કૃષ્ણાબા છે. બહેન ગાયત્રીબાને સંતાનમાં એક પુત્ર શિવભદ્રસિંહ (ઉ.૭) છે. તા. ૧૧/૨ના સવારે હું ઘરે હતો ત્યારે મારા બનેવી બલભદ્રસિંહે ફોન કરીને જાણ કરી હતી કે તારા બહેને ગળાફાંસો ખાઇ લીધો છે. આ વાતથી હું ભાંગી પડ્યો હતો અને માતા-પિતાની જાણ કરી ભાવનગર પહોંચ્યો હતો. ગાયત્રીબા પતિ, સાસુ, જેઠ, જેઠાણી તેની બે દિકરીઓ સાથે સંયુકત કુટુંબમાં રહેતાં હતાં. નણંદ ભાવનાબા વિક્રમસિંહ જાડેજા નજીકમાં જ રહે છે. તેના બાળકો સવારથી જ મારા બહેનના ઘરે આવી જતાં હતાં.

ગાયત્રીબાના લગ્ન થયાના એક મહિના બાદ મારા બનેવી બલભદ્રસિંહ અને તેના માતા ઇન્દ્રાબા તથા બહેન ભાવનાબાએ કરિયાવર અંગે મેણાટોણા મારવાનું ચાલુ કર્યુ હતું. મારા પિતાશ્રીને પણ ફોન કરી રૂરૂ ભાવનગર બોલાવી ધંધો કરવા માટે પૈસા આપવા માંગણી કરી હતી. પણ અમારી આર્થિક પરિસ્થિતી સારી ન હોઇ ખેતીની જમીન વેંચી હતી. જમીનના ભાવ પુરા ન આવતાં જમીન વેંચીને પણ પુરા પૈસા અમે આપી શકયા નહોતાં. આ કારણે મારા બનેવી, બહેનના સાસુ અને નણંદ સતત મારા બહેનને મારજુડ કરી ગાળો દેતાં હતાં. 

આ બાબતે મારા બહેન ગયાત્રીબાએ ઘરેથી છાની રીતે નીકળી મને ફોન કરી વાત કરી હતી સાર્વજનીક વાહનમાં બેસી અમારા ઘરે વડાળી આવી ગયા હતાં. જે તે વખતે ૧૮૧માં પણ જાણ કરી હતી. બહેને આપવીતી વર્ણવતા ખબર પડી હતી કે સતત ત્રણેક વર્ષથી મારજુડ થતી હોઇ મારા બહેન ઉંઘી પણ શકતા નહોતાં. તે ખુબ ભયભીત હતાં . મારા બનેવી જાણે પહેલેથી જ મારા બહેનને રાખવા ઇચ્છતા ન હોઇ અને છુટાછેડા લેવા ઇચ્છતા હોઇ તેમ સતત તિરસ્કાર કરતાં હતાં. આજથી દોઢેક વર્ષ પહેલા હું મારા બહેનને ભાવનગર મુકવા ગયો હતો. ત્યારે પણ મારા બનેવી બલભદ્રસિંહે બળજબરીથી મારા બહેનને નહિ રાખવા દબાણ કરી કોરા સ્ટેમ્પ પેપરમાં સહીઓ કરવા દબાણ કરી કહ્યું હતું કે જો તું સહિ નહિ કરે તો તારી બહેનને નહિ રાખું તેમ કહેતાં મેં સહીઓ કરી દીધી હતી.મારા બહેનને તેના પતિ, સાસુ, નણંદ દહેજ અને પૈસા માટે સતત ત્રાસ આપતાં હોવાથી તે મરી જવા મજબુર થયા છે. તેમ રાજદિપસિંહ જાડેજાએ ફરિયાદના અંતે જણાવતાં ભાવનગર પોલીસે તપાસ શરૂ કરી છે. (૧૪.૫)

(11:30 am IST)