Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રેડીયો : ભવ્ય ભૂતકાળ.... અને ઉજ્જવળ ભવિષ્ય...!!!

રેડિયોના અપ્રિતમ ચાહક રાજકોટના મધુસુદન ભટ્ટએ અત્યાર સુધીમાં ૨૫ હજારથી વધુ ગીતોની ફરમાઈશ કરી છે

મધુસુદનભાઈ પાસે જૂના વાલ્વવાળા રેડીયોથી માંડીને આજના અત્યાધુનિક રેડીયોનું વિશાળ કલેકશન જોવા મળે છે : સમૂહ શ્રાવ્ય માધ્યમ રેડીયોએ સદાકાળ અને સદાબહાર માહિતી અને મનોરંજનનું અગત્યનું સાધન છે

'યે આકાશવાણી હૈ', 'યે હૈ આકાશવાણી કા પંચરંગી કાર્યક્રમ વિવિધ ભારતી', 'કભી કભી કે સભી શ્રોતાજનોંકો ભરત યાજ્ઞિક કા નમસ્કાર', ગાને કી ફરમાઈશ કી હૈ રાજકોટ સે મધુસુદન ભટ્ટને કંઇક ચિર-પરિચિત લાગે છે ? આવા જ કેટલાય જાણીતા અવાજોથી સૌરાષ્ટ્રના દુરસુદુરના લોકો પોતીકાપણું અનુભવે છે.

આ ઉકિતઓ છે રેડિયોના પ્રસારણની, જેણે સૌરાષ્ટ્રના લોકહ્રદયમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આજે રેડિયો લોકજીવનનો એક અવિભાજય હિસ્સો બની ગયો છે.

ઇટાલીના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા માર્કોનીએ ઇ.સ. ૧૯૦૧માં વિશ્વમાં સૌપ્રથમ વાયરલેસ સાધન વડે સંદેશાનું પ્રસારણ કરી જગત આખામાં ક્રાંતી સર્જી દીધી હતી. તેણે ન્યુ ફાઉન્ડલેન્ડના દરિયાકિનારેથી એટલાન્ટીક મહાસાગર પર સફળ રીતે સંદેશા વહેતા કર્યા હતા. તેની આ શોધ એટલે રેડિયો પ્રસારણનું પ્રથમ ડગલું.

ભારતમાં રેડિયો પ્રસારણનો પ્રાયોગિક પ્રારંભ ઇ.સ.૧૯૨૪ની ૩૧મી જુલાઇએ પ્રેસિડેન્સી રેડિયો કલબે મદ્રાસ ખાતે કર્યો હતો. જે કલબના સ્થાપક શ્રી સી.વી.કે. શેટ્ટી હતા. ઇ.સ.૧૯૨૫ સુધીમાં બંગાળ,મુંબઇમાં પણ રેડિયો પ્રસારણ શરૂ થયું. ૧લી એપ્રીલ ઇ.સ.૧૯૩૦માં બ્રિટીશ સરકારે આ પ્રસારણને પોતાના હસ્તક લઇ 'ઇન્ડીયન સ્ટેટ બ્રોડકાસ્ટીંગ સર્વીસ' નામકરણ સાથે ફરી શરૂ કર્યુ. જેને ૮ જુલાઇ ઇ.સ.૧૯૩૬માં 'ઓલ ઇન્ડીયા રેડીયો' નું નામાભિધાન અપાયું.

દર વર્ષે 'યુનેસ્કો' દ્વારા તા. ૧૩મી ફેબ્રુઆરીને 'વિશ્વ રેડિયો દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. નેશનલ રેડિયો ૫ર રાજકોટના જાણીતા રેડીયો લિસનર એવા શ્રી મધુસુદન ભટ્ટ (ઉં.વર્ષ ૬૯) જણાવે છે કે, તેઓ વર્ષ ૧૯૫૮ થી રેડીયો સાંભળે છે. આના પાછળનું કારણ હતા રેડીયો સિલોનના એનાઉન્સર શ્રીગોપાલ શર્મા કારણ કે મને તેની બોલવાની શૈલી એટલી હદે ગમી કે હું તેમાં ઓતપ્રોત થઈ ગયો પછી રોજે રેડીયો સાંભળવાનું મારો નિત્યક્રમ બની ગયો. છેલ્લા ૬૧ વર્ષથી રેડીયો સાંભળું છું તથા છેલ્લા ૪૪ વર્ષથી દેશના વિવિધ રેડીયો સ્ટેશનમાં ગીતોની ફરમાઈશ મોકલું છું. મહિનાની ૩૦૦ થી ૪૦૦ ફરમાઈશ મોકલી હોય છે જે હિસાબે આજ સુધીમાં ૨૫,૦૦૦ થી વધુ ગીતોની ફરમાઈશ મોકલી છે. રેડીયો પર ગીત સાંભળવાના મારા શોખને કારણે તે ફિલ્મ,ગીત,સંગીત,સંગીતકાર, ગીતકાર વિશે જાણવાની ઉત્કંઠાએ મને જાણતા અજાણતા જ ફિલ્મી ગીતોના પુસ્તકો, ફિલ્મોના પોસ્ટર્સનો સંગ્રાહક બનાવ્યો છે.

પોતાના રેડીયો સેટ્સના કલેકશન વીશે વાત કરતા મધુસુદનભાઈ જણાાવે છે કે, તેમની પાસે હાલમાં ૪૦ થી વધુ રેડીયોનું કલેકશન જોવા મળે છે જેમાં ૫૦ વર્ષ જુના વાલ્વ વાળા રેડીયોથી માંડીને તાજેતરમાં જ લોંન્ચ થયેલા કાંરવા સીરીઝના લેટેસ્ટ રેડીયો ઉપરાંત DRM - Digital Radio Mondiale નું પણ એક મોડેલ મારા સંગ્રહમાં છે. મોબાઈલમાં ઘણી રેડીયોને લગતી મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરૂ છું પરંતું રેડીયો સાંભળવાની સાચી મજા માત્ર રેડીયો સેટ્સમાં જ મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મધુસુદનભાઈ પાસે 'રેર ઓફ રેરેસ્ટ સોંગ'નું પણ કલેકશન જોવા મળે છે તથા તેમને હિન્દી ફિલ્મ ગીતોના એનસાઈકલોપીડીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પોતાના રેડીયો ઈન્ટરવ્યુંની યાદોને વાગોળતા શ્રીમધુસુદન ભટ્ટે (મો.૯૮૨૫૨ ૪૯૨૩૧) જણાવ્યું હતું કે વર્ષ ૧૯૭૯માં મેં રેડીયો સિલોનની મુલાકાત લીધી હતી. ત્યારે એ સમયના જાણીતા રેડીયો એનાઉન્સર દલબીરસીંહ પરમારે મારુ લાઈવ ઈન્ટરવ્યું કર્યું હતું. ૨૫ વર્ષ પછી જયારે હું ફરીવાર મને રેડીયો સિલોનની મુલાકાત લેવા મળી ત્યારે પદ્મિની પરેરાએ મારુ ઈન્ટરવ્યું કર્યું હતું. ઉપરાંત,થોડા વર્ષો પહેલા હું જમ્મુ-કાશ્મીર ફરવા ગયો હતો ત્યારે ઓલ ઈન્ડીયા રેડીયો-જમ્મુ દ્વારા પણ મારૂ ઈન્ટરવ્યું કરવામાં આવ્યું હતું. જે મારા માટે ખુબ જ આનંદદાયક ક્ષણ હતી.

ઓલ ઈન્ડીયા રેડીયો-રાજકોટ ના આસિ. ડાઈરેકટર શ્રી વસંત જોષીએ જણાવ્યું હતું કે, માહિતી અને મનોરંજનના માધ્યમ થકી એક સાથે અનેક લોકો સુધી અસરકારક રીતે પહોંચી શકાય છે તે જ રેડીયોની ખરી તાકાત છે. રેડીયોમાં લોકો ચાલુ કાર્યક્રમે નહિં પરંતું રૂરૂમાં ફિડબેક આપે છે ત્યારે ગૌરવની લાગણી અનુભવાય છે. વર્તમાનમાં માહિતી અને મનોરંજનના અનેક સ્ત્રોત ઉપલબ્ધ છે છતા રેડીયોએ પોતાનું સ્થાન અકબંધ રાખ્યું છે.

રાજકોટની એક જાણીતી આર.જે શિતલ જણાવ્યું હતું કે, ટીવી જોવા માટે કે ઓફિસ અને દ્યરના કામો કરવા માટે એકાગ્રતા રાખવી પડે છે પરંતું રેડીયો સાંભળવા માટે કયારેય ખાસ ધ્યાન આપવું પડતું નથી. કામ કરતા-કરતા પણ રેડીયોની મઝા માણી શકાય છે જે તેની સૌથી મોટી ખાસિયત છે.એક રીતે જોવા જઈએ તો રેડીયો એક સ્ટેસ બસ્ટર છે જે કયારેય એકલતા અનુભવવા દેતો નથી.

રાજકોટના જાણીતા આર.જે. નિમીત ગણાત્રાએ કહ્યું હતું કે, મારી મુસાફરીનો સાચો સાથી એટલે રેડીયો. મારો એવો સાથી છે કે જે મને મારા શહેર સાથે કનેકટ રાખે છે. રેડીયો લીસનર્સનો પોતાનો એક અલગ વર્ગ છે તેમજ આજના સમયમાં રેડીયોના લીસનર્સ વધતા જાય છે. મનોરંજન અને માહિતીના સાધન તરીકે રેડીયો કયારેય આઉટ ઓફ ડેટ નહિં થાય.

રાજકોટના જાણીતા આર.જે. હાર્દિકે જણાવ્યું હતું કે, રેડીયો એક સરપ્રાઈઝ એલીમેન્ટ છે જે દરેક ક્ષણે તમને સરપ્રાઈઝ આપે છે. આજના સમયમાં રેડીયોના કારણે યુવાનોમાં નોકરીની તકો અંગે જાગુતિ વધી છે. આજકાલ દ્યણી કોલેજો રેડીયો જોકી,સાઉન્ડ એન્જિીનયરીંગ, મ્યુઝીક મેનેજર, કોપીરાઈટર જેવા અનેકવિધ કોર્ષ કરાવે છે જે રોજગારીની સાથે મનગમતું કામ કરવાની તકો આપે છે.

આમ જોવા જઈએ તો રેડીયો સદાકાળ અને સદાબહાર માહિતી અને મનોરંજનનું અગત્યનું સાધન હતું, છે અને રહેશે.(૩૭.૪)

રાજ લક્કડ

માહિતી ખાતુ, રાજકોટ મો.૯૪૦૮૫ ૨૪૩૬૩

(11:29 am IST)