Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ગાંધીગ્રામ-કોઠારિયા વિસ્તારમાં નવી પ્રા.શાળાઃ શિક્ષણ સમિતિનું ૧.ર૬ અબજનું બજેટ

શિક્ષકોને પ્રોત્સાહિત કરવા ગુરૂવંદના એવોર્ડઃ શૈક્ષણીક ઇતર પ્રવૃતિ, તેજસ્વી બાળકો સન્માન તથા શૈક્ષણીક સેમીનાર સહિતના વિવિધ કાર્યક્રમોનુ આયોજન થશેઃ બજેટ મંજુર કરતાં શિક્ષણ સમીતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર

રાજકોટ તા.૧૩: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળઆ બોર્ડની મીટીંગમાં સને ૨૦૧૮-૧૯નુ અંદાજપત્ર રૂ.૧,૨૬,૭૪,૧૧,૦૦/- સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ હતુ. આજની મીટીંગમાં ગત સભાની કાર્યવાહી વંચાણે લઇ તેને બહાલ કરવામાં આવી હતી. પ્રારંભે શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે અંદાજપત્રની વિવિધ માહિતીઓ, નવી શાળાઓ, શાળા વિકાસ પ્રવૃતિ, સ્માર્ટ કલાસ સંદર્ભે સભ્યોને માહિતગાર કર્યા હતા.

શિક્ષણ સમિતિના બજેટમાં સરકારનો ફાળો,કોર્પોરેશનનો ફાળો સહિત કુલ રૂ.૧૨,૬૭૪,૧૧ લાખ રૂ. સાથે સરકારશ્રીની આવક રૂ.૯૮,૭૯,૫૭,૦૦૦ તથા કોર્પોરેશનના ફાળાની આવક રૂ.૨૭,૯૪ કરોડ અંદાજવામાં આવેલ છે. વોર્ડ નં.૧૮ માં શિવધારા સોસાયટીની આસપાસ શાળા નં.૯૯ માટે તથા વોર્ડ નં.૧માં સ્ટર્લીગ હોસ્પીટલની પાછળ નવી શાળા બનાવવામાં આવશે. દરેક શાળામાં સ્માર્ટ કલાસ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા ગુરૂવંદના એવોર્ડ ધો.૧-૮ ના બાળકો માટે કોમ્પ્યુ. શિક્ષણ તથા શાળા વિકાસની વિવિધ પ્રવૃતિઓ માટે  અંદાજપત્રમાં જોગવાઇ રાખેલ છે. તેમ શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને વા.ચેરમેન અલ્કાબેન કામદારે જણાવેલ છે.

સને ૨૦૧૮-૧૯ ના અંદાજપત્રમાં રાષ્ટ્રીય પર્વ ઉજવણી, શૈક્ષણિક ઇતર પ્રવૃતિ તેજસ્વી બાળકો સન્માન, શૈક્ષણિક સેમીનાર સાથે સંગીત તાલીમ કાર્યક્રમ વિવિધ પ્રવૃતિ, વાલી સમેલન જેવા વિવિધ કાર્યક્રમો માટે જોગવાઇ રાખવામાં આવેલ છે. શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે મનોરંજન સાંસ્કૃતિક વાર્ષિક ઉત્સવ પણ ઉજવવામાં આવશે. સમગ્ર બજેટ તૈયાર કરવાની કામગીરીમાં એકાઉન્ટ શાખાના અમીતભાઇ શુકલે કામગીરી કરી હતી.

આ તકે વા.ચેરમેન અલ્કાબેન કામદાર, જગદીશભાઇ ભોજાણી, સંજયભાઇ હિરાણી, ડો.રાજેશ ત્રિવેદી, કિશોરભાઇ રાઠોડ, મુકેશભાઇ મહેતા, કિરણબેન માકડિયા, ધીરજભાઇ મુંગરા, મુકેશભાઇ ચાવડા, રહીમભાઇ સોરા, ડો.ગૌરવીબેન ધૃવ, ભારતીબેન રાવલ તેમજ ઇન્ચાર્જ શાસનાધિકારી સપનાબેન પરમાર હાજર રહ્યા હતા.

(3:54 pm IST)