Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

દિપક સોસાયટીમાં ફુલના ધંધાર્થીના ઘરમાં ચોર ત્રાટકયાઃ ૬૭ હજારની મત્તા ચોરી ગયા

મનિષભાઇ કોળી અને પત્નિ ઘર બંધ કરી કિસાનપરામાં પિતાના ઘરે રોકાયા અને ઘરે તસ્કરો મહેમાન બન્યા

રાજકોટ તા. ૧૩: ચોરીનો વધુ એક બનાવ બન્યો છે. રૈયા રોડ કનૈયા ચોક પાસે આવેલી દિપક સોસાયટીમાં રહેતાં ફુલના ધંધાર્થી કોળી યુવાનના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. ૬૭ હજારની માલમત્તા ચોરી ગયા છે.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામના પી.એસ.આઇ. ડી. એ. ધાંધલીયા અને દિવ્યરાજસિંહએ મકાન માલિક દિપક સોસાયટી-૩ના ખુણે ભવાની કૃપાની બાજુમાં રહેતાં મનિષભાઇ છગનભાઇ ધીણોજા (કોળી) (ઉ.૩૩)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. મનિષભાઇના કહેવા મુજબ હું ફુલ વેંચી ગુજરાન ચલાવુ છું. ૧૦મીએ હું અને મારા પત્નિ રમીલા અમારા ઘરને તાળુ મારી કિસાનપરા ચોકમાં આવેલા પિતાના ઘરે કામ સબબ ગયા હતાં. ત્યારબાદ રાત્રીના મારા સાઢુ અને મિત્રને મારા ઘરની ચાવી આપી ફુલનો સામાન લેવા મોકલ્યા હતાં. મોડી રાત હોવાથી હું અને પત્નિ મારા પિતાના ઘરે જ રોકાઇ ગયા હતાં. ગઇકાલે મારા માસીજીના દિકરાનો ફોન આવેલ કે તું કયાં છો તારા ઘરનો દરવાજો ખખડાવુ છું પણ તું ડેલી કેમ ખોલતો નથી, તારા ઘરનો દરવાજો તો ખુલ્લો છે.

આ વાત સાંભળી હું ઘરે આવ્યો હતો અને તપાસ કરતાં ઘરમાંથી ચોરી થયાની ખબર પડી હતી. તસ્કરો લોખંડનો કબાટ તોડી રોકડા રૂ. ૪૦ હજાર, સોનાનો ઓમકાર, સોનાનુ ગણેશજીનું પેન્ડન્ટ, મારી દિકરીની નાની બુટી, બે જોડી સાંકળા, ચાંદીના ચાર બીજા સાંકળા મળી કુલ રૂ. ૬૭ હજારની ચોરી થયાની ખબર પડતાં પોલીસને જાણ કરી હતી.

મારૂતિનગરમાંથી મહેન્દ્રભાઇ કટારીયાનું એકટીવા ચોરાયું

સંત કબીર રોડ પર કબીરવન સોસાયટી-૨માં રહેતાં મહેન્દ્રભાઇ દયાલજીભાઇ કટારીયા (ઉ.૪૮)નું એકટીવા જીજે૩જેએસ-૩૬૨૭ રૂ. ૪૦ હજારનું કોઇ એરપોર્ટ રોડ મારૂતિનગર-૨ લક્ષ્મીકૃપા એપાર્ટમન્ટ પાસેથી ચોરી જતાં પ્ર.નગરમાં જાણ કરતાં હેડકોન્સ. રામસિંહભાઇ વરૂએ તપાસ હાથ ધરી છે.  (૧૪.૯)

(2:46 pm IST)