Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સ્વ. કુમારપાળભાઇ શાહ અને તેના પુત્ર શ્રેયાંશ શાહ વિરૂધ્ધ ઠગાઇની ફરિયાદ!

ઢેબર રોડ વન-વેમાં હોસ્પિટલના સર્જીકલ સામાનનો વેપાર કરતાં રાજેશભાઇ વોરા (જૈન) અને કલ્પેશભાઇ વોરાએ ૨૦૧૦માં ખરીદેલી દૂકાનનો બારોબાર દસ્તાવેજ કરી અપાયાની આરોપ : વણિક બંધુએ સ્વ. કુમારપાળ શાહ પાસેથી દૂકાનો ખરીદી તેમાં પુત્ર શ્રેયાંશે સાક્ષી તરીકે સહી કરી'તી

રાજકોટ તા. ૧૩:  યુનિવર્સિટી રોડ પર નટરાજનગર-૨માં રહેતાં અને ઢેબર રોડ વન-વેમાં સદ્દગુરૂ આર્કેડમાં ત્રીજા માળે દુકાન નં. ૩૧૯માં બેસી ભાઇ સાથે હોસ્પિટલના સર્જીકલ સામાનનો હોલસેલનો વેપાર કરતાં રાજેશભાઇ શાંતિલાલ વોરા (ઉ.૪૨) નામના વણિક યુવાનની ફરિયાદ પરથી હાલ હયાત નથી તેવા સ્વ. કુમારપાળભાઇ દલીચંદભાઇ શાહ તથા તેના પુત્ર શ્રેયાંશ કુમારપાળભાઇ શાહ (રહે. બી-૧૦૦૧, શાંતિ નિકેતન ઓરમ ફલેટ અવસર પાર્ટી પ્લોટ કાલાવડ રોડ) સામે ત્રણ દૂકાનના સોદામાં રૂ. ૨,૩૩,૦૦૦ની ઠગાઇ કર્યાનો ગુનો એ-ડિવીઝન પોલીસે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ  નોંધ્યો છે.

 

રાજેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૦માં તેણે તથા તેના ભાઇ કલ્પેશભાઇ વોરાએ મૃત્યુ પામનાર કુમારપાળભાઇ શાહ પાસેથી રૂ. ૨,૩૩,૦૦૦ ચુકતે અવેજ આપીને ઢેબર રોડ વન-વેમાં સદ્દગુરૂ આર્કેડમાં આવેલી ત્રણ દુકાનોનું નોટરી સાટાખત કરાવી ખરીદ કરી હતી. જો કે બાદમાં કુમારપાળભાઇએ આ દૂકાનોના દસ્તાવેજો  પોતાને નહિ કરી આપી બીજા વ્યકિત દિગ્વીજયસિંહ જાડેજાને કરી આપ્યા હતાં. તેમજ શ્રયાંશ શાહે પણ પોતાના પિતાએ દૂકાનો પોતાને (રાજેશભાઇને) વેંચી છે તે જાણતાં હોવા છતાં આર્થિક લાભ લેવા માટે દસ્તાવેજ દિગ્વીજયસિંહ જાડેજાને કરી આપ્યા તેમાં સાક્ષી તરીકે સહીઓ કરી એક બીજાને મદદ કરી છેતરપીંડી કરી છે.

રાજેશભાઇએ ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે વર્ષ ૨૦૧૦ના જુનથી ૨૦૧૧ જુલાઇ સુધીમાં અમે જે તે વખતે જાગનાથ પ્લોટમાં રહેતાં કુમારપાળભાઇ શાહ પાસેથી ત્રણ દૂકાનો નં. ૩૧૬, ૩૧૭, ૩૧૮ ખરીદ કરી પૈસા ચુકવ્યા હતાં. જે તે વખતે તેમણે નોટરી સોગંદનામાથી બાહેંધરી આપી હતી કે દુકાનના મુળ માલિક સુરેશભાઇ વસાણી દસ્તાવેજ કરી આપે પછી હું તમને દસ્તાવેજ કરી આપીશ. બાદમાં બિલ્ડર સુરેશભાઇએ કુમારપાળભાઇને સાટાખત કરી આપ્યું હતું. અમને ત્રણેય દૂકાનોનો કબ્જો સોંપાતા અમે બંને ભાઇઓએ હોસ્પિટલના સર્જીકલ સામાનનો વેપાર શરૂ કર્યો હતો. કુમારપાળભાઇ શાહના મોટા દિકરા ડો. શ્રેણિકભાઇ શાહ સાથે પણ ઓળખાણ થઇ હતી. તેની ઓળખાણથી બીજી દૂકાનો ૩૧૯, ૩૨૦, ૩૨૧, ૩૪૦ પણ ખરીદ કરી હતી.

પરંતુ અમોને અગાઉ ખરેદેલી દૂકાન નં. ૩૧૬, ૩૧૭, ૩૧૮ના દસ્તાવેજ ૨૦૧૩ સુધી કરી ન અપાતાં અને એ દરમિયાન કુમારપાળભાઇ શાહનું અવસાન થતાં અમે બાદમાં ૨૦૧૪માં અમારા વકિલ મારફત સ્વ. કુમારપાળભાઇ શાહના પુત્ર શ્રેયાંશ શાહને દસ્તાવેજ કરી આપવા નોટીસ મોકલાવી હતી. પણ તેણે પોતે આ ડિલીંગથી અજાણ હોવાનું કહી સામી નોટીસ મોકલાવી હતી. અમે દસ્તાવેજ મેળવવા સતત પ્રયાસ કરતાં હતાં ત્યારે વર્ષ ૨૦૧૫માં આ દૂકાનોનો દસ્તાવેજ શ્રેયાંશ શાહે દિગ્વીજસિંહ જાડેજાને કરી આપ્યાની અમને ખબર પડતાં અમે ફરિયાદ કરી છે.

પી.આઇ. વી.એન. યાદવની રાહબરીમાં પી.એસ.આઇ. જી.એમ. રાઠવાએ તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)