Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કોરોનાની રસીને રાજકોટ એરપોર્ટ ખાતે આવકારતા ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ

રાજકોટ, તા.૧૩ : કોરોના મહામારીને કાબુમાં લેવા તથા લોકોને કોરોના સામે પુરતુ રક્ષણ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા કોરોના રસીમૂકવાની ઝડપભેર કામગીરી શરૃ કરવામાં આવેલ છે. ત્યારે આજરોજ વ્હેલી સવારના રાજકોટ એરપોર્ટ ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ આવી ગયેલ છે. તે દરમ્યાન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવ ખાસ ઉપસ્થિત રહીને કોરોના રસીને હર્ષની લાગણી સહ આવકારેલ.

કોરોના મહામારીની શરૃઆતથી રાજકોટ ચેમ્બર દ્વારા તમામ વેપાર-ઉદ્યોગકારો તથા આમપ્રજાની સુખાકારી તથા સલામતીને ધ્યાનમાં રાખી લોકડાઉન દરમ્યાન તમામ છુટછાટો મળી રહે ઉદ્યોગો ધમધમતા રહે અને આર્થિક મંદીમાંથી બહાર નિકળે તેવા યોગ્ય પગલાઓ હાથ ધરી સરકારશ્રીમાં નિર્ણાયક રજુઆતો કરેલ અને મહત્તમ સફળતાઓ પણ મળેલ છે. હાલ સરકારશ્રી દ્વારા કોરોનાની રસી મૂકવાનું પ્રથમ પ્રાધાન્ય કોરોના વોરીયર્સ જેવા કે ડોકટરર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ કર્મીઓ અને સફાઇ કર્મીઓને સૌપ્રથમ પ્રધાન્ય આપવામાં જે બદલ અભિનંદન પાઠવી રાજકોટ ખાતે ઝડપી કોરોનારસીનો પ્રથમ ડોઝ મોકલવા બદલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૃપાણીનો સહર્ષ અભિનંદન સહ આભારની લાગણી વ્યકત કરીએ છીએ તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:26 pm IST)