Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

આમ્રપાલી અન્ડરબ્રીજના લોકાર્પણની તૈયારી : ઉદિત અગ્રવાલ દ્વારા વિવિધ પ્રોજેકટોની રૂબરૂ સમીક્ષા

શહેરના આમ્રપાલી ફાટકના સ્થળે અંડરબ્રીજનું નિર્માણ થઇ ગયું છે જેનું લોકાર્પણ સંભવત આવતા અઠવાડિયે જ થઇ જાય તેવી શકયતા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આ બ્રીજનું લોકાર્પણ કરવાના હોઇ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે સવારે આ અંડરબ્રીજની રૂબરૂ સ્થળ મુલાકાત લઇ અને પ્રોજેકટની સમીક્ષા કરી હતી તે વખતની તસ્વીરમાં ડે. કમિશનર ચેતન નંદાણી તથા અન્ય અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૩ : ટ્રાફિકની સમસ્યાનો ક્રમશઃ ઉકેલ આવે તે માટે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી પૂર્ણ થવાની તૈયારીએ છે. આ માસમાં કામગીરી પૂર્ણ થયે આ અન્ડરબ્રીજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આજે તા. ૧૩-૦૧-૨૦૨૧ ના રોજ વહેલી સવારે રૈયા રોડ આમ્રપાલી અન્ડરબ્રીજ સહિતના વિવિધ પ્રોજેકટની કામગીરીની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે સ્થળ વિઝીટ કરી હતી.

આ વિઝીટ દરમ્યાન તેમની સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, એડી. સિટી. એમ.આર.કામલીયા, બી.યુ.જોષી, એચ.એમ. કોટક,  વાય.કે.ગૌસ્વામી, રોશની શાખાના ઇન્ચા. સિટી એન્જી. બી.ડી. જીવાણી, ડાયરેકટર ગાર્ડન એન્ડ પાર્કસ ડો. કે.ડી.હાપલીયા, પર્યાવરણ ઇજનેર નીલેશ પરમાર, પી.એ. (ટેક) ટુ કમિશનર  રસિક રૈયાણી અને આસી. મેનેજર એન.કે.રામાનુજ વિગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે બ્રિજની મુલાકાત લીધી હતી આ અન્ડરબ્રીજમાં બંને બાજુ ૪.૫ મીટર સર્વિસ રોડ, ૬.૬૦ મીટરનો બંને બાજુ બોકસની અંદર કેરેજ-વે, ૬.૭૫ મીટરનો બોકસની બહાર બોકસને જોડતો કેરેજ-વે તેમજ વૈશાલીનગર-૧ (શાક માર્કેટ તરફ) થી ચુડાસમા મેઈન રોડ(એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિશાનપરા (RMC સોસાયટી) તરફથી શ્રેયસ સોસાયટી (રેસકોર્ષ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આજે સવારે મ્યુનિ. કમિશનરે વહેલી સવારે આમ્રપાલી અન્ડરબ્રીજ સહીત ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક નાખવાની ચાલતી કામગીરીમાં જિલ્લા ગાર્ડન વોટર વર્કસ હેઠળ જયરાજ પ્લોટ, કોઠારીયા વોટર વર્કસ હેઠળ વેલનાથ સોસાયટી અને વાવડી વોટર વર્કસ હેઠળ શ્રીજી સોસયટીમાં રૂબરૂ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.

સાયકલના પ્રોજેકટને પ્રોત્સાહન માટે બાઇક શેરીંગ પાઇલોટ પ્રોજેકટ

ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસનાં ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે રેસકોર્ષનાં કિશાનપરા ચોક ખાતે 'પબ્લિક બાઈક શેરીંગ' પાઈલોટ પ્રોજેકટનું તુર્ત જ લોન્ચ કરવા અંગેની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં શહેરીજનો માટે નજીકનાં સ્થળોએ પહોંચવા માટે 'માય બાઈક' એજન્સી મારફત 'પબ્લિક બાઈક શેરીંગ' સ્ટેશન મારફત પાઈલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. શહેરીજનો આ પ્રોજેકટ હેઠળની સાયકલનાં વપરાશ કરવા માટે નિર્ધારિત સ્થળ પર માત્ર એક વખત રજીસ્ટ્રેશન કરાવી, મોબાઈલ એપ્લીકેશનની મદદથી સાયકલ લઇ એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરી શકાશે તથા નિર્ધારિત સ્થળ પર સાયકલ જમા થયા બાદ મુસાફરી પૂર્ણ થયેલ ગણાશે તથા વપરાશકર્તાનાં મોબાઈલ એપ વોલેટમાંથી સાયકલ ભાડાની ચૂકવણી થઇ જશે અને સાયકલ શેરીંગ માટે વારંવાર રજીસ્ટ્રેશન વિગેરે પ્રક્રિયામાંથી મુકિત મળશે. આ યોજના શરૂ થવાથી રાજકોટ શહેરનાં નાગરિકોને પબ્લિક બાઈક શેરીંગ પ્રોજેકટ હેઠળ બાઈસિકલ સર્વિસ મળી રહેશે, ટ્રાફિકની સરળતા રહેશે, પ્રદુષણ ઘટશે, લોકોના આરોગ્યમાં સુધારો થશે, પાર્કિંગના પ્રશ્નનું નિરાકરણ થશે.

(4:07 pm IST)