Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

'ઉડી ઉડી જાય... ઉડી ઉડી જાય... દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય'... સહીતના ગીત અને ટયુનથી અગાસી-ધાબા ગુંજતા રહેશે

આવતીકાલે ઉત્તરાયણ : પતંગ અને આનંદ આભને આંબશે

કોરોના હળવો, હૈયા પણ હળવા : સાવધાની રાખી રાજકોટ કાલે મનભરીને માણશે પતંગોત્સવ : દાનપૂણ્યનો મહીમા થશે ઉજાગર

રાજકોટ તા. ૧૩ : કાલે સૂર્યદેવના મકર રાશીમાં પ્રવેશ સાથે મકર સંક્રાંતિનું પર્વ મનાવવામાં આવશે. દાન પૂણ્યનો મહીમા ઉજાગર થશે. સૌથી મોટો પૂણ્યકાળ આ ઉતરાયણને ગણવામાં આવે છે.

આનંદનો અવસર એટલે મકર સંક્રાંતિ! એમાય રાજકોટીયનો માટે તો દોડવુ હોયને ઢાળ મળે જેવુ થશે. કોરોના કાળ પછી એકેય તહેવાર જોઇએ તેવા સારા ગયા નથી. ત્યારે હવે થોડીક કળ વળી હોય તેમ કોરોનાના કેસ હળવા થતા લોકોના હૈયા પણ હળવા થયા છે. કાલે ભરપુર આનંદ લુંટવા લોકો જોમમાં આવી ગયા છે.

કાલે આગાસી અને ધાબાઓ પર સૌ કોઇ પરિવાર સાથે પતંગ ચગાવવાનો આનંદ લુંટશે. લાલ-ગુલાબી-પીળી એમ રંગબેરંગી પતંગોથી આકાશ છવાય જશે. કાયપો છે, ખેંચ ખેંચ જેવી ચીચીયારી આખો દિવસ ગુંજતી રહેશે. તો ટેપરેકોર્ડરો પર 'ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય, દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય'.. સહીતના ગીતો પણ ગુંજતા રહેશે.

ચીકી-ઉંધીયુ-શેરડી-જીંજરાની જયાફત બોલાવતા બોલાવતા કાલે આખો દિવસ પતંગ ઉડાવવામાં વિતશે.

ઉતરાયણને પૂણ્યનો અવસર પણ ગણવામાં આવે છે. એટલે ગૌશાળા કે અન્ય સેવા સંસ્થાઓ દ્વારા દાન સ્વીકારવા અલાયદી વ્યવસથાઓ પણ થઇ ચુકી છે. દાન કરીને લોકો પૂણ્ય કમાશે.

કોટેશ્વર મંદિરે અનુષ્ઠાન

કોઠારીયા કોલોનીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરે કાલે સંક્રાંતિ નિમિતે વિશેષ અનુષ્ઠાનનું આયોજન થયુ છે. સૂર્ય પૂજા અને શિવ પુજા ઉપરાંત બીલ્વાભિષેક, દુગ્ધાભિષેક, જલાભિષેક, તલ, મધ, શેરડીના રસનો અભિષેક થશે. સાંજે મહાઆરતી થશે. ધર્મપ્રેમીઓે દર્શનનો લાભ લેવા કોટેશ્વર પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

અકાલી હિન્દુ સેના દ્વારા ગૌ રક્ષા અર્થે શુલ્ક એકત્ર કરાશે

અકાલી હિન્દુ સેના દ્વારા હિન્દુ ધર્મ અને ગૌસેવા માટે કાલે મકરસંક્રાંતિ પર્વે શુલ્ક (દાન) એકત્ર કરવાની વ્યવસ્થા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, ભકિતનગર સર્કલ, પટેલ ચોક બરસાના ડેરી, હુડકો પોલીસ ચોકી પાસે અને નહેરૂ નગર મેઇન રોડ એમ ત્રણ જગ્યાએ સવારે ૬ થી સાંજના પ સુધી છાવણી નખાશે. અનુદાન કરવા વનરાજભાઇ (મો.૯૩૨૮૬ ૮૩૮૮૩), પંકજભાઇ (મો.૯૮૦૯૮ ૬૫૦૫૫), પ્રવીણભાઇ, સાગરભાઇ, નિલેશભાઇ બોરીચા, વિવેકભાઇ, સંજયભાઇ, રીતેશભાઇ, મિતેશભાઇ, અશ્વિનભાઇ, અમિતભાઇની સંયુકત યાદીમાં અનુરોધ કરાયો છે.

દાન લેવાશે નહીં અપાશે : શ્રીરામ ટ્રસ્ટ વૃધ્ધોને દતક લેશે

મકર સંક્રાંતિના પર્વે સેવા સંસ્થાઓ દ્વારા દાનની ટહેલ નખાતી હોય છે. ત્યારે શ્રીરામ ટ્રસ્ટ દ્વારા દાન લેવા નહીં પણ દાન આપવાનો નવતર પ્રયોગ અજમાવ્યો છે. ૨૦ વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા એડવોકેટ આર. કે. પટેલ સ્થાપિત આ સંસ્થા દ્વારા અન્નક્ષેત્ર, વૃધ્ધાશ્રમની સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ત્યારે કાલે ગરીબ અશકત એવા ૮૭ વૃધ્ધોને દતક લઇ તેમના આજીવન નિર્વાહની જવાબદારી આ સંસ્થા પોતાના શીરે લેશે. આ સેવાનો લાભ લેવા શ્રીરામ ટ્રસ્ટ, બાપા સીતારામ ચોક, રૈયા રોડ, મો.૮૦૦૦૯ ૩૬૨૦૭ નો તા. ૧૪-૧૫ બે દિવસ સવારે ૧૧ થી સાંજે ૬ દરમિયાન સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:00 pm IST)