Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વાહ ભૈ વાહ... રાજકોટમાં વેકસીનનું આગમન થતા જ કોરોનાએ ધૂણવાનું બંધ કર્યુ

લાંબા સમય બાદ એકપણ મૃત્યુ નહીં: માત્ર ૨૦ કેસ

શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસ ૧૪,૩૬૪ નોંધાયા તથા ૧૩,૭૯૮ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૬.૦૫ ટકા થયોઃ શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૩૦૪ બેડ ખાલી

રાજકોટ, તા. ૧૩: શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં વધ-ઘટ થઇ રહ્યો છે ત્યારે આજે એક પણ   દર્દીઓનાં મૃત્યુ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જયારે શહેરમાં બપોર સુધીમાં ૨૦ કેસ નોંધાયા હતા. સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી  એક  પણ મૃત્યુ થયું નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૨નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૩ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં એક પણ મુત્યુ થયું નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૨૩૦૪ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૨૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૩૬૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૩,૭૯૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૬.૦૫ ટકા રિકવરી રેટ થયો છે.

જયારે આજ દિન સુધીમાં   ૫,૫૦,૮૯૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪,૩૬૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૦ ટકા થયો છે.

નવા ૫ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે નવલનગર, શારદા નગર, રામધામ સોસાયટી,આર્યનગર, ત્રિવેણી સોસાયટી સહિતના નવા ૫ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૨૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(3:41 pm IST)