Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કેકેવી ચોક-જડ્ડુસ-નાના મવા-રામાપીર ચોકડીએ ૨૩૯.૩૮ કરોડનાં ખર્ચે બ્રિજ બનશે

મ્યુ.કમિશ્નરે એજન્સી સાથે નેગોશિએસનમાં ૨ કરોડ ઓછા કરાવ્યાઃ શુક્રવારે સ્ટેન્ડીંગમાં દરખાસ્ત : કે.કે.વી ચોકમાં ૧૨૯.૫૩ કરોડનાં ખર્ચે સેકન્ડ લેવલ બ્રિજ, જડ્ડુસ ચોકડીએ ૨૮.૫૦ કરોડનાં ખર્ચે ઓવર બ્રિજ તથા નાનામવાએ ૪૧.૫૨ કરોડનાં ખર્ચે ઓવર બ્રિજ તથા રામાપીર ચોકડીએ ૪૦.૨૧ કરોડનાં ખર્ચે ઓવર બ્રિજ મહેસાણાની એક જ કંપની બનાવશે

રાજકોટ તા. ૧૨ : શહેરમાં હવે ટુંક સમયમાં નવા ૪ ઓવરબ્રીજ કુલ ૨૩૯.૩૮ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. જેના ટેન્ડરો પણ ફાઇનલ થઇ ગયા છે. તેમ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જાહેર કર્યું હતું.

શ્રી અગ્રવાલના જણાવ્યા મુજબ કે.કે.વી.ચોક, સેકન્ડ લેવલ બ્રીજ, જડુસ ચોકડી, નાના મોવા ચોક અને રામાપીર ચોકડી માટે મહેસાણાની રણજીત બિલ્ડકોન કંપનીએ ૪૦% ઉંચા ભાવે કોન્ટ્રાકટની ઓફર થયેલ આથી આ કોન્ટ્રાકટર સાથે ટેન્ડર મૂલ્યાંકન કમિટિએ નેગોશિએશન કરી અને ૦.૫૦ થી લઇ ૧.૨૫ ટકા સુધી ભાવો ઓછા કરાવતા કુલ ૨ કરોડ જેટલી રકમ કોન્ટ્રાકટરે ઓછી કરતા આ ચારેય બ્રીજનું કામ રણજીત બિલ્ડકોનને આપવા નિર્ણય લેવાયો છે. હવે આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં મંજુર થયા બાદ તુરંત જ ખાતમુહૂર્ત થશે.

આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે, શહેરમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરળ પરિવહનના ઉદેશને પરિપૂર્ણ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજય સરકારશ્રીના સહયોગથી નાનામવા સર્કલ, રામાપીર સર્કલ, કે.કે.વી. ચોક,કાલાવડ રોડ જડુસ પાસે ઓવરબ્રીજ બનાવવાના ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. આ વખત ેકાલાવડ રોડ પરનાં બે તથા ૧૫૦ ફુટ રોડ પરનાં બે બ્રિજનાં સંયુકત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા.

વધુમાં શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, ટેન્ડરની મુદ્દત પૂર્ણ થયા બાદ એલવન કંપની સાથે નેગોશિએશન કર્યું હતું. ચારેય બ્રીજ માટે ૪૦ ટકા ઓન આવ્યા હતા. જેમાં કેકેવી ચોકમાં ૦.૫૦ ટકા અને જડુસ, નાનામવા તથા રામાપીર ચોકડીએ થનાર બ્રીજના ૧.૨૫ ટકા ઓછા કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ રૂ. ૨ કરોડ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. શહેરના કાલાવડ રોડ પર બે અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર બે થનાર બ્રીજની વિગતો આ મુજબ છે.

કેકેવી ચોક ફલાય ઓવર બ્રિજ

કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે અંદાજે રૂ. ૧૨૯.૫૩ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાશે. બ્રિજની લંબાઈ ૧૧૫૨.૬૭ રનિંગ મિટર છે. કાલાવડ ગામ તરફ બ્રિજની લંબાઈ ૧૧૮.૭૩ મિટર અને કોટેચા ચોક તરફ ૧૨૪.૯૪ મિટર છે. આ ડીઝાઇન મુજબ કાલાવડ રોડ ઉપર પ્રીન્સેશ સ્કુલથી ફલાય ઓવર શરૂ થશે જે કે.કે.વી. ચોકના હયાત ફલાય ઓવરની ઉપરથી પસાર થશે અને સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ પાસે પૂરો થશે. આ નવો ફલાય ઓવરબ્રીજ ૧૫.૫૦ મીટર પહોળો અને ૧૧૦૦ મીટર લાંબો થશે. આ બ્રીજની બંને બાજુએ ૬-૬ મીટરનાં બે સર્વિસ રોડ બનાવાશે.

જડુસ ચોક

જયારે કાલાવડ રોડ પર જ જડુસ ચોક ખાતે અંદાજે રૂ. ૨૮.૫૨ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૩૭૦.૩૯ રનિંગ મિટર છે. કાલાવડ ગામ તરફ બ્રિજની લંબાઈ ૧૦૨.૭૬ મિટર અને કેકેવી હોલ તરફ ૯૨.૬૩ મિટર છે. આ બ્રિજ મોટા મવાથી શરૂ થઇ એ.જી. ચોક પાસે બ્રિજ પૂર્ણ થશે.

નાના મવા ચોક

૧૫૦ રિંગ રોડ પર નાના મવા ચોક ખાતે અંદાજે રૂ. ૪૧.૧૨ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. બ્રિજની લંબાઈ ૬૩૦ રનિંગ મિટર છે. બાલાજી હોલ તરફ બ્રિજની લંબાઈ ૧૬૭.૫૦ મિટર અને મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન ઓફિસ તરફ ૧૯૭.૫૦ મિટર છે. ટ્વીન સ્ટાર બિલ્ડિંગથી શરૂ થઇ રિલાયન્સ મોલ નજીક બ્રિજ પૂર્ણ થશે.

રામાપીર ચોક

૧૫૦ રિંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે અંદાજે રૂ. ૪૦.૨૧ કરોડ ના ખર્ચે ઓવરબ્રિજ બનવાનો છે. બ્રિજની લંબાઈ ૬૩૦ રનિંગ મિટર છે. શીતલ પાર્ક તરફ બ્રિજની લંબાઈ ૧૭૭.૫૦ મિટર અને નાણાવટી ચોક તરફ પણ ૧૭૭.૫૦ મિટર છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી શરૂ થઇ વિઝન ૨૦-૨૦ બિલ્ડિંગ નજીક બ્રિજ પૂર્ણ થશે.

(4:06 pm IST)