Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

કાલથી ફરી ઠંડીની અસર : શનિવારથી આકરો રાઉન્ડ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તા.૧૬થી ૨૦ જાન્યુઆરી સુધી ઉત્તર ભારતમાં ફરી બરફવર્ષા થશે : આજથી ઠંડીનો અહેસાસ થવા લાગશે : કાલથી તાપમાન ફરી નોર્મલ તરફ, તા.૧૮ થી ૨૧ સુધી કડકડકતી ઠંડીનો રાઉન્ડ આવશે, અમુક સેન્ટરોમાં કોલ્ડવેવ છવાશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૧ સુધીની આગાહી

રાજકોટ, તા. ૧૩ : ફરી ઠંડી ધ્રુજાવશે. ઠંડીનો આકરો રાઉન્ડ આવી રહ્યો છે. અમુક સેન્ટરોમાં તો કોલ્ડવેવ છવાશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે ગત આગાહી મુજબ આજે ઘણા વિસ્તારોમાં સવારે ઝાકળવર્ષા જોવા મળેલ. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેની અસરથી  ગઈકાલે અને આજે ઉત્તર ભારતના રાજયોમાં બરફવર્ષા અને વરસાદ પડેલ. જેની થોડી અસર સ્વરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક સેન્ટરોમાં સામાન્ય છાંટાછુટી જોવા મળી હતી. તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જે મુજબ આજે રાજકોટમાં ૧૮.૮ (નોર્મલથી ૬ ડિગ્રી ઉચું), અમદાવાદ - ૧૭.૫ (નોર્મલથી પાંચ ડિગ્રી ઉચું), અમરેલી - ૧૭.૬ (નોર્મલથી ૬ ડિગ્રી ઉચું) જયારે ઉચામાં ઉચું તાપમાન ભુજમાં ૧૦.૭ ડિગ્રી નોંધાયેલ. જે નોર્મલથી બે ડિગ્રી ઉચું ગણાય.

અશોકભાઈએ તા.૧૪ થી ૨૧ જાન્યુઆરી સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે, આજે દિવસ દરમિયાન વાતાવરણમાં ટાઢોડુ છવાયેલુ રહેશે. દિવસનંુ તાપમાન ફરી નોર્મલથી ઉચું આવી જશે. તા.૧૪ થી ૧૬ ફરી ન્યુનતમ તાપમાન નોર્મલ સુધી પહોંચી જશે. તા.૧૮ થી ૨૧ દરમિયાન ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં અમુક સેન્ટરોમાં તો કોલ્ડવેવનો માહોલ જોવા મળશે.

દરમિયાન તા.૧૬ આસપાસ ઉત્તર પાકિસ્તાન ઉપર ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેથી તા.૧૬ થી ૨૦ દરમિયાન ઉત્તર ભારતનાં પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને જમીની વિસ્તારોમાં વરસાદ પડશે.

બપોરના સમયે પવનનું જોર ઘટી જશે

કાલે સવારે મધ્યમ - બપોર બાદ મોજથી પતંગ ઉડાડજો

રાજકોટ : આવતીકાલે મકરસંક્રાંતિનો પર્વ હોય પતંગપ્રેમીઓ વ્હેલી સવારથી જ ધાબાઓ, અગાસીઓ ઉપર પતંગ ઉડાડવાની રજા માણશે ત્યારે આવતીકાલે સવારે ૭ થી ૧૦ કિ.મી. અને બપોરે ઓછો તેમજ સાંજના ૪ વાગ્યાથી ૧૦ થી ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આમ સવારે મધ્યમ અને બપોર બાદ પવનનું જોર રહેશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

(5:00 pm IST)