Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

આઝાદ ચોકમાં પેશાબ કરવા મામલે સશસ્ત્ર બઘડાટી બે ભાઇઓના પગ ભાંગી ગયા, સામે પણ બે ભાઇઓને ઇજા

ઢેબર રોડ શ્રમજીવી સોસાયટી ગોપાલનગરના આઝાદ ચોકમાં રવિવારે રાતે ભરવાડ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે તલવાર-પાઇપ-છરીથી ધમાલ : હસનવાડીના ફૂટવેરના ધંધાર્થી રોહિત ઉર્ફ સંદિપ ભરવાડ, તેના ભાઇ સુનિલ ડાભી અને વિજય ઉર્ફ વિશાલને ઇજાઃ સામા પક્ષના દિવ્યરાજસિંહ જાડેજા અને તેના ભાઇ શિવરાજસિંહ જાડેજા પણ ઘાયલ થયાઃ ભકિતનગર પોલીસે સામ-સામી ફરિયાદ નોંધીઃ સુનિલ જાહેરમાં પેશાબ કરવા ઉભો રહ્યો હોઇ તેને સમજાવતાં ડખ્ખો

રાજકોટ તા. ૧૩: ઢેબર રોડ ગોપાલનગર મેઇન રોડ પર શ્રમજીવી સોસાયટીના આઝાદ ચોકમાં જાહેરમાં પેશાબ કરવા ઉભા રહેલા ફૂટવેરના ધંધાર્થી ભરવાડ શખ્સને દરબાર યુવાને સમજાવી મારા મારી કરતાં આ યુવાને ફોન કરી તેના ભાઇઓને બોલાવતાં દરબાર શખ્સોએ ટોળકી રચી તલવાર-પાઇપથી હીચકારો હુમલો કરતાં બે ભરવાડ ભાઇઓના પગ ભાંગી ગયા હતાં અને એકને માથામાં ઇજા થઇ હતી. સામા પક્ષે દરબાર યુવાન અને તેના ભાઇ પર પણ ભરવાડ શખ્સોએ હુમલો કરી ઘાયલ કર્યાની ફરિયાદ નોંધાવાઇ છે.

ભકિતનગર પોલીસે આ બારામાં હસનવાડી મેઇન રોડ પર વાલકેશ્વર સોસાયટી-૧માં રહેતો સંદિપ ઉર્ફ રોહિત ખોડાભાઇ ડાભી (ઉ.૨૯) નામના ભરવાડ યુવાનની ફરિયાદ પરથી દિવ્યરાજસિંહ રઘુભા જાડેજા, તેના ભાઇ શિવરાજસિંહ, દિગરાજસિંહ જયેન્દ્રસિંહ હાડા, કુલદીપસિંહ જાડેજા, કાનો, રાજા ઉર્ફ રાજદિપસિંહ જાડેજા, રાજા નામનો અન્ય એક શખ્સ અને રઘુવીરસિંહ જાડેજા સામે ફરિયાદ કરતાં પોલીસે આઇપીસી ૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૪૩,૧ ૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

સંદિપ ઉર્ફ રોહિતે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને નવાગામમાં રાધિકા ફૂટવેર નામે ધંધો કરુ છું. રવિવારે હું તથા વિજય ઉર્ફ વિશાલ મુકેશભાઇ, વિક્રમ ખોડાભાઇ અને બીજા અમારા લત્તાના મિત્રો ભેગા થઇ શાક બનાવતાં હતાં. ત્યારે મારાથી મોટા ભાઇ સુનિલભાઇ ડાભીનો મને ફોન આવ્યો હતો કે તેને શ્રમજીવી સોસાયટીના આઝાદ ચોકમાં ઝઘડો થયો છે. જેથી હું તથા પરેશ કવાભાઇ ડાભી, વિજય ઉર્ફ વિશાલ ડાભી, વિક્રમ ડાભી એમ બધા ત્યાં જતાં મારા ભાઇ સુનિલભાઇનો શર્ટ ફાટી ગયેલો હતો અને તે નીચે પડેલા હતાં. અમે તેને શું થયું? તેમ  પુછતાં હતાં ત્યાં દિવ્યરાજસિંહ જાડેજા સહિતના શખ્સો ટોળકી રચીને આવ્યા હતાં અને અમારા પર તલવાર-પાઇપથી હુમલો કરતાં અને મારા પાર દિવ્યરાજસિંહે પાઇપથી હુમલો કરતાં મારા બંને પગ ભાંગી ગયા હતાં.

તેમજ શિવરાજસિંહે તલવારથી મારા ભાઇ સુનિલને પગમાં ઇજા કરતાં તેને ઘુંટણમાં ફ્રેકચર થઇ ગયું હતું. તેમજ માથામાં છરકો થયો હતો. દિગરાજસિંહે વિશાલ ઉર્ફવિજયને માથામાં ઇજા કરી હતી અને વિક્રમને જમણા હાથે ઇજા કરી હતી. કુલદીપસિંહે પાઇપથી ઘા કર્યા હતાં. બીજા શખ્સોએ ઢીકા-પાટુ મારી ગાળો દીધી હતી. માણસો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. એ દરમિયાન હુમલો કરનારા ભાગી ગયા હતાં.

સામા પક્ષે ભકિતનગર પોલીસે આ અંગે શિવ શકિત શરાફી મંડળી સામે આશાપુરા કૃપામાં રહેતાં દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી સુનિલ ડાભી, વિશાલ ડાભી, રોહિત ડાભી સામે ગુનો નોંધ્યો છે. દિવ્યરાજસિંહે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મુળ વડાળી ગામનો છું અને ખેતી કરુ છું. હાલ ગોપાલનગર મેઇન રોડ પર રહુ છું. રવિવારે રાતે દસેક વાગ્યે હું તથા સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને મારો ભાઇ શિવરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા એમ ત્રણેય જણા શ્રમીજીવી સોસાયટીમાં આઝાદ ચોકમાં બેઠા હતાં. ત્યારે સુનિલ ડાભી (ભરવાડ) અને રોહિત ડાભી તથા વિશાલ ડાભી એમ ત્રણ જણા આઝાદ ચોકમાં આવ્યા હતાં અને જાહેરમાં ચોકમાં પેશાબ કરવા ઉભા રહી ગયા હતાં. અમે તેને આ ચોકમાં પેશાબ કરવાની મનાઇ છે છતાં કેમ ઉભા છો? તેમ કહી સમજાવતાં ત્રણેયે ઉશ્કેરાઇ જઇ ગાળો દીધી હતી. ગાળો બોલવાની ના પાડતાં ત્રણેયે મને ઢીકા-પાટુનો માર માર્યો હતો. સુનિલે નેફામાંથી છરી કાઢી મારા વાંસામાં ઘા મારી દેતાં લોહી નીકળવા માંડ્યું હતું. એ દરમિયાન મારો ભાઇ શિવરાજસિંહ વચ્ચે પડતાં વિશાલે તેને પગમાં ધોકો ફટકારી દીધો હતો. અમને બંનેને સારવાર માટે મધુરમ્ હોસ્પિટલમાં ખસેડાયા હતા

મને તથા મારા ભાઇ સુનિલભાઇ તેમજ  મારા મોટા ભાઇ વિજયભાઇ ઉર્ફ વિશાલભાઇને પણ ઇજા થઇ હોઇ અમને દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઝઘડો શું કારણે થયો તેની મને ખબર નથી.  તેમ સંદિપ ઉર્ફ રોહિતે ફરિયાદમાં જણાવ્યું હતું. એએસઆઇ સુભાષભાઇ ડાંગર, હેડકોન્સ. ભરતસિંહ, મેહુલભાઇ સહિતે બંને ફરિયાદ નોંધી હતી. વધુ તપાસ આર.એન. સાંકળીયા અને સુભાષભાઇ ચલાવી રહ્યા છે.

(3:34 pm IST)