Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

રાજકોટમાં સવારે હળવો વરસાદ : ઠંડી ગાયબ

શહેરમાં અનેક સ્થળોએ છાંટા પડ્યા બાદ આકાશમાં પાખા વાદળો વચ્ચે તડકોઃ આવતીકાલે પણ વરસાદ પડશે? પતંગપ્રેમીઓ સાથે પતંગ-દોરા વેચનારાઓ પણ ચિંતામાં મૂકાયાઃ રાજકોટમાં આજે લઘુતમ તાપમાન ૧૮.૮ ડિગ્રી : નોર્મલથી ૯ ડિગ્રી ઉંચકાયુ

રાજકોટ, તા. ૧૩ : છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ઠંડી છુમંતર થઈ ગઈ છે. દરમિયાન આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ માવઠુ થયુ હતું. રાજકોટ શહેરમાં સવારે અનેક સ્થળોએ હળવા છાંટા પડ્યા બાદ આકાશમાં પાંખા વાદળો જોવા મળે છે. આવતીકાલે મકરસંક્રાંતિ પવૃ હોય જો વરસાદ પડે તો પતંગપ્રેમીઓને પતંગ ઉડાડવાની મજા બગડી જાય. તો સાથોસાથ પતંગ - દોરા વ્હેંચનારાઓ પણ ચિંતામાં મૂકાઈ ગયા છે.

રાજકોટ શહેરમાં આજે સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે સવારે ૧૫૦ ફૂટ રીંગ રોડ જાગનાથ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, મવડી સહિતના વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હતા. લોકોમાં ભારે કુતૂહલ ફેલાયુ હતું. તો ગત અઠવાડીયાના અંતમાં લોકો ઠંડીમાં થર થર ધ્રુજી ઉઠ્યા હતા. તો ગઈકાલથી ઠંડીમાં રાહત થઈ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પહાડી પ્રદેશોમાં બરફવર્ષા અને જમીની વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જેની સૌરાષ્ટ્ર - કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થોડી ઘણી અસર જોવા મળી રહી છે. આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ થઈ જવાની સંભાવના છે.

દરમિયાન રાજકોટમાં આજે લઘુતમ તાપમાન ૧૮.૮ ડિગ્રી નોંધાયુ છે. જે નોર્મલથી ૬ ડિગ્રી ઉંચકાયુ છે. ઠંડી બિલકુલ ગાયબ થઈ ગઈ છે. તડકો નીકળ્યો છે. ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન જો આવતીકાલે પણ માવઠુ થાય તો પતંગ પ્રેમીઓને પતંગ ઉડાડવાની મજા બગડી જાય.

(11:09 am IST)