Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

શાપરમાંથી એમપીના શખ્સને રૂરલ એસઓજીએ ગાંજા સાથે દબોચી લીધોઃ સપ્લયાર સુરતનો જીતુ

એસ. પી. બલરામ મીણાની રાહબરીમાં ટૂંકા ગાળામાં જ નારકોટીકસની વધુ એક કામગીરીઃ અગાઉ ગાંજો, ચરસ, હેરોઇન ઝડપી લેવાયું હતું: પી.આઇ. એમ. એન. રાણા અને ટીમ હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી દરોડો પાડ્યોઃ ૨ કિલો ૭૫૦ ગ્રામ ગાંજો કબ્જેઃ રાજકુમાર પોતે જ્યાં રહે છે ત્યાં ઝાડ નીચે ખાડો ખોદી તેની અંદર ડબ્બો રાખી તેમાં ગાંજો છૂપાવતો હતોઃ આ ડબ્બો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૨: રૂરલ એસઓજીની ટીમે ટૂંકા ગાળામાં જ નારકોટીકસને લગતો વધુ એક કેસ શોધી કાઢ્યો છે. રૂરલ એસપી તરીકે બલરામ મીણાએ ચાર્જ સંભાળ્યા પછી રૂરલ એસઓજીએ ગાંજો, ચરસ અને હેરોઇનના ગુના શોધી કાઢ્યા બાદ વધુ એક વખત ગાંજા સાથે એક શખ્સને દબોચ્યો છે. શાપર વેરાવળમાં પીએસ પ્લાયવૂડ લેબર કવાર્ટર પાછળ રહેતાં મુળ એમપીના રીવા જીલ્લાના અતરૈયા તાબેના કરવાલ પુરવા ગામના વતની રાજકુમાર રામવિલાશ પટેલ (કુર્મી) (ઉ.૪૭)ને રૂ. ૧૯૨૫૦ના ૨કિલો૭૫૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી લેવાયો છે.

હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. પી.આઇ. એમ. એન. રાણા, પીએસઆઇ વાય. બી. રાણા, હેડકોન્સ. વિજયભાઇ ચાવડા, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નિરંજની, કોન્સ. દિનેશભાઇ ગોંડલીયા, મયુરભાઇ વીરડા, ડ્રાઇવર સાહિલભાઇ ખોખર સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

ઝડપાયેલો શખ્સ રાજકુમાર છુટક કામ કરે છે અને સાતેક વર્ષથી શાપરમાં રહે છે. તે ગાંજો વેંચતો હોવાની અને ઘરના ફળીયામાં આવેલા ઝાડ નીચે ખાડો ખોદી તેમાં ડબ્બો ફીટ કરી એ ડબ્બામાં ગાંજો છુપાવી રાખતો હતો. આ ગાંજો તે સુરતના જીતુ નામના શખ્સ પાસેથી લાવ્યાનું રટણ કરતો હોઇ વિશેષ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. (૧૪.૭)

(11:50 am IST)