Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

શીખ સમાજ દ્વારા ધર્મોત્સવ : નગરકિર્તન યાત્રામાં વાહે ગુરૂનો નાદ ગુંજશે

નાનક આયા, નાનક આયા, કલ તારન ગુરૂ નાનક આયા, જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ... : શ્રી ગુરૂનાનક સાહેબજીના ૫૫૦માં પ્રકાશ પર્વની ઉજવણી અંતર્ગત શનિવારે નગરકિર્તનયાત્રા રાજમાર્ગો ઉપરથી નીકળશેઃ પંજાબના શીખોના બેન્ડ સાથે 'નરસીંગા' વાજીંત્ર આકર્ષણ જમાવશે : ગતકા માર્શલ આર્ટના કરતબો બતાવાશે

ઉપરોકત તસ્વીરમાં શીખ સમાજના આગેવાનો શ્રી ઈન્દ્રજીતસિંઘ ઈશ્વરસિંઘ, શ્રી જશબીરસિંઘ (અમેરીકા), શ્રી ભગતસિંઘ ઈશ્વરસિંઘ, શ્રી હિંમતસિંઘ ઈશ્વરસિંઘ, શ્રી હરીસિંઘ ઈશ્વરસિંઘ, સુપ્રસિદ્ધ કિર્તનકાર સરબજીતસિંઘ રંગીલા, શ્રી શૈલેષભાઈ પંડ્યા અને શ્રી મનજીતસિંઘ ઈન્દ્રજીતસિંઘ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૨ : સેવા સીમરન સોસાયટી શ્રી ગુરૂનાનક સેવા મંડળ રાજકોટ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબના ૫૫૦માં પ્રકાશ પર્વની ઉજવણી અંતર્ગત તા.૧૪ના રવિવારે કિર્તન - કથાના કાર્યક્રમનું અને શીખગુરૂઓની વિચારધારા, ધાર્મિક યોગદાન, ત્યાગ, બલિદાન દર્શાવતા ચિત્ર પ્રદર્શનનું આયોજન ચૌધરી હાઈસ્કુલ મેદાન ખાતે કરવામાં આવેલ છે.

નગરકિર્તન (શોભાયાત્રા - રથયાત્રા) તા.૧૪ના શનિવારે બપોરના બે વાગ્યાથી ચૌધરી હાઈસ્કુલ મેદાનથી શરૂ થશે. બાદમાં હરીહર ચોક, લીમડા ચોક, સૌરાષ્ટ્ર એમ્પોરીયમ ચોક, ત્રિકોણબાગ, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક) બહુમાળી ભવન ચોક, ધરમ સિનેમા ચોક થઈ પુનઃ ચૌધરી હાઈસ્કુલ મેદાનમાં આવશે. જયાં સાંજે ૭ વાગ્યાથી ૧૦ સુધી કિર્તન કથા કરવામાં આવશે.

આ શોભાયાત્રામાં રાજકોટ શહેરનાં  પ્રજાજનોએ કયારેય નિહાળેલ ન હોય તેવુ અમૃતસર (પંજાબ)ના શીખોનું ખાસ બેન્ડ આકર્ષક પોશાકમાં વિશિષ્ટ પ્રકારના વાજીંત્રો સાથે જોડાશે, ખાસ કરીને 'નરસીંગા' નામનું વાજીંત્ર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ નગરકિર્તનમાં અમદાવાદના૩૦ શીખ યુવાનો અને યુવતીઓની ટીમ ગતકા માર્શલ આર્ટના કરતબ બતાવશે. જે પણ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

નગરકિર્તનના રૂટ પર વિવિધ સામાજીક- ધાર્મિક - વેપારી - જ્ઞાતિકીય મંડળો તરફથી ઠેર-ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત થશે તથા પાણી - શરબત વગેરેની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

આ નગરકિર્તનમાં રાજકોટ શહેર, રાજકોટ જીલ્લા ઉપરાંત બાંટવા, કુતીયાણા, માણાવદર, મોરબી, જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીધામ (કચ્છ) વગેરે શહેર / જીલ્લાની સંગત આશરે ૨૫ થી ૩૦ હજારની સંખ્યામાં જોડાશે.

નગરકિર્તનમાં આ નાદ ગુંજી ઉઠશે. નાનકઆયા, નાનક આયા, કલ તારન ગુરૂનાનક આયા, જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ વાહે ગુરૂજી કા ખાલશા, વાહે ગુરૂજી કી ફતેહના નાદથી સમગ્ર શહેર ગુંજી ઉઠશે.

આ ધાર્મિક મહોત્સવ દરમિયાન અમેરીકા (ન્યુયોર્ક)ના ગુરૂદ્વારાના સંચાલન કરતા અને જેમના કંઠે કિર્તન સાંભળવા એ એક લ્હાવો કહેવાય છે તેવા સુપ્રસિદ્ધ કિર્તનકાર શ્રી રંગીલાજી ખાસ ઉપસ્થિત રહી અને કથા - કિર્તનનો લાભ સંગતને આપશે. સાથોસાથ ગુણીજ્ઞાની કથા વાંચકો અને નાના બાળકો પણ કિર્તન કરશે.

શીખ ટીવી ચેનલ દ્વારા પ્રસારણ

શીખ ટીવી ચેનલ દ્વારા આ કથા કિર્તન કાર્યક્રમનું યુ ટ્યુબ અને ફેસબુક પર સમગ્ર રાષ્ટ્રમાં પ્રસારણ કરવામાં આવશે. જેથી કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત સંગત સિવાય સમગ્ર રાષ્ટ્રની સંગત પણ ઘર બેઠે કિર્તનનો લાભ લઈ શકશે.

આ ધાર્મિક કાર્યક્રમમાં બાબા લખાસિંઘજી (કોટાવાલે), બાબા હરજીતસિંઘજી (ભરૂચ), પરમજીતસિંઘજી પરમ શ્રી ગુરૂ દ્વારા પ્રબંધક કમીટી - અમૃતસર ધર્મ પ્રચાર કમીટી ગુજરાત ઈન્ચાર્જ, શ્રીમતી પરમજીત કૌર છાબડા - અધ્યક્ષ ગુજરાત માઈનોરીટી ફાયનાન્સ એન્ડ ઈન્ચાર્જ, શ્રીમતી પરમજીત કૌર છાબડા - અધ્યક્ષ ગુજરાત માઈનોરીટી ફાયનાન્સ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન સહિત ગુણીજ્ઞાની કથા વાચકો, કિર્તનકારો વગેરે ઉપસ્થિત રહેનાર છે. તેમજ રાજકોટ શહેર - જીલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતના જુદા જુદા શહેર - જીલ્લામાંથી આશરે ૩૦ થી ૪૦ હજારની સંખ્યામાં સંગત ઉપસ્થિત રહેશે અને કથા - કિર્તન - લંગર પ્રસાદનો લાભ લેશે.

ચૌધરી હાઈસ્કુલ મેદાન ખાતે લંગર પ્રસાદ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે તા.૧૪ના શનિવાર સવારથી શરૂ થશે અને તા.૧૫ના રવિવાર રાત્રી સુધીમાં અવિરતપણે ચાલુ રહેશે. લંગર પ્રસાદનો લાભ લેવા પણ નગરજનોને વિનંતી કરાઈ છે.

ગુરૂગ્રંથ સાહેબ માટે વિશિષ્ટ પ્રકારનો રથ

રાજકોટ : ગુરૂગ્રંથસાહેબ માટે વિશિષ્ટ પ્રકારનો રથ બનાવવામાં આવેલ છે. જે રથમાં ગુરૂગ્રંથસાહેબને પવિત્રતાપૂર્વક રાખવામાં આવશે. તેમ શીખ સમાજના આગેવાનોએ જણાવ્યુ હતું.

માર્ગ ઉપર ગંદકી ન થાય તે માટે સ્વયંસેવકોની ટીમની સેવા

રાજકોટ : નગરકિર્તન દરમિયાન નગરજનોને અડચણ ન થાય અને ગંદકી ન થાય તે માટે સ્વયંસેવકોની ટીમ બનાવવામાં આવેલ છે તેઓ દ્વારા આ બાબતે ખાસ કાળજી લેવામાં આવશે.

ચિત્ર પ્રદર્શનમાં શિખ ધર્મગુરૂઓના ઈતિહાસ રજૂ કરાશે

રાજકોટ :  અત્રેના ચૌધરી હાઈસ્કુલના મેદાનમાં ચિત્ર પ્રદર્શન માટે ૨૦ હજાર ફૂટનો ખાસ ડોમ બનાવાયો છે. જેમાં શીખ ધર્મગુરૂઓ - ગુરૂનાનકદેવ, ગુરૂ ગોવિંદસિંહજી, ચાર શાહબજાદે, ગુરૂ ગ્રંથ સાહેબ, સંતો, શહીદો, સુરમાવો, ભકતોના ત્યાગ, બલિદાન, ધાર્મિક યોગદાન, વિચારધારાથી અને ઈતિહાસથી ભકતજનો, શ્રદ્ધાળુઓ, આમ પ્રજાજનો ખાસ કરીને બાળકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ વાકેફ થાય તે માટે આકર્ષક પ્રકારની ચિત્ર પ્રદર્શની બનાવવામાં આવેલ છે. જેમાં શીખગુરૂઓ, ભકતોના પુરા કદના ફોટોગ્રાફ તથા ગુજરાતી ભાષામાં વર્ણવવામાં આવેલ છે. આ ચિત્ર પ્રદર્શનનો લાભ લેવા નગરજનોને અપીલ કરાઈ છે.

ચૌધરી હાઈસ્કુલ મેદાનમાં કિર્તન - કથા માટે ૩૦ હજાર ફૂટનો વિશાળ ડોમ બનાવાયો

રાજકોટ :  ચૌધરી હાઈસ્કુલ મેદાનમાં સંગત ને કથા - કિર્તન શ્રવણ કરવામાં સુગમતા રહે તે માટે ૩૦ હજાર ફૂટનો ખાસ ડોમ (દરબાર સાહેબ હોલ) બનાવવામાં આવેલ છે અને વિશાળ કદના એલઈડી પણ ગોઠવવામાં આવનાર છે. આ ઉપરાંત ચિત્ર પ્રદર્શન માટે ૨૦ હજાર ફૂટનો ડોમ બનાવવામાં આવ્યાનું જણાવાયુ હતું.

ચૌધરી હાઈસ્કુલના મેદાનમાં બે દિ' કાર્યક્રમો સુપ્રસિદ્ધ કિર્તનકાર સરબજીતસિંઘ રંગીલા ભકિતરસ પીરસશે

 શીખ સમાજના ધાર્મિક વડાઓની પ્રેરક ઉપસ્થિતિ

 બે દિવસ લંગરપ્રસાદ અવિરતપણે ચાલુ રહેશે

 ચિત્ર પ્રદર્શનમાં શીખ સમાજનો ઈતિહાસ પ્રસ્તુત થશે.

(4:15 pm IST)