Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

રાજકોટનાં પ્રત્યેક મકાનોનો કાલથી ડોર-ટુ-ડોર સર્વે

આર.એસ.ડી.એલ અને બી.એસ.અને.એલની એજન્સીને કામગીર સુપ્રત : શહેરની તમામ કોમર્શીયલ અને રેસીડેન્સીયલ મીલ્કતોનું મ્યુ. કોર્પોરેશન રજીસ્ટ્રેશન કરી ટેગીંગ કરશેઃ સ્માર્ટ સીટીના GIS પ્રોજેકટ હેઠળ શહેરની પ્રત્યેક મીલ્કતો અને પાણી લાઇન, ટેલીફોન કેબલ, ગટર, વીજલાઇનો, ગેસ લાઇનોનો ડીજીટલ નકશો તૈયાર કરવા કમર કસતાં મ્યું કમિશનર ઉદીત અગ્રવાલ

રાજકોટ,તા.૧૨:  શહેર ને સ્માર્ટ સિટી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્માર્ટ સોલ્યુશનનું અમલીકરણ કરવામાં આવે છે. આ કામગીરીના ભાગરૂપે આવતીકાલથી તા.૧૩ના રોજથી GIS પ્રોજકટ અંતર્ગત મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ રહેણાક તેમજ વાણીજય હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતી મિલકતોનો ડોર – ટુ – ડોર સર્વે કરી આ તમામ મિલકતોનું Geo Tagging કરવામાં આવશે. સાથોસાથ શહેરના વિવિધ માર્ગો અને શેરીઓમાં અન્ડરગ્રાઉન્ડ પથરાયેલી તમામ યુટિલિટી સર્વિસીઝનો સર્વે શરૂ કરી દેવામાં આવેલ હોવાનું મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ મેગા પ્રોજેકટ વિશે વિસ્તૃત જાણકારી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, મિલકતોનો ડોર – ટુ – ડોર સર્વેનો મુખ્ય હેતુ મહાનગરપાલિકાની હદમાં આવતી તમામ મિલકતોના અક્ષાંશ અને રેખાંશ નક્કી કરી તેને રાજકોટ શહેરના નકશા પર ચોકકસાઈપૂર્વક દર્શાવવામાં આવશે. રાજકોટ વિસ્તારના આ નકશાનો ઉપયોગ ભવિષ્યની ઞ્ત્લ્ સેવાઓ કે જે રાજકોટ મહાનગરપાલિકાને મિલકતોની વિગતો જોવા, એનેલાઈઝ કરવા તેમજ યુટીલાઈઝ કરવામાં ઉપયોગી થશે. આ ડેટાના આધારે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવનાર સુવિધાઓ વધુ સચોટ રીતે અમલ કરી શકાશે તેમજ આ વિગતો મિલકત વેરા સાથે લીંક થતાં પારદર્શિતા વધશે તેમજ આ તમામ માહિતી શહેરીજનો ભવિષ્યમાં GISના સિટીઝન પોર્ટલ પર પણ જોઈ શકશે.

BSNL અને Amnex Infotechnologies Private Limited (AIPL), આ બન્ને એજન્સીઓ દ્વારા ડોર – ટૂ – ડોર સર્વે કરી શહેરની તમામ મિલકતોનું Geo Tagging કરવામાં આવશે. આ સર્વે દરમ્યાન તમામ મિલકતો પર સર્વેયર દ્રારા રૂબરૂ જઈ મિલ્કતોની વિગતોની ચકાસણી કરવામાં આવશે તેમજ તેના માલિકોની વિગતો મેળવવામાં આવશે અને મિલકત ના અક્ષાંશ અને રેખાંશ ની વિગતો તેમની પાસે રહેલ મોબાઈલમાં મોબાઈલ એપ દ્વારા નોધવામાં આવશે.

સર્વેયર દિવસના ભાગે મિલકતની મુલાકાંત લેશે તેમજ તેઓ પાસે વેલીડ આઈ કાર્ડ હશે તેના પર BSNL તેમજ RSCDLના અધિકારીઓની સહી તથા સિક્કો હશે. આ સર્વે તા ૧૩-૧૨-૨૦૧૯ થી શરૂ થશે. રાજકોટ શહેર ના તમામ નાગરીકોને વિનંતી કરવામાં આવે છે કે જયારે સર્વેયર ડોર-ટુ-ડોર મિલકતોનો સર્વે કરવા આવે ત્યારે તેને સહકાર આપવા તેમજ તેના દ્વારા માંગવામાં આવતી તમામ જરૂરી માહિતીઓ આપવા મ્યુનિ. કમિશનરશ્રીએ જાહેર હાર્દિક અપીલ કરી છે.

અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઝનો સર્વે

દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અન્ય એક GIS સર્વે શરૂ કરી દેવામાં આવેલ છે જેમાં શહેરના વિવિધ માર્ગો અને શેરીઓમાં અન્ડરગ્રાઉન્ડ પથરાયેલી તમામ યુટિલિટી સર્વિસીઝને આવરી લેવામાં આવેલ હોવાનું જણાવી મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું કે, રસ્તાની નીચે મહાનગરપાલિકાની પાણી અને ડ્રેનેજ લાઈન ઉપરાંત ગેસ, બી.એસ.એન.એલ. તથા પી.જી.વી.સી.એલ.ની લાઈનો બિછાવવામાં આવેલી છે. ભવિષ્યમાં રસ્તાના કામ કે અન્ય નાના મોટા પ્રોજેકટના કામો વખતે રસ્તા ખોદવાની જરૂર પડે ત્યારે આ જી.આઈ.એસ. સર્વેની મદદથી તૈયાર કરવામાં આવેલા યુટિલિટી સર્વિસીઝના ડેટાના આધારે મહાનગરપાલિકા જે તે કામ કરનારી એજન્સીને યુટિલિટી સર્વિસીઝ વિશે અગાઉથી જ માહિતી આપી શકશે. જેથી યુટિલિટી સર્વિસીઝને કોઈ પ્રકારે નુકસાન ના થાય અને જે તે સેવા પણ ડીસ્ટર્બ ના થાય. ભવિષ્યના તમામ પ્લાનીંગમાં ઉપરોકત બંને જી.આઈ.એસ. સર્વે રાજકોટ મહાનગરપાલિકાને ખુબ જ આશીર્વાદરૂપ પૂરવાર થશે.

સર્વેયર દ્વારા મિલકતના સ્થળે મિલકતધારકો પાસેથી ડોર – ટૂ – ડોર

સર્વે દરમ્યાન આ દસ્તાવેજો મંગાશે

- મિલકતવેરા/વ્યવસાય વેરાનું બીલ અથવા રસીદ

- પાણી ચાર્જનું બીલ અથવા રસીદ

- મિલ્કતધારકનું નામ/જન્મતારીખ/મોબાઈલ નંબર/ ઈમેલ આઈ.ડી.

- ભાડૂઆતની વિગત

- શોપ-એકટ લાઇસન્સની વિગત

- લાઈટ બીલ

- રેવન્યુ સર્વે નંબર / સિટી સર્વે નંબર / ટી પી ફાઈનલ પ્લોટ નંબર

- મિલકતને લગત અન્ય કાગળો જેવા કે બાંધકામ પરવાનગી / વપરાશ પરવાનગી

(3:50 pm IST)