Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

રાજકોટમાં ફલેગ ઓફ યુનિટીઃ કલેકટર વર્લ્ડ રેકોર્ડ સર્જશે

રાજપીપળાના વિરાજબેનને ઓર્ડર અપાશેઃ જેમણે યુએઇમાં ૯.૪ ફુટનો ફલેગ બનાવ્યો છેઃ કલેકટર ૧૦ ફુટનો ફલેગ બનાવશે : ર૬ મી જાન્યુઆરી અનુલક્ષી જબરદસ્ત કાર્યક્રમઃ રાજકોટના બાળકો-લોકો-અધિકારીઓ જોડાશેઃ ૬૦ થી ૭૦ હજાર કાગળના ટુકડા જોડી ઓરીગેમીન પ્રક્રિયાથી ફલેગ બનવાશે : ફલેગ યુનીટીમાં અશોક ચક્ર સાથે ત્રીરંગો બનાવી સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે ખાસ રખાશે : કાગળના ટુકડા એવી રીતે વળાશે અને એક પછી એક 'કડી' બનાવી ફલેગ બનશેઃ કોઇ વસ્તુનો ઉપયોગ નહી : તા.પ જાન્યુઆરીથી ફલેગ બનાવવાનું શરૂ

રાજકોટમાં ફલેગ ઓફ યુનીટી દ્વારા ભારતનો ત્રીરંગો બનાવાશે. કલેકટરે આજે કાગળની ઘડી સાથે નિર્દેશન કર્યુ હતું તે નજરે પડે છે.

રાજકોટ, તા., ૧રઃ રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ર૬ મી જાન્યુઆરીની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કલેકટર તંત્ર ફલેગ ઓફ યુનીટી-રાષ્ટ્રધ્વજનું નિર્માણ, મંડલ જનસેવા કેન્દ્રનું ઉદઘાટન અને પાંચ દિવસનો હસ્તકલા પર્વ એમ ત્રણ મોટા કાર્યક્રમ કરવા જઇ રહયું છેે. કલેકટરશ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે રાજકોટમાં ફલેગ ઓફ યુનીટીનો જબરદસ્ત કાર્યક્રમ થશે. યુવા ફલેગ ઓફ યુનીટીમાં અશોક ચક્ર સાથેના રાષ્ટ્રધ્વજ-ત્રીરંગાનું નિર્માણ થશે અને તેની લંબાઇ ૧૦ ફુટની રહેશે અને તે સાથે વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાશે.

કલેકટરે જણાવેલ કે રંગબેરંગી કાગળો કોઇ પણ ચીપકુ વસ્તુની સહાય વગર એકબીજાની કડી-વણાંક આપી જોડી ત્રીરંગાનું નિર્માણ થશે. આવો ફલેગ યુનાઇટેડ આરબ અમીરાતમાં છે. જે ૯.૪ ફુટનો છે. આ ફલેગ મુળ રાજકોટના પણ હાલ રાજપીપળામાં રહેતા વિરાજબેને બનાવ્યો છે.

રાજકોટમાં ૧૦ ફુટનો ઓરીગેમીન પધ્ધતીથી સફેદ-કેસરી-લીલા કલરના કાગળથી ભારતનો ત્રીરંગો રાજપીપળાના વિરાજબેન જ બનાવશે. જે તા.પ મીથી શરૂ કરશે આ માટે ઓર્ડર અપાઇ ગયો છે.

કલેકટરે જણાવેલ કે આ વિશાળ ૧૦ ફુટનો ફલેગ બનાવવા રાજકોટના વિદ્યાર્થીઓ-લોકો-અગ્રણી નાગરીકો-સંસ્થાઓની મદદ લેવાશે. લગભગ ૬૦ થી ૭૦ હજાર કાગળના ટુકડાની મદદથી ફલેગ બનાવાશે.

આ ફલેગ સંભવતઃ કલેકટર કચેરીમાં કલા સ્ટેશન કે અન્યત્ર સ્થળે બનાવાશે અને તેનું ધમાકેદાર લોકાપર્ણ બાદ આ ફલેગ રાજકોટમાં કલેકટર કચેરી ખાતે અથવા તો નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે મોકલી દેવાશે.

ફલેગ બની જશે એટલે તેની ફ્રેમ બનાવી દેવાશે. જેથી લાંબો સમય સુધી તેની જાળવણી થઇ શકશે. ર૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી સંદર્ભે રાજકોટમાં આ એક ઐતિહાસિક યાદગાર ઘટના બની જશે.

(3:26 pm IST)