Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

નિર્મલા સ્કુલમાં સાંસ્કૃતિક વાર્ષિકોત્સવ : દીકરીઓ દ્વારા કલા પ્રસ્તુત

કે.જી.થી ધો.૧૨ની વિદ્યાર્થીનીઓ દ્વારા નૃત્ય - નાટકો - ગીતો પીરસાયા : વાલીઓ - મહેમાનો મંત્રમુગ્ધ : નિર્મલા પરિવાર ઉપર અભિનંદનવર્ષા

રાજકોટ : નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં વિદ્યાર્થિનીઓએ વાલીગણ  માટે સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ બોલાવી  હતી. કે.જી. થી ધો.૧૨ની વિદ્યાર્થિનીઓએ મૂલ્યપ્રેરિત નૃત્યો, નાટકો અને ગીતો સાથે વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતાં. જેમાં ભારતીય સંસ્કૃતિ સાથે પશ્ચિમી સંસ્કૃતિની પણ ઝાંખી જોવા મળી હતી.  આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ (આઈ એ એસ) હાજર  રહ્યા હતાં. તેમજ  મુખ્ય મહેમાન તરીકે શ્રી  બિશપ જોસ ચિટુપરમબિલ ઉપસ્થિત રહ્યા હતા. જયારે બીજા દિવસે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર. એસ. ઉપાધ્યાય અને શ્રી નરેન્દ્ર ધાંધલ (ડેપ્યુટી અધિકરી કલેકટર (ઈલેકશન))એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સીપાલ  સિસ્ટર સીની જોસેફ, મેનેજમેન્ટ, તેમજ શિક્ષકો અને સમગ્ર નિર્મલા પરિવારે જહેમત ઉઠાવી હતી. પ્રિન્સીપાલ શ્રી, મેનેજમેન્ટ , શિક્ષકો અને વિદ્યાર્થિનીઓનાં સહયોગથી થયેલાં આ સફળ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તથા વાલીગણ દ્વારા નિર્મલા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

(1:28 pm IST)