Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

મનહરપુરમાં હૂમલામાં ઘાયલ ભૂપતનું મોતઃબનાવ હત્યામાં પલ્ટાયો

સોમવારે સાંજે રિક્ષા પાર્ક કરવાની જૂની માથાકુટનો ખાર રાખી જયદિપ હુંબલ સહિત ૧૧ જણાએ સશસ્ત્ર હુમલો કર્યો હતો : ટોળકીએ ધોકા-પાઇપ-તલવાર-છરીઓથી તૂટી પડી ભૂપતના હાથ-પગ ભાંગી નાંખ્યા'તાઃ ઘર-રિક્ષામાં પણ તોડફોડ કરી'તીઃ યુવાને સવારે ચાર વાગ્યે અમદાવાદમાં દમ તોડ્યો : ભૂપતભાઇની હત્યાથી જાખલીયા (કોળી) પરિવારમાં કલ્પાંતઃ બે દિકરીઓએ પિતાની છત્રછાંયા ગૂમાવી : યુનિવર્સિટી પોલીસે ભૂપત જાખેલીયાની ફરિયાદ પરથી જયદિપ હુંબલ, પ્રકાશ હુંબલ, વિભાભાઇ હુંબલ, જીતો હુંબલ, જીતાનો ભાઇ, અશ્વિન, આનંદ, અરશી, મેરૂ, ભરત અને એક ભરવાડ શખ્સ સામે રાયોટીંગ-હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતોઃ પ્રકાશ હુંબલની ધરપકડ, રિમાન્ડ પરઃ જયદિપ અને જીતુ દાખલ તેના પર પોલીસ પહેરો

ભૂપતભાઇ રાજકોટ સારવારમાં હતો ત્યારની તસ્વીર અને ઇન્સેટમાં તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે.

રાજકોટ તા. ૧૨: જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મનહરપુર-૧માં રહેતાં રિક્ષાચાલક કોળી યુવાન ભૂપતભાઇ સોમાભાઇ જાખલીયા (ઉ.૩૬)ના ઘર પર સોમવારેે મનહરપુરના જ આહિર જયદિપ વીભાભાઇ હુંબલ સહિત ૧૧ જણાએ તલવાર, ધોકા, છરીઓ, પાઇપ સહિતના હથીયારો સાથે ધસી જઇ આતંક મચાવી ભૂપતભાઇના બંને હાથ અને બંને પગ ભાંગી નાંખતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો. ત્યાં આજે વહેલી સવારે ચારેક વાગ્યે તેણે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. યુનિવર્સિટી પોલીસે રાયોટીંગ, હત્યાની કોશિષનો ગુનો નોંધી એક શખ્સની ધરપકડ કરી હતી. બે આરોપી સારવારમાં હોઇ તેના પર પોલીસ પહેરો રાખ્યો છે.

હીચકારો હુમલો થયો ત્યારે પૂત્ર ભૂપતભાઇને  બચાવવા આવેલા તેના માતા કાંતાબેન સોમાભાઇ જાખલીયા (ઉ.૬૫)ને પણ મારકુટ કરી ઘરમાં અને રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી.  ત્રણેક મહિના પહેલા રિક્ષા પાર્ક કરવા મામલે ભૂપતભાઇ સાથે આહિર શખ્સને થયેલી ચડભડનો ખાર રાખી આ હુમલો કરાયાનું સામે આવતાં પોલીસે હુમલામાં ગંભીર રીતે ઇજા પામનાર ભૂપતભાઇની  ફરિયાદ પરથી મનહરપુરના જયદિપ વિભાભાઇ હુંબલ, પ્રકાશ વિભાભાઇ હુંબલ, વિભાભાઇ હુંબલ, જીતો કાનાભાઇ હુંબલ, જીતાનો નાનો ભાઇ, અશ્વિન ખેંગારભાઇ આહિર, આનંદ ખેંગારભાઇ આહિર, અરશી આહિર, મેરૂ આહિર, ભરત હકાભાઇ બહોકીયા, જયદિપના ઘર સામે રહેતાં ભરવાડ શખ્સ મળી અગિયાર જણા સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૪૫૨, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો.

આ ગુનામાં પોલીસે પ્રકાશ વિભાભાઇ હુંબલ (ઉ.૨૪-રહે. મનહરપુર-૧)ની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પુછતાછ આદરી હતી. બીજી તરફ અન્ય બે આરોપી જયદિપ હુંબલ અને જીતુ હુંબલ પણ પોતાના પર હુમલો થયાની રાવ સાથે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોઇ તેના પર પોલીસે પહેરો મુકયો છે. રજા અપાયે તેની ધરપકડ થશે. અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યાં આજે વહેલી સવારે અમદાવાદ સારવારમાં રહેલા ભૂપતભાઇએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમતાં યુનિવર્સિટી પી.આઇ. આર. એસ. ઠાકર, રાઇટર ગિરીરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ અમદાવાદ કાર્યવાહી માટે જવા નીકળ્યો હતો.

હીચકારા હુમલમાં ભૂપતભાઇના બંને હાથ-બંને પગ ભાંગી ગયા હતાં. જેથી વધુ સારવાર માટે રાજકોટથી અમદાવાદ ખસેડાયો હતો. પોલીસ તપાસમાં અગાઉ ખુલ્યું હતું કે ત્રણેક મહિના પહેલા ભૂપતભાઇએ પોતાના ઘર પાસે રિક્ષા પાર્ક કરી હતી એ રિક્ષા ત્યાં પાર્ક કરવાની જયદિપ હુંબલે ના પાડી ઝઘડો કર્યો હતો. તે વખતે ફરિયાદ કરી હોઇ ત્યારથી પોતાની સાથે જયદિપ મનદુઃખ રાખતો હતો. પોતે મકાન ખાલી કરી ભાગી જાય એ હેતું તે સતત હેરાન કરતો હતો. ત્યાં ૯મીએ સોમવારે સાંજે પણ જયદિપ નીકળ્યો હતો અને ફરીથી  'તને ના પાડી છતાં શું કામ રિક્ષા પાર્ક કરે છે?' તેમ કહી ફરીથી ઝઘડો અને ગાળાગાળી કર્યા હતાં.

એ પછી ભૂપત ઘરમાં જતો રહ્યો હતો. થોડીવાર બાદ જયદિપ ટોળકી રચીને આવ્યો હતો અને તલવાર, છરી, પાઇપ, ધોકા સાથે ઘરમાં ઘુસી જઇ ભૂપત પર તૂટી પડી તેના બંને હાથ અને બંને પગ ભાંગી નાંખ્યા હતાં. તેમજ શરીરે ઇજાઓ કરી હતી. તેના માતા કાંતાબેન સોમાભાઇ જાખેલીયા (ઉ.૬૫) વચ્ચે પડતાં તેને પણ ટોળાએ મારકુટ કરતાં તેમને પણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ટોળકીએ બેફામ ધમાલ મચાવી ઘરમાં તોડફોડ કરી હતી તેમજ ભૂપતની રિક્ષામાં પણ ભાંગફોડ કરી આતંક મચાવતાં પરિવારના સભ્યો ફફડી ગયા હતાં. ઘરના ડેલામાં પણ હથીયારોના ઘા ફટકારી નુકસાન કર્યુ હતું.

હત્યાનો ભોગ બનેલો ભૂપતભાઇ છ ભાઇ અને બે બહેનમાં પાંચમો હતો. તેના પિતા હયાત નથી. માતાનું નામ કાંતાબેન છે. તેની પણ ગઇકાલે તબિયત બગડી ગઇ હતી. સંતાનમાં બે પુત્રી તુલસી (ઉ.૫) અને નિશા (ઉ.૨) છે. બંનેએ પિતાનું છત્ર ગુમાવતાં જાખલીયા (કોળી) પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

(11:43 am IST)