Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

પડધરીના યુવાનને છરી ઝીંકી લૂંટી લેનારા સૂરજ ઉર્ફ સૂરો અને મયુર ઉર્ફ ભૂરો રીઢા ગુનેગાર નીકળ્યા

થોરાળાના પીએસઆઇ જાદવ અને યુવરાજસિંહની બાતમી પરથી પીઆઇ હડીયા અને ટીમે અમુલ સર્કલ પાસેથી દબોચ્યાઃ બંનીની આગવી ઢબે પુછતાછઃરોકડ, મોબાઇલ, રિક્ષા કબ્જેઃ રવિવારી બજાર, રેલનગરમાંથી પણ ત્રણ મોબાઇલ પડાવ્યાનું ખુલ્યું : બંને શખ્સો મુસાફરોને લૂંટવાની ટેવવાળાઃ લૂંટ, મારામારી, અપહરણ, દારૂના ગુના આચરી ચુકયા છેઃ ફરિયાદીને રિક્ષાના ટૂંકા નંબર મળ્યા'તા તેના : આધારે આરોપી શોધી કઢાયા

રાજકોટ તા. ૧૨: બે દિવસ પહેલા મુળ બિહારના હાલ પડધરી રહેતાં ચંદ્રિકાદાસ રામરીચદાસ (ઉ.૩૫)ને આજીડેમ ચોકડીથી રિક્ષામાં બેઠો ત્યારે આઇટીઆઇ હોસ્ટેલ પાસે પહોંચ્યા બાદ રિક્ષાચાલક અને સાથેના શખ્સે છરીના ઘા ઝીંકી માર મારી રોકડ, મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી. થોરાળા પોલીસે ચંદ્રિકાદાસ પાસેથી મળેલા રિક્ષાના ટૂંકા નંબરોને આધારે તપાસ શરૂ કરી બે આરોપીને અમુલ સર્કલ પાસેથી જીજે૦૩ડબલ્યુ-૧૭૨૪ નંબરની રિક્ષા સાથે દબોચી લીધા છે. આ બંને રીઢા ગુનેગાર નીકળ્યા છે. તેની પાસેથી અન્ય ત્રણ મોબાઇલ ફોન પણ મળ્યા હોઇ તે તેણે રવિવારી બજાર અને રેલનગર પાસેથી પડાવ્યાનું સામે આવ્યું છે. પોલીસે કુવાડવા રોડ સાત હનુમાન આગળ કિંગ રેસિડેન્સી ફલેટ નં. ૯૮માં ભાડેથી રહેતાં મુળ પોરબંદરના સૂરજ ઉર્ફ સૂરો માધવભાઇ ઉર્ફ માધવદાસ કાપડી (ઉ.૨૩) અને મયુર ઉર્ફ ભૂરો ભૂપતભાઇ ઓરખીયા (ઉ.૨૧-રહે. ગંજીવાડા-૩, શકિત ચોક)ને પકડી પકડી લઇ રિક્ષા, ૪ હજારનો ઓપ્પો ફોન તથા પ હજારની રોકડ અને બીજા ત્રણ મોબાઇલ કબ્જે કર્યા છે. આ બંનેએ પડધરીના યુવાનને રિક્ષામાં બેસાડી બાદમાં તેને છરીના ઘા ઝીંકી લૂંટ ચલાવી હતી. તેની પાસેથી બીજા ત્રણ ફોન મળ્યા હોઇ તે તેણે આ લૂંટ બાદ રેલનગર અને આજીડેમ પાસે ભરાતી બજાર પાસેથી લોકો પાસેથી પડાવ્યાનું કબુલ્યું છે. લૂંટની ઘટના બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડે તાકીદે ગુનો ડિટેકટ કરવા સુચના આપી હોઇ પી.આઇ. જી.એમ. હડીયા, પીએસઆઇ પી. ડી. જાદવ, એએસઆઇ અજીતભાઇ ડાભી, હેડકોન્સ. ભુપતભાઇ, ભરતભાઇ વનાણી, કોન્સ. યુવરાજસિંહ ઝાલા, કનુભાઇ, વિજયભાઇ, રોહિતભાઇ, કેલ્વીનભાઇ, આનંદભાઇ સહિતે દોડધામ આદરી હતી. દરમિયાન પીએસઆઇ જાદવ અને યુવરાજસિંહને મળેલી બાતમી પરથી આરોપીઓ દબોચાઇ ગયા હતાં.સૂરજ ઉર્ફ સૂરો અગાઉ લૂંટ, અપહરણ, મારામારી, દારૂના ગુનામાં અને મયુર ઉર્ફ ભૂરો લૂંટમાં પકડાઇ ચુકયો છે. આ બંનેની ભોગ બનનાર પાસે ઓળખ પરેડ કરાવવામાં આવશે.

(11:42 am IST)