Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ગુજ્જુ ફિલ્મ નિર્માતા સાથે ૩૯ લાખની ઠગાઇઃ ૧૯ આરોપી

રૈયા ચોકડીએ રહેતાં આહિર યુવાન ગિરીશ સોલંકીએ 'પાગલ કર દિયા તુને' નામની હિન્દી ફિલ્મ માટે તૈયારી કરી ત્યારે ફિલ્મ મેકર એકટર હોવાનું કહી યુપીના હફીઝુર રહેમાને જાળ બીછાવીઃ ડિરેકટર, રાઇટર, કોરિયોગ્રાફર, એકશન ડિરેકટર, મેકઅપ હેરસ્ટાઇલીસ્ટ સહિતનાએ નાણા ચાઉ કર્યાનો આરોપ : બોલીવૂડના પીઢ કલાકાર રઝા મુરાદ અને ગ્રાન્ડ મસ્તી ફેઇમ કાયનાત અરોડા, બજરંગી ભાઇજાન ફેઇમ મનોજ બક્ષીના પણ આરોપીમાં નામઃ યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : ૨૦૧૭માં મુંબઇમાં ઓડિશન રાખ્યું ત્યારે પોતાને ફિલ્મમેકર એકટર તરીકે ઓળખાવનારા યુપીના હફીઝુર રહેમાને મોટી-મોટી વાતો કરી રાજકોટના ગિરીશ સોલંકીને ફસાવ્યાઃ ફિલ્મમાં રોકાણથી પાંચગણો નફો થવાની વાતો કરીઃ અલગ-અલગ ખર્ચના બહાને નાણા ઉઘરાવ્યા છેલ્લે હીરો-હીરોઇન અને સપોર્ટિંગ સ્ટાફની તારીખો જ મળતી નહિ હોવાના બહાના બતાવ્યા : નાણા ચુકવી દીધા છતાં ફિલ્મનું શુટીંગ શરૂ જ ન થયું: અંતે ગિરીશ સોલંકીએ ફિલ્મમેકર-નિર્દેશક-કલાકારો બદલી એડીએમ આર્ટ પ્રોડકશન બેનર ઉભુ કરી ફરીથી ફિલ્મ બનાવી

રાજકોટ તા. ૧૨: શહેરની રૈયા ચોકડી પાસે શ્યામલ પ્લાઝા-૨૦૨માં રહેતાં અને બેસ્ટ પ્રા. લિ. નામે કન્સ્ટ્રકશનની કંપની ધરાવતાં  આ કંપનીના એમડી અને ચેરમેન  ગિરીશ નાનજીભાઇ સોલંકી  નામના ૩૯ વર્ષિય આહિર યુવાન સાથે બોલીવૂડની હિન્દી ફિલ્મ 'પાગલ કર દિયા તૂને' બનાવી આપવાના નામે પોતાને ફિલ્મમેકર એકટર તરીકે ઓળખાવતાં  યુપીના શખ્સે વિશ્વાસમાં લઇ ફિલ્મ નિર્માણથી રોકાણ સામે પાંચગણો  ફાયદો કરાવી આપવાની લાલચ આપી નાણા મેળવી લઇ બોલીવૂડના કલાકારો, સપોર્ટિંગ ટીમ સહિતના ૧૯ જણાએ ૩૯ લાખની ઠગાઇ કરતાં મામલો યુનિવર્સિટી પોલીસ મથકમાં પહોંચતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓમાં ગ્રાન્ડ મસ્તી ફેઇમ હિરોઇન કાયનાત અરોડા અને બોલીવૂડના પીઢ કલાકાર રઝા મુરાદ, મનોજ બક્ષીના પણ નામ સામેલ છે. પોતાની સાથે ઠગાઇ થતાં ગિરીશ સોલંકીએ બીજા ફિલ્મમેકર-નિર્દેશક-કલાકારોને લઇને ફિલ્મ બનાવી છે જે હવે આવતા મહિને રિલીઝ થશે.

પોલીસે ગિરીશ સોલંકીની ફરિયાદ પરથી જે ૧૯ જણા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦,૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો છે તેમાં પોતાને ફિલ્મમેકર તથા એકટર તરીકે ઓળખાવતાં હફીઝુર અબ્દુલભાઇ રહેમાન (રહે. ચોકીદરન મોોહલ્લા જોયા, અમરોહા ઉત્તરપ્રદેશ), પોતાને ડિરેકટર અને રાઇટર તરીકે ઓળખાવતાં સંજીવકુમાર બ્રહ્મસિંહ વેદવાન (રહે. રેલવિહાર શીપરા સન સીટી ગાજીયાબાદ યુપી), લાઇન પ્રોડ્યુસરમનિષ વિનુભાઇ શેઠ (રહે. ૧૦૦૧ સિધ્ધી ટાવર સાઇબાબા નગર, બોરીવલી મુંબઇ), ઇકવીપમેન્ટ સપ્લાયર સરીબ રાજા (ફિલ્મ ફ્રેમ એન્ટરટેઇનમેન્ટ-અંધરી વેસ્ટ આદર્શનગર), એકટર કોમેડીયન વિકારગીરી ભુલેગીરી (રહે. લોધીપુર ગાઝીયાબાદ યુપી), કોરીયોગ્રાફર વિરેન્દ્રચંદનસિંગ (રહે. ગોરેગાવ ઇસ્ટ મુંબઇ), આર્ટ ડિરેકટર દિનેશ વસંતરાવ શિંદે (રહે. હિમાલય બિલ્ડીંગ ગોરેગાંવ મુંબઇ), એકશન ડિરેકટર મોજેસ જોસેફ ફર્નાન્ડીઝ (રહે. કુંજ વિહાર, રમેશનગર રોડ અંધરી વેસ્ટ), મેકઅપ અને હેર સ્ટાઇલીસ્ટ અંજુ એચ. પાડલીયા (રહે. રાવલનગર ૩, જય ગેણેશ ટાટા શો રૂમ સામે રાજકોટ ૧૫૦ રીંગરોડ), ડાયરેકટર ઓફ ફોટોગ્રાફી મહેન્દ્ર હરિશચંદ્ર રાયન (રહે. વિજય એપાર્ટમેન્ટ, મલાડ વેસ્ટ  મુંબઇ), એકટર રઝા હમીદઅલી મુરાદ (રહે. બી-૧૦૪, માયફાયર કો. ઓ. હાઉસીંગ સોસાયટી ન્યુ લિંક રોડ, અંધેરી વેસ્ટ), એકટર મનોજ બક્ષી (રહે. વેસ્ટ દિલ્હી ઉત્તમનગર), એકટર સુરેન્દ્રકુમાર દિપરામ ઠાકુર (રહે. હિમાચલ પ્રદેશ), લાઇટમેન્ટ ફિરોઝ એમ. સૈયદ (રહે. આઝવા રોડ સૈયાજીપુરા વડોદરા), ડિરેકટર પ્રિયાકુમારી રમેશચંદ્ર ઓઝા (રહે. ૬૦૮-આનંદનગર, જોગેશ્વરી વેસ્ટ મુંબઇ), એસોસિએટ પ્રોડ્યુસર રાહુલ શંકર વર્મા (રહે. જોગેશ્વરી વેસ્ટ મુંબઇ), સ્ટોરી રાઇટર ઇકબાલ અહેમદ શેખ (રહે. બસુવાલાચાલ, મલડા ઇસ્ટ મુંબઇ) અને અભિનેત્રી કાયનાત અરોડા (રહે. કાંતિ એપાર્ટમેન્ટ સી-૧૦૧, પહેલા માળે માઉન્ટ મેરી ચર્ચ રોડ, બાંદ્રા વેસ્ટ મુંબઇ) તથા મ્યુઝિક ડિરેકટર તરીકે ઓળખ આપનાર કૃણાલ સુભાષચંદ્ર વર્મા (રહે. રાજસ્થાન શ્રીમોધપુર)નો સમાવેશ થાય છે.

ગિરીશ સોલંકીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે પોતે એડીએમ આર્ટ પ્રોડકશન હેઠળ એકાદ વર્ષથી શોર્ટ ફિલ્મ, ટીવી સિરીયલ, ફિચર ફિલ્મ અને એડ ફિલ્મ બનાવવાનું કામ કરે છે. હાલમાં એપ્રિલ-૨૦૧૮માં હિન્દી ફિલ્મનું શુટીંગ પુરૂ કર્યુ છે. ફિલ્મના પોસ્ટ પ્રોડકશન અને સેન્સરશીપની કાર્યવાહી પણ પુરી થવામાં છે. દોઢેક વર્ષ પહેલા એપ્રિલ-૨૦૧૭માં ફિલ્મ બનાવવા માટે અંધેરી વેસ્ટમાં ઇન્ફીનીટી મોલની સામેના સ્ટુડિયોમાં ઓડિશન રાખ્યું હતું. ઓડિશનમાં આશરે ૧૦૦ થી ૧૫૦૦ જેટલી વ્યકિત આવી હતી. જેમાં યુપીનો હફીઝુર અબ્દુલ રહેમાન પણ આવ્યો હતો. તેણે તે વખતે પોતે ફિલ્મમેકર હોવાનું કહી બધા કલાકારો અને ફિલ્મ બનાવવા માટે જરૂરી ટીમના લોકો સાથે ઓળખાણ-પરિચય કરાવી આપ્યો હતો. હફીઝુરે પોતાની પાસે બોલીવૂડના ખુબ સારા પ્રોજેકટ હોવાની અને સારી ફિલ્મો બનાવતો હોવાની તેમજ ઘણા બધા ડિરેકટરો, એકટર્સ અને ભારતનું ફિલ્મ જગત પોતાને ઓળખે છે, બધા એકટર્સના કોન્ટેકટ કરાવી આપશે. ફિલ્મ બનાવવી હોય તો વાત કરજો તેમ કહી વિશ્વાસ આપ્યો હતો.

હફીઝુરે એવી પણ લાલચ આપી હતી કે ફિલ્મ બનાવશો તેમાં જેટલા રૂપિયા રોકશો તેનો પાંચગણો નફો કરાવી આપશે તેવી પણ વાત કરી હતી. આ ઉપરાંત પોતે સારામાં સારી ફિલ્મ અને ટીવી સિરીયલ તથા એડવર્ટાઇઝમેન્ટ બનાવીને નફો કરાવી આપશે તેવી વાતો કરી હતી. બાદમાં હફીઝુર પર વિશ્વાસ આવતાં તેને મુંબઇથી ૧૭/૫/૧૭ના રોજ રાજકોટ રૈયા રોડ શ્યામ પ્લાઝા-૨૦૨ ખાતે બોલાવ્યો હતો અને ફિલ્મ બનાવવાની વાત કરી હતી. ફિલ્મનું નામ 'પાગલ કર દિયા તૂને' નક્કી કરાયું હતું. બધુ નક્કી થયા બાદ હફીઝુરને એડીએમ આર્ટ પ્રોડકશન વતી ફિલ્મના પ્રોજેકટ માટે ચીફ એકઝીકયુટીવ તરીકે ડેલીગેશન ઓફ ઓથોરીટી આપી હતી. હફીઝુરના નામે સોૈરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવી રૂ. ૮૫ હજાર જમા કરાવ્યા હતાં. તેમાંથી હફીઝુર ખર્ચ માટે પૈસા ઉપાડતો હતો. આ રીતે કટકે-કટકે કુલ ૩૯,૨૫,૭૬૬ રૂપિયા ચુકવ્યા હતાં.

હફીઝુર મુંબઇથી રેગ્યુલર કોન્ટેકટ કરતો હતો અને ફિલ્મનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે એકટીંગ, ટેકનીકલ સ્ટાફનું સિલેકશન થઇ રહ્યું છે. પોતે આ કામ માટે દિલ્હી તેમજ યુપી ગાઝીયાબાદ સહિતના સ્થળોએ પણ જવાનો હોવાની વાત કરી હતી. અલગ-અલગ લોકોને અલગ-અલગ કામ માટે જુદી-જુદી રકમ ચુકવવાની છે તેવી વાત કરી વિશ્વાસ આપી રકમો મેળવી હતી. એકટર રઝા હમીદઅલી મુરાદને પ્રિન્સીપલ એકટર તરીકે જવાબદારી આપી હોવાનું અને તેને રૂ. ૫૦ હજાર ટોકન પેટે આપ્યાનું તથા અભિનેત્રી કાયનાત અરોડાને રૂ. ૧,૫૦,૬૨૭ ચુકવી કોન્ટ્રાકટ એગ્રીમેન્ટ સાઇન કરાવાયો હતો. આ રીતે હફીઝુરે અલગ-અલગ સ્ટાફ અને કલાકારોના નામે તથા બીજા ખર્ચાઓના નામે કુલ રૂ. ૩૯,૨૫,૭૬૬ મેળવી લીધા બાદ પણ હિરો હિરોઇન તથા બીજા સપોર્ટિંગ સ્ટાફની તારીખો મળતી નથી તેમ કહી શુટીગ શરૂ જ ન કરતાં અંતે ગિરીશ સોલંકીને પોતાની સાથે છેતરપીંડી થઇ રહ્યાનું જણાતાં મુંબઇ જઇ તપાસ કરતાં ખબર પડી હતી કે આ બધા એક સાથે સંકળાયેલા છે અને કોઇપણ પ્રકારની ફિલ્મનું કામ શરૂ જ કર્યુ નથી. નવા પ્રોડ્યુસરને આ રીતે ભોળવી લેતા હોવાની વિગતો પણ જાણવા મળી હતી. તેના આધારે અંતે ફરિયાદ નોંધાવી છે.

છેલ્લા દોઢ વર્ષમાં આ રકમ ગિરીશ સોલંકીએ ચુકવી હતી. પરંતુ ફિલ્મનું શુટીંગ શરૂ જ થઇ શકયું નહોતું. ફિલ્મમેકર એકટર તરીકે ઓળખ આપનાર હફીઝુર રહેમાને બાદમાં ગલ્લા તલ્લા શરૂ કરી દેતાં ગિરીશ સોલંકીએ કલાકાર રઝા મુરાદ સહિતને વાત કરી હતી. પણ તેના તરફથી યોગ્ય પ્રતિભાવ મળ્યો નહોતો. અંતે તમામ સામે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખયિન છે કે કાયનાત અરોડાએ ગ્રાન્ડ મસ્તી જેવી સુપરહિટ ફિલ્મ તથા તમિલ, તેલુગુ, પંજાબી ફિલ્મો કરી છે. ખટ્ટા મિઠ્ઠા ફિલ્મમાં આઇલા રે...નામનું આઇટમ સોંગ પણ કર્યુ હતું. જ્યારે રઝા મુરાદ ખુબ જાણીતા કલાકાર છે. મનોજ બક્ષીએ બજરંગી ભાઇજાનમાં પાકિસ્તાની પોલીસ ઓફિસરનો રોલ નિભાવ્યોહ તો. આ ઉપરાંત હેપ્પી ભાગ જાયેગી, મદારી, ફિલ્મીસ્તાન, ફ્રાયડે સહિતની ફિલ્મોમાં રોલ નિભાવ્યો છે. કલાકારોના પણ આરોપી તરીકે નામ અપાયા હોઇ પોલીસે ઉંડી તપાસ શરૂ કરી છે.

બીજી તરફ મિત્રો સતત ફિલ્મ બાબતે પુછતાં હોઇ ગિરીશ સોલંકીએ બીજા ફિલ્મમેકર ડિરેકટર અને કલાકારોને લઇને પોતાની ફિલ્મ બનાવી લીધી છે. જે સેન્સરમાં પાસ પણ થઇ ગઇ છે. આ ફિલ્મ આવતા મહિને રિલીઝ થઇ રહી છે. પોતાના બેનર એડીએમ આર્ટ પ્રોડકશન હેઠળ 'પાગલ કર દિયા તૂને' બનાવી છે.

ઠગાઇના ગુનો દાખલ થતાં પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એન. બી. ડોડીયા અને ટીમે તપાસ હાથ ધરી છે.

(2:55 pm IST)