Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

પ્રદિપ ડવ પર ચોમેરથી અભિનંદન વર્ષાઃ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પીઠ થબથબાવી

શહેરનાં રાજમાર્ગો પરથી ઇંડા-નોંનવેજની લારીઓનો સફાયો કરનાર : રાજકોટનાં જીવદયા પ્રેમીઓએ સન્માન કર્યુઃ દુબઇથી ટેલીફોનીક શુભેચ્છા વર્ષાઃ જાહેર કાર્યક્રમોમાં પણ મેયરશ્રીની કામગીરીને બિરદાવાઇ

શહેરનાં જીવદયા પ્રેમી નાગરીકો તેમજ સ્કુલનાં વિદ્યાર્થીઓએ મેયર પ્રદિપ ડવને રૂબરૂ મળી અને ઇંડા-નોનવેજનાં હાટડાઓલનો સફાયો કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. તે વખતની તસ્વીરમાં કરૂણા ફાઉન્ડેશન-એનિમલ હેલ્પ લાઇનનાં હોદેદારો મિતલ ખેતાણી, સહિતનાં જીવદયા પ્રેમીઓ મેયરશ્રીને પુષ્પ ગુચ્છ આપી રહેલા દર્શાય છે. (તસ્વીર - અશોક બગથરીયા) (પ-ર૦)

રાજકોટ તા. ૧ર :.. શહેરનાં રાજમાર્ગો ઉપરથી ઇંડા-મટન વગેરે નોનવેજની લારીઓનું દુષણ દુર કરવાનું બીડુ ઝડપી અને તેમાં સફળતા મેળવનાર મેયર પ્રદિપ ડવની આ કામગીરીને શહેરનાં જીવદયા પ્રેમી નાગરીકો ઉપરાંત દરિયા પાર વિદેશમાં વસતા લોકો તેમજ ગુજરાત સરકારનાં મહેસુલી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ બિરદાવી મેયરશ્રી પર અભિનંદની વર્ષા વરસાવી અને આ લોક કલ્યાણની કામગીરીને પ્રોત્સાહન આપ્યું હતું.

આ અંગેની વિગતો મુજબ મેયર પ્રદિપ ડવે રાજમાર્ગો ઉપરથી ઇંડા-નોનવેજની ગેરકાયદે લારીઓનો દબાણો દુર કરવ ઝૂંબેશાત્મક કાર્યવાહી શરૂ કરાવી છે ત્યારે ગુજરાત સરકારનાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા ખાતે એક નિવેદનમાં રાજકોટનાં મેયર પ્રદિપ ડવ તેમજ વડોદરાનાં મેયર કેયુર રોકડીયા દ્વારા રસ્તા પરથી ઇંડા-નોનવેજની લારીઓનાં દબાણો દુર કરાવવા જે ઝૂંબેશ હાથ ધરાઇ છે. તે અભિનંદનને પાત્ર હોવાનું જણાવી બન્ને મેયરની આ કામગીરીને બિરદાવી હતી. તેઓએ આ તકે જણાવેલ કે ફુટપાથ ઉપર દબાણ કરીને ધંધો કરવાનો કોઇને અધિકાર નથી, ફુટપાથ લોકોને ચાલવા માટે છે. તેના પર રાહદારીઓનો જ અધિકાર છે.

આ ઉપરાંત દરિયા પાર એટલે કે દૂબઇથી લોકોએ મેયર પ્રદિપ ડવને વ્યકિતગત ફોન કરી અને ઇંડા-મટનની લારીઓનાં દબાણો દુર કરાવવાની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.

 આ ઉપરાંત રાજકોટનાં જીવદયા પ્રેમી નાગરીકોએ પણ મેયરશ્રીને રૂબરૂ મળી અને રસ્તા પરથી નોનવેજની ગેરકાયદે બજારો દુર કરાવવા બદલ અભિનંદન પાઠવી અને કામગીરીને બિરદાવી લોકો તેઓની સાથે હોવાની પ્રતિતી કરાવી હતી. આમ મેયરશ્રી ઉપર ચો-મેરથી અભિનંદન વરસી રહ્યા છે.

(3:58 pm IST)