Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મેયર પ્રદિપ ડવના અભિયાનને જબ્બર સફળતા

ઇંડા - મટનની લારીઓનો સફાયો : ફુલછાબ ચોક - શાસ્ત્રી મેદાન રોડ કલીયર

હવે ગોંડલ રોડ - રૈયા રોડ સહિતના મુખ્યમાર્ગો પર ઉભી રહેતી ઇંડા - નોનવેજની રેકડીઓ દુર કરવા કવાયત : ઝુંબેશ સતત ચાલુ રખાશે

ફુલછાબ ચોક અને શાસ્ત્રીમેદાન વિસ્તારમાંથી ઇંડા - નોનવેજની લારીઓના દબાણો દુર કરવામાં તંત્ર સફળ રહ્યું તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ૧૨ : છેલ્લા ૪ દિવસથી મેયર પ્રદિપ ડવની સુચનાઓ બાદ શહેરના જાહેરમાર્ગો ઉપર ઉભી રહેતી ઇંડા - મટનના વેચાણની લારીઓની દબાણ હટાવ ઝુંબેશ ચાલુ કરાઇ છે. જેને જબરી સફળતા મળી રહી છે અને જે સ્થળે વર્ષોથી ઇંડા - મટનની લારીઓની ગેરકાયદે બજારનું દુષણ હતું તે દુર થઇ રહ્યું છે.

શહેરના ફુલછાબ ચોક શાસ્ત્રી મેદાન જેવા મુખ્ય અને હાર્દસમા રાજમાર્ગો ઉપર તેમજ શહેરમાં અન્ય સ્થળોએ રહેણાંક તેમજ વ્યાપારી વિસ્તારોમાં ગેરકાયદે રીતે ઇંડા - માસ - મટનનું વેચાણ કરતા હાટડાઓ ખુલી ગયા હોઇ. આ દુષણ દુર કરવા મેયર સહિતના પદાધિકારીઓને ફરિયાદો મળતી રહી જે અનુસંધાને મેયર પ્રદિપ ડવે અધિકારીઓની મીટીંગ બોલાવી અને ફુલછાબ ચોક - શાસ્ત્રી મેદાન સહિતના રાજમાર્ગો ઉપરથી ઇંડા - મટન - નોનવેજનું વેચાણ કરતી લારીઓના ગેરકાયદે દબાણો દુર કરવા કડક સુચનાઓ આપી હતી.

આ સુચના અન્વયે જગ્યારોકાણ વિભાગ દ્વારા ડે.કમિશનર શ્રી સિંઘના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત સાથે ફુલછાબ ચોક સદર, ભીલવાસ, શાસ્ત્રી મેદાન સહિતના રાજમાર્ગો ઉપરથી નોનવેજની ગેરકાયદે બજાર દુર કરવા જબ્બર ઓપરેશન હાથ ધર્યું અને સતત ૪ દિવસ સુધી આ વિસ્તારમાં દિવસ - રાત ખુદ મેયર પ્રદિપ ડવે પણ અધિકારીઓ સાથે રહી પેટ્રોલીંગ કરી અને ફુલછાબ ચોક, શાસ્ત્રી મેદાન, ભીલવાસ રોડ ઉપરથી ઇંડા - નોનવેજની રેકડીઓનો સફાયો કરાવ્યો હતો. ગઇરાત્રે આ તમામ વિસ્તારોમાં કયાંય એક પણ ઇંડા - મટન કે અન્ય ખાણી-પીણીની વસ્તુઓની રેકડીઓનું દબાણ ન હતું. રસ્તાઓ એકદમ કલીયર જોવા મળ્યા હતા.

મેયરશ્રીએ આ તકે જાહેર કર્યું હતું કે, ઉપરોકત વિસ્તારોમાં રેકડી હટાવ ઝુંબેશ સતત ચાલુ રહેશે. દબાણો થવા નહી દેવાય.  હવે ગોંડલ રોડ, રૈયા રોડ વગેરે જેવા જાહેરમાર્ગો ઉપર ઉભી રહેતી ઇંડા - મટનની ગેરકાયદે લારીઓને જપ્ત કરવા અભિયાન હાથ ધરવામાં આવનાર છે.

(3:56 pm IST)